Friendship Day 2023: જેતપુરમાં મિત્રના મોત બાદ મિત્રએ બનાવી પ્રતિમા, રોજ કરે છે પૂજા
Friendship Day: ચંદુભાઈ અને તેમના જીગરજાન મિત્રનો જન્મદિવસ એકજ દિવસે છે. ચંદુભાઈ પોતાનો જન્મદિવસ સ્મશાનમાં આવી પોતાના મિત્રની પ્રતિમા સામે કેક કાપી ઉજવણી કરે છે.
Friendship Day: સૌરાષ્ટ્રની પરંપરા અનુસાર મિત્રતા કે દોસ્તીને સૌથી મોટો સંબંધ માનવામાં આવે છે. સગો ભાઈ પણ જેવી મદદ ન કરી શકે તેવી મદદ મિત્રો દ્વારા કરવામાં આવી હોવાના કિસ્સાઓ અહીં ઠેર-ઠેર જોવા મળતા હોય છે. પરંતુ શહેરના એક યુવાને પોતાની મિત્રતા કાયમી તાજી રહે તે માટે અવસાન પામેલા જીગરી દોસ્તની આબેહૂબ પ્રતિમા બનાવી અહીંના અંતિમધામમાં મુકાવીને મિત્રતાનો નવો અધ્યાય લખી નાખ્યો છે.
રાજકોટ જિલ્લાના જેતપુરના સ્મશાનમાં અનેક દેવી દેવતાંની મૂર્તિઓ છે અને લોકો તેની પુજા કરતા જોવા મળે છે, અહીં એક મૂર્તિ અને તેની પૂજા કરતા એક વ્યક્તિ ખાસ ધ્યાન ખેંચે છે, એ વ્યક્તિ છે જેતપુરના બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા ચંદુભાઈ મકવાણા. ચંદુભાઈ રોજ સવારે પ્રથમ જેતપુરના સ્મશાનમાં આવે અને એક મૂર્તિ પાસે જઈને તેની પૂજા કરે, ચંદુભાઈ જે મૂર્તિની પૂજા કરે છે તે કોઈ ભગવાન ની મૂર્તિ નથી પરંતુ તેમના પરમ મિત્ર અપ્પુ જોગરણાની છે. અપ્પુભાઈ અને ચંદુભાઈ બંને બાળપણ ના મિત્રો છે, બન્ને જીગર જાન મિત્રો હતા, બન્ને એક બીજા માટે જાન આપવા તૈયાર રહેતા હતા, બન્ને મૂળ ભાવનગરના રહેવાસી, ચંદુભાઈ પોતાના કામ ધંધા માટે જેતપુર આવી ગયા હતા.
એક વખત અપ્પુભાઈ નું એક્સીડેન્ટ થયું અને ચંદુભાઈ તેને મળવા પોહોચે તે પહેલાં જ અપ્પુભાઈએ આ દુનિયા છોડી દીધી હતી. ચંદુભાઈને કોઈ જગ્યા એ ચેન પડે નહીં, અને રોજ તેને તેનો મિત્ર યાદ આવે કોઈ મુશ્કેલી હોય કામ પુરા થતા ન હોય ત્યારે ચંદુભાઈને તેનો મિત્ર અપ્પુ યાદ આવે અને તેના સ્મરણ સાથે જ ચંદુભાઈના અટકેલા કામ પુરા થાય. ચંદુભાઈને અપ્પુ જાણે કે અદ્રશ્ય રહીને દરેક કામમાં સાથે જ હોય તેવી અનુભૂતિ થતી હતી. હંમેશા પોતાના દિલમાં વસી ગયેલા અપ્પુને કાયમ જીવંત રાખવા માટે ચંદુભાઈએ કઈંક કરવાનો વિચાર આવ્યો અને તેણે તેની મૂર્તિ બનાવીને જેતપુરના સ્મશાનમાં સ્થાપિત કરી, આજે પણ ચંદુભાઈ દિવસની શરૂઆત અને ઘરેથી નીકળે એટલે પ્રથમ તેના મિત્રની પુજા કરે છે. ચંદુભાઈ પોતાના જીગર જાન મિત્રના નામ ઉપર અપ્પુ કન્ટ્રક્શન, અપુ ફર્નિચર તેમજ ચંદુભાઈ કોઈ પણ નવું સાહસ કરે તો તેમના મિત્રના નામ ઉપર રાખે છે. પોતાના મિત્ર અપ્પુભાઈ ના નામ ઉપર બટુક ભોજન, સમૂહ લગ્ન પણ દર વર્ષે કરાવે છે.
ચંદુભાઈ અને તેમના જીગરજાન મિત્રનો જોગાનુંજોગ જન્મદિવસ એકજ દિવસે છે અને ચંદુભાઈ પોતાનો જન્મદિવસ હોઈ ત્યારે સ્મશાન આવી પોતાના મિત્ર સાથે કેક કાપી મિત્ર સાથે જન્મદિવસ ઉજવણી કરે છે. આજે ફ્રેન્ડશિપ દિવસ છે ત્યારે ચંદુભાઈ પોતાના મિત્રને બહુ યાદ કરેછે અને સ્મશાન જઈ પોતાના મિત્રને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધે છે, કેક કાપી ઉજવણી કરે છે. ચંદુભાઈ અને અપ્પુભાઈની મિત્રતા કૃષ્ણ અને સુદામાની મિત્રતા સાર્થક કરે છે.