Amreli: સુરત લોકસભા બિનહરીફ થતાં અમરેલી ભાજપના નેતા ડો.ભરત કાનાબારે પોસ્ટ કરી કર્યો કટાક્ષ, લખ્યું- નિલેશ કુંભાણીએ નવો રાહ ચિંધ્યો
કાનાબારે ટ્વિટથી કહેવાનો પ્રયાસ કર્યો કે. કુંભાણીની ઉમેદવારી રદ્દ થવી એ કુંભાણી તરફનું સેટિંગ હતું સાથે જ એમ પણ લખ્યુ કે ચૂંટણીમાં થતો કરોડો રૂપિયાનો ખર્ચો બચાવવા દેશને 543 કુંભાણીની જરૂર છે
Amreli News: અમરેલી બીજેપી નેતા ડો. ભરત કાનાબાર નેતા તેમના ટ્વિટના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ડો. ભરત કાનાબારે ઘણીવાર પોતાની સરકારને અરિસો બતાવી ચૂક્યા છે. આ ઉપરાંત સિસ્ટમમાં ચાલતી લાલીયાવાડીને લઈને પણ ડો. ભરત કાનાબાર સોશિયલ મીડિયા પર પોતાનો આક્રોશ વ્યક્ત કરતા રહે છે. હવે ફરી એકવાર બીજેપી નેતા પોતાના ટ્વિટને લઈને ચર્ચામાં આવ્યા છે. સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જીત્યા. સ્વાભાવિક રીતે જ ભાજપના નેતાઓએ પહેલું કમળ ખિલ્યુ તેના પર ખુશાલી વ્યક્ત કરી. આ તમામની વચ્ચે સુરત લોકસભા બેઠક પર જે પ્રકારની સ્થિતિ સર્જાઈ તેને લઈને ભાજપના જ નેતા એવા અમરેલી ભાજપના પૂર્વ અધ્યક્ષ ભરત કાનાબારે સોશલ મીડિયામાં જબરજસ્ત કટાક્ષ કર્યો છે. જો કે કાનાબાર છેલ્લા 24 કલાકમાં 2 પોસ્ટ કરી ચૂક્યા છે.. જે પૈકી આજની પોસ્ટમાં તો જબરજસ્ત કટાક્ષ કર્યો છે.
ભરત કાનાબારે શું લખ્યું
તેમણે ટ્વિટ કરીને લખ્યું, નિલેશ કુંભાણીએ દેશને નવો રાહ ચીંધ્યો છે ! ચૂંટણીમાં અંદરો અંદર લડવાનો ફાયદો શું ? ચૂંટણીમાં થતો કરોડો રૂપિયાનો ખર્ચ બચાવવા દેશને જરૂર છે 543 નીલેશ કુંભાણીઓની !! તેવું લખી કાનાબારે એ કહેવાનો પ્રયાસ કર્યો કે. કુંભાણીની ઉમેદવારી રદ્દ થવી એ કુંભાણી તરફનું સેટિંગ હતું સાથે જ એમ પણ લખ્યુ કે ચૂંટણીમાં થતો કરોડો રૂપિયાનો ખર્ચો બચાવવા દેશને 543 કુંભાણીની જરૂર છે.
નીલેશ કુંભાણીએ દેશને નવો રાહ ચીંધ્યો છે !
— Dr. Bharat Kanabar (@KANABARDr) April 24, 2024
ચૂંટણીમાં અંદરો અંદર લડવાનો ફાયદો શું ?
ચૂંટણીમાં થતો કરોડો રૂપિયાનો ખર્ચ બચાવવા દેશને જરૂર છે 543 નીલેશ કુંભાણીઓની !!@narendramodi @AmitShah @Bhupendrapbjp @CRPaatil @ratnakar273 @mansukhmandviya @PRupala @vijayrupanibjp @MSufiSaint
આ સિવાય અન્ય એક ટ્વિટમાં તેમણે લખ્યું, ધન્ય છે નિલેશભાઈ કુંભાણી તમને ! તમે આપેલ બલિદાન માટે ઇતિહાસમાં તમારું નામ સુવર્ણ અક્ષરે લખાશે !!
થોડા દિવસ પણ તેમનું એક ટ્વિટ ચર્ચામાં આવ્યું હતું. તેમણે લખ્યું હતું અન્યાય થતો હોય ત્યારે મુંગા મોઢે સહન કરવું પડે એવી લાચારીનું બીજુ નામ શિસ્ત છે. વતનની ધરતીના અન્ન પાણી આપણું પોષણ કર્યુ છે તેના લોકોનું અહિત થઈ રહ્યુ હોય તે જાણવા છતાં કંઈ ના કરી શકવાની કાયરતાનું બીજું નામ વફાદારી છે.