Amreli: પીપાવાવમાંથી પેટ્રૉલ -ડિઝલ ડામરનું મોટુ રેકેટ ઝડપાયુ, SMCએ દરોડામાં 34 લાખથી વધુના મુદ્દામાલ સાથે બેને ઝડપ્યા
અમરેલીમાંથી વધુ એક મસમોટા રેકેટનો પર્દાફાશ થયો છે, અમરેલી- પીપાવાવ ચોકડી ઉપર રાજસ્થાની હૉટલ ગ્રાઉન્ડ ઉપર સ્ટેટ મૉનિટરિંગ સેલ-SMCએ અચાનક દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી
Amreli News: અમરેલીમાંથી હાલમાં જ એક મોટું કૌભાંડ સામે આવ્યુ છે, સ્ટેટ મૉનિટરિંગ સેલના દરોડામાં અમરેલીના પીપાવાવમાંથી મસમોટું પેટ્રૉલ -ડિઝલ ડામરનું રેકેટ ઝડપાયુ છે. અંદાજિત 34 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે અન્ય ત્રણ આરોપી ફરાર થઇ ગયા છે. આ મામલે કુલ 6 આરોપીઓ વિરૂદ્ધ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, હાલમાં તપાસ ચાલુ છે.
મળતી માહિતી પ્રમાણે, અમરેલીમાંથી વધુ એક મસમોટા રેકેટનો પર્દાફાશ થયો છે, અમરેલી- પીપાવાવ ચોકડી ઉપર રાજસ્થાની હૉટલ ગ્રાઉન્ડ ઉપર સ્ટેટ મૉનિટરિંગ સેલ-SMCએ અચાનક દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ડીઝલ પેટ્રોલ ડામરનું મોટું રેક્ટ ઝડપાયું હતું, આ ડામર રાજસ્થાનમાં સપ્લાય કરાતો હતો. પીપાવાવ પોર્ટમાંથી આવતા ટેન્કરમાંથી ગેરકાયદેસર ચોરી કરીને ડીઝલ પેટ્રોલ ડામરનો જથ્થો કાઢવામાં આવતો હતો. આ ઘટનામાં એસએમસીએ આરોપીઓ પાસેથી ચોરી કરેલું ડીઝલ એટલે કે 12,550 લીટરનું ટેન્કર જપ્ત કર્યું છે, જેની સાથે 300 લીટર પેટ્રોલ, 19 ટન ડામર તેમજ ફૉરવીલ કાર સહિતનો લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સ્ટેટ મૉનિટરિંગ સેલના દરોડામાં ઇલેક્ટ્રિક વૉટર મૉટર, બ્લૉઅર, પાઇપ સહિતની સામગ્રી જપ્ત કરાઇ છે. આમાં કુલ 34,17,920નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સ્ટેટ મૉનિટરિંગ સેલના દરોડામાં આરોપી દિગ્વિજય ખુમાણ, સલીમ પઠાણ એમ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, આમાં મુખ્ય આરોપી જયરાજ વાળા સહિત અન્ય 3 આરોપી ફરાર થયા છે. 6 આરોપી સામે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ગુજરાત સ્ટેટ મૉનિટરીંગ સેલના દરોડાથી અમરેલી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યાં છે.
પોલીસકર્મી PCR વેનમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા અને પછી...
દારૂબંધીનો અમલ કરાવવાની જેની ફરજ છે તે પોલીસ જ PCR માં દારૂની મહેફિલ માણતી ઝડપાઇ છે. વડોદરાના જેપી પોલીસ મથક વિસ્તારમાં સી ટીમની PCR વાનના હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ લોકોને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પીસીઆર વાન નંબર GJ 06 GA 3259ને પોલીસ મથકે લાવી હેડ કોન્સ્ટેબલ નવદિપસિંહ સરવૈયા તેમજ તેમના બે મિત્રોની સાકીર મણિયાર અને માલવ કહારની નશાની હાલતમાં ધરપકડ કરી તેમના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. પોલીસકર્મચારી જ પોલીસવેનમાં દારુની મહેફિલ માણતા ઝડપાતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ આ કેસમાં વધુ તપાસની ખાતરી આપી છે. હાલ તો દારુની મહેફિલ માણતા કર્મચારી અને તેમના મિત્રોના બ્લડ સેમ્બલ લઈ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાગૃત નાગરિકે આ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરી
વડોદરા શહેરમાં બે સપ્તાહમાં જ બે કરોડ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપાયો છે. વડોદરા શહેર પોલીસ દ્વારા અનેક જગ્યાએ રેડ કરી દારૂનો જથ્થો ઝડપી ચુસ્તપણે દારૂબંધીનો અમલ કરાવવા કટિબદ્ધ બની છે ત્યારે જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાં સી ટીમની PCR વાનના હેડ કોન્સ્ટેબલ, ડ્રાઇવર નવદીપસિંહ સરવૈયા અને તેમના બે મિત્રો વાનમાં બેસીને જ દારૂની મહેફીલ માણી રહ્યા હતા. આ દરમિયાન એક જાગૃત નાગરિકે આ અંગેની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરી હતી. કંટ્રોલ રૂમની વર્ધી મળતા જ જેપી પોલીસે પીસીઆર વાન નંબર GJ 06 GA 3259ને પોલીસ મથકે લાવી હેડ કોન્સ્ટેબલ નવદિપસિંહ સરવૈયા તેમજ તેમના બે મિત્રોની સાકીર મણિયાર અને માલવ કહારની નશાની હાલતમાં ધરપકડ કરી તેમના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.
દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત
સામાન્ય નાગરિક જ્યારે દારૂ પીતા ઝડપાય ત્યારે પોલીસ સ્થળ પર પહોંચીને દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરતી હોય છે પરંતુ જ્યારે પોલીસ કર્મચારી દારૂ પીધેલી હાલત હોવાની વર્ધી મળી તેમ છતાં પોલીસ સ્થળ પર પહોંચવાની જગ્યાએ પીસીઆર વાનને પોલીસ મથકે બોલાવી લેતા પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવી હતી. સમગ્ર પ્રકરણ મામલે ACPએ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.