જૂની પેન્શન યોજનાને મુદ્દે સમગ્ર ગુજરાતમાં શિક્ષકોની મહાપંચાયત, અનેક જિલ્લાઓમાં વિરોધ
જૂની પેન્શન યોજના અને અલગ-અલગ પડતર પ્રશ્નોને લઈને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સમગ્ર ગુજરાતમાં પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગર : જૂની પેન્શન યોજના અને અલગ-અલગ પડતર પ્રશ્નોને લઈને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સમગ્ર ગુજરાતમાં પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રામાં રાજ્યના હજારો શિક્ષકો જોડાયા છે. એક જ સમયે રાજ્યના 11 સ્થળો પર મહાપંચાયતનું આયોજન થયું છે. શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત પદયાત્રા તથા મહાપંચાયતમાં અનેક જિલ્લાના શિક્ષકો જોડાયા છે.
અમદાવાદ ગ્રામ્ય, ખેડા, આણંદમાં હજારો શિક્ષકો પદયાત્રામાં જોડાયા હતા. પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. મોરબી, જામનગર અને ભાવનગરમાં પણ શિક્ષકો રસ્તા પર ઉતર્યા છે. ખેડામાં ત્રણ અલગ-અલગ રુટ પર શિક્ષકોનો વિરોધ જોવા મળ્યો છે.
જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો લઈને રાજ્ય સરકાર દ્વારા ઠરાવ કરવામાં નહીં આવતા શૈક્ષિક મહાસંઘ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કાના આંદોલન પછી પણ પ્રશ્નો ઉકેલાયા ન હતા આથી તમામ પ્રશ્નો સત્વરે ઉકેલ આવે તે હેતુ સાતે ઠરાવ પસાર કરી પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મહાપંયાત અને પદયાત્રામાં રાજ્યના હજારો શિક્ષકો જોડાયા છે. શિક્ષકોનું કહેવું છે કે, સરકારે વિધાનસભાની ચૂંટણી સમયે જૂની પેન્શન યોજના લાગુ કરવા વચન આપ્યું હતું. વચન આપ્યા બાદ સરકારે આજ દિવસ સુધી ઠરાવ ન કરતા મહાપંચાયત યોજાઈ રહી છે. 2005 પહેલાના શિક્ષકો અને કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાનું સરકારનું વચન હતું. શિક્ષકો અને અન્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો પણ મહાપંચાયતમાં ઉઠાવવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના વિવિધ 11 સ્થાનો પર આ પદયાત્રા અને મહાપંચાયત યોજાઈ રહી છે.
સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આચાર્ય મુખ્ય શિક્ષકે સ્ટાર્ટ સંપર્કના વિવિધ પડતર પ્રશ્નો મહાનગરપાલિકાના પડતર પ્રશ્નો વાર્તાલાપ કરીને નિકાલ ન આવતા વિવિધ સ્થળો પર પદયાત્રા યોજાઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
શિક્ષકો દ્વારા રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મહાપંચાયત યોજી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે માંગ કરવામાં આવી છે. અનેક જિલ્લાઓમાં શિક્ષકો દ્વારા પદયાત્રા પણ યોજવામાં આવી રહી છે.