જળ આંદોલન : મુક્તેશ્વર ડેમ અને કરમાવદ તળાવ ભરવા પાલનપુરમાં ખેડૂતોની મહારેલી, 125 ગામના હજારો ખેડૂતો જોડાયા
Banaskantha News : આજે ખેડૂતો એ પ્રતિ સ્વરૂપે બે કિલોમીટર દૂર કલેકટર કચેરીએ રેલી કરી ને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું અને હવે જરૂરિયાત ઉભી થશે તો ગાંધીનગર સુધી રેલી કરવાની પણ તૈયારીઓ બતાવી.
Banaskantha : બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમ અને કરમાવદ તળાવને ભરવાના મુદ્દે ખેડૂતોએ પાલનપુર આદર્શ હાઇસ્કુલના મેદાનથી કલેકટર કચેરી સુધી મહારેલી કાઢી હતી અને સરકારને ખેડૂતોએ પાણી માટે પાણી બતાવ્યું. વડગામ અને પાલનપુર તાલુકાના 125 ગામોના હજારો ખેડૂતો રેલીમાં જોડાયા.
કરમાવદ તળાવને ભરવા ખેડૂતોની માંગ
25 વર્ષથી સમગ્ર વડગામ તાલુકાની તળાવને ભરવાની માંગ છે આ વર્ષે સરકારે ડીંડરોલથી 200 કરોડના ખર્ચે મુક્તેશ્વર ને પાણી ભરવાની બજેટમાં જાહેરાત કરી છે તેવી જ રીતે હવે કરમાવદને પણ યોગ્ય પ્લાનિંગ પૂર્વક ભરવામાં આવે તેવી અસરકારક રજૂઆત કરવા મહારેલી યોજાઈ હતી.
ખેડૂતોએ તળાવ ભરવા કરેલા આંદોલનને સમર્થન માટે પાલનપુર, વડગામ માર્કેટયાર્ડ બંધ રાખવાની પણ જાહેરાતો કરવામાં આવી હતી, જ્યારે ખેડૂતો દ્રારા સામાજિક પ્રસંગોની તારીખો બદલી મહારેલીમાં જોડાવવા અપીલ કરી હતી.
આજે ખેડૂતો એ પ્રતિ સ્વરૂપે બે કિલોમીટર દૂર કલેકટર કચેરીએ રેલી કરી ને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું..અને હવે જરૂરિયાત ઉભી થશે તો ગાંધીનગર સુધી રેલી કરવાની પણ તૈયારીઓ બતાવી.
કરમાવદ તળાવ ભરાવાથી વડગામના ગામડાઓને થશે લાભ
કરમાવદ તળાવ 98 હેક્ટર જમીનમાં પથરાયેલું છે. ઉત્તરથી દક્ષિણ તરફ પાણીનું વહેણ જાય છે જો આ તળાવ ભરાય તો વડગામ તાલુકા ના પાણીના તળ જે 800 થી હજાર ફૂટ નીચે ગયા છે તેમને લાભ થઈ શકે. હાલમાં કેટલાક ગામોમાં સવાસો ફૂટે કાળો પથ્થર આવી જાય છે જેથી સિંચાઈનું પાણી મળતું નથી. નર્મદા મુખ્ય નહેરમાથી સિધ્ધપુર તાલુકાના ડીડરોલ ગામથી પાઈપલાઇન મુક્તેશ્વર ડેમ સુધી લાવી ત્યાંથી કરમાવદ સુધી લાવી શકાય. આ ઉપરાંત માધપુરા અને કલ્યાણાથી પાણી આપી શકાય.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરી બેઠક
મુખ્યમંત્રીએ ગુરુવારે પાણી કરમાવદ તળાવ ભરવા માટેના ઉપાયો ચકાસવા અધિકારીઓને સૂચના આપી હતી. તળાવ ભરવા અંગે શું કાર્યયોજના અને આયોજન થઇ શકે તે જોવા માટે જળસંપત્તિ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના મંત્રીઓ સચિવોને સૂચના આપી હતી. જેમાં મંત્રી ઋષિકેશ પટેલ,મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી અને અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, પાણી પુરવઠા સચિવ ધનંજય દ્વિવેદી, જળસંપત્તિ વિભાગના સચિવ કે.એ.પટેલ, સચિવ વિવેક કાપડીયા, જીતુ ચૌધરી, કિર્તિસિંહ સહિત બનાસકાંઠાના અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
વડગામમાં જળ આંદોલન
અગાઉ સમગ્ર વડગામ તાલુકામાં આંદોલનનો મેસેજ પ્રસરતા ગામે ગામ બેનર લગાવી રાત્રી સભાઓ થવા લાગી. અલગ અલગ ગામોમાં લોક જાગૃતિ અંતર્ગત કળશ પૂજા કરી રાત્રી બેઠકોમાં ભીડ ઉમડવા લાગી. સમિતિના સભ્યોને રાત્રી સભાઓમાં બોલાવવામાં આવતા તેઓ પાણીનું મહત્વ સમજાવી રેલીમાં જોડાવવા આહવાન કર્યું હતું.મહારેલીમાં કોઈ પણ રાજકીય પક્ષો દ્રારા રાજકીય રંગ ન આપવા અપીલ કરવામાં આવી હતી અને ખેડૂત તરીકે મહારેલીમાં જોડાયા.