Porbandar Drugs : અરબી સમુદ્રમાં ATS-NCBનું મોટું ઓપરેશન, 600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા
ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાવાનો સિલસિલો યથાવત છે. ફરી એક વખત પોરબંદરના દરિયામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.
પોરબંદર: ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાવાનો સિલસિલો યથાવત છે. ફરી એક વખત પોરબંદરના દરિયામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. પોરબંદરના દરિયામાંથી 90 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. ATS અને NCB દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન 90 કિલો હેરોઈન સાથે 14 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા છે. આ ડ્રગ્સને ભારત લાવવામાં આવી રહ્યું હતું. સફળ ઓપરેશન હાથ ધરી હેરોઇનનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ દરમિયાન સુરક્ષા એજન્સીઓ અને પાકિસ્તાની બોટ વચ્ચે ફાયરિંગ પણ થયું હતું. જેમાં પાકિસ્તાની બોટ ચાલક ઇજાગ્રસ્ત થયો હતો.
સુરક્ષા એજન્સીઓને મળેલી માહિતી પ્રમાણે પાકિસ્તાની બોટને ઝડપી લેવામાં આવી હતી. આ બોટમાંથી 90 કિલો જેટલા ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. જેની બજાર કિંમત 600 કરોડ રૂપિયાની નજીક હોવાનું જાણવા મળે છે. આ બોટમાં 14 જેટલા લોકો સવાર હતા. એટીએસ અનેએનસીબી દ્વારા તેમને ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ક્રૂ મેમ્બર અને ડ્રગ્સના જથ્થાને મોડી રાત સુધીમાં પોરબંદર લાવવામાં આવે તેવી શક્યતાઓ છે.
ગુજરાત અને રાજસ્થાનમાં દરોડા, કરોડોનું ડ્રગ્સ પકડાયુ હતું
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ડ્રગ્સની મોટી સાંઠગાંઠનો પર્દાફાશ કર્યો હતો. ATS અને NCBએ સંયુક્ત ઓપરેશનમાં ગુજરાત અને રાજસ્થાનમાં કથિત રીતે 230 કરોડ રૂપિયાના મેફેડ્રૉન ડ્રગ્સ જપ્ત કર્યું છે. ડ્રગ્સના આ કન્સાઈનમેન્ટ સાથે 13 લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત ATSને આ બ્લેક ડ્રગ ગેમ વિશે ગુપ્ત માહિતી મળી હતી, જેના પછી કાર્યવાહી કરવામાં આવી હતી.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાત ATS અને NCBએ શુક્રવારે દરોડા પાડ્યા હતા. એટીએસને બાતમી મળી હતી કે અમદાવાદના રહેવાસી મનોહરલાલ ઉનાણી અને રાજસ્થાનમાં રહેતા કુલદીપસિંહ રાજપુરોહિત ડ્રગ્સની બ્લેક ગેઇમ રમી રહ્યા છે. ગુજરાત એટીએસને જણાવવામાં આવ્યું હતું કે બંને આરોપીઓએ મેફેડ્રોન ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ સ્થાપ્યા હતા, જ્યાં મોટા પાયે ડ્રગ્સ તૈયાર કરવામાં આવી રહ્યું હતું.
પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ, "ATSએ 22.028 કિલો મેફેડ્રોન અને 124 કિલો લિક્વિડ મેફેડ્રોન રિકવર કર્યું છે, જેની બજાર કિંમત 230 કરોડ રૂપિયા છે. રાજપુરોહિત ગાંધીનગરમાં દરોડા દરમિયાન ઝડપાયો હતો, જ્યારે અનાની સિરોહીમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
એવું કહેવાય છે કે રાજસ્થાનના સિરોહી અને જોધપુર સ્થિત ઉત્પાદન એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના ગાંધીનગરના પીપળજ ગામ અને અમરેલી જિલ્લાના ભક્તિનગર ઔદ્યોગિક વિસ્તારમાં દરોડા પાડીને ડ્રગ્સ પણ મળી આવ્યું હતું.