Gujarat Election 2022: ઓવૈસીની પાર્ટી AIMIMએ વધુ ત્રણ નામોની યાદી કરી જાહેર, જાણો કોને મળી ટીકિટ
AIMIMએ જણાવ્યું હતું કે વડગામથી કલ્પેશભાઈ સુંધિયા, સિદ્ધપુરથી અબ્બાસભાઈ નોડસોલા અને વેજલપુરથી ઝૈનાબી શેખ તેમના ઉમેદવાર હશે.
Gujarat Election 2022: અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) એ બુધવારે ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વધુ ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી હતી. AIMIMએ જણાવ્યું હતું કે વડગામથી કલ્પેશભાઈ સુંધિયા, સિદ્ધપુરથી અબ્બાસભાઈ નોડસોલા અને વેજલપુરથી ઝૈનાબી શેખ તેમના ઉમેદવાર હશે.
ભાજપના મુખ્યમંત્રીના ઉમેદવારના નામની જાહેરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઘાટલોડિયા વિધાનસભા બેઠકથી ઉમેદવારી પત્ર ભરશે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શક્તિ પ્રદર્શન કર્યું. ઉમેદવારી પત્ર ભરતા અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રેલી સ્વરૂપે જેવીર ડેરી, પ્રભાત ચોક, ચાણક્યપુર બ્રિજ, ડમરૂ સર્કલ, કારગીસ ચાર રસ્તા થઈને મધ્યસ્થ કાર્યાલય પહોંચશે. જે બાદ ગોતા પ્રાંત કચેરી પર અમિત શાહની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્રક ભરશે.
ઉમેદવારી પત્ર પહેલા ઘાટલોડિયામાં અમિત શાહ અને ભુપેન્દ્ર પટેલે એક સભાને સંબોધી હતી. અહીં અમિત શાહે આગામી મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ચૂંટણી બાદ પણ ભૂપેન્દ્ર પટેલ જ ગુજરાતના મુખ્યમંત્રી હશે. અમિત શાહે આગળ કહ્યું કે, બધા રેકોર્ડ તોડીને ભાજપ ફરી એક વખત સરકાર બનાવશે.
કોંગ્રેસ પર પ્રહાર
તેમણે સભાને સંબોધતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ દર વર્ષે નવા કપડા પહેરીને આવી જાય છે. 1990થી કોંગ્રેસ સત્તામાં જ નથી તો કામ કરવાના બોર્ડ માર્યા. કોંગ્રેસે ભાજપે કરેલા કામ સોનિયા ગાંધીની તસવીર સાથે લખી દીધા. આ દરમિયાન અમિત શાહે રામ મંદીરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, જાન્યુઆરી 2024 સુધીમાં અયોધ્યામાં રામ મંદિરમાં દર્શન કરી શકાશે. તેમણે કાશ્મીરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ભાજપે એક ઝાટકે કલમ 370 હટાવી દીધી. સભામાં અમિત શાહે કહ્યું કે, 1985થી 1995 સુધી ગુજરાત કોમી રમખાણોથી પિડાતુ હતું. 365 દિવસમાંતી 250થી વધુ દિવસ તો ગુજરાતમાં કર્ફ્યુ રહેતો હતો. પણ ભાજપની સરકાર આવ્યા બાદ ભાજેપ રાજ્યમાં ન્યાયનો માહોલ બનાવવાનું કામ કર્યું છે. દરેક જિલ્લામાં વિકાસના કામ પહોંચાડવાનું કામ અમે કર્યું. ગ્રામ્ય વિસ્તારોમાં સાત કલાકથી વધુ વીજળી નહોતી મળતી પણ 2005 સુધીમાં તો સમગ્ર વિસ્તારોમાં 24 કલાક વીજળી મળતી થઈ ગઈ. એટલું જ નહીં પણ રાજ્યમાં પાણીના સ્તર ઉંચા લાવવાનો પ્રયાસ ભાજપ સરકારે કર્યો છે.