Murder: વિદેશમાં વધુ એક હત્યા, ગુજરાતી યુવાનને ઓસ્ટ્રેલિયામાં ચપ્પૂના ઘા મારી ઉતારાયો મોતને ઘાટ
Gujarati Boy Murder In Australia: અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયામાંથી પણ ગુજરાતી યુવાનોની હત્યાના સમાચારો સામે આવ્યા છે

Gujarati Boy Murder In Australia: વિદેશોમાં ગુજરાતીઓ પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. અમેરિકા, યુરોપ હોય કે પછી ઓસ્ટ્રેલિયા, સતત હત્યાની ઘટનાની સામે આવતી રહે છે. આ કડીમાં વધુ એક દુઃખદ ઘટના ઓસ્ટ્રેલિયામાંથી સામે આવી છે, અહીં ગુજરાતી યુવાનની હત્યા થઇ છે. જોકે, હત્યા કયા કારણોસર થઇ તે અંગે કોઇ માહિતી સામે આવી નથી.
અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયામાંથી પણ ગુજરાતી યુવાનોની હત્યાના સમાચારો સામે આવ્યા છે. માહિતી પ્રમાણે, નવસારીના બીલીમોરાના યુવકની ઓસ્ટ્રેલિયામાં હત્યા કરાઇ છે. મેલબોર્નના બરવૂડમાં રહેતા મિહિર દેસાઈ નામના યુવાનની ચપ્પૂના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ મેલબોર્ન પોલીસે ઘરમાંથી એક 42 વર્ષીય યુવકની અટકાયત કરી હતી. જોકે, તપાસમાં હુમલાખોર વ્યકિત ગુજરાતી મૂળનો જ હોવાનું સામે આવ્યુ છે. કહેવાઇ રહ્યું છે કે, આ બન્ને યુવાનો એકબીજાને ઓળખતા હતા અને રૂમમેટ હતા. મિહિર દેસાઈની હત્યાના પગલે હાલમાં ગુજરાતમાં વતન બીલીમોરામાં શોકનો માહોલ છવાયો છે. પોલીસ તપાસ ચાલી રહી છે પરંતુ હત્યા ક્યાં કારણોસર થઈ તે અંગે મેલબૉર્ન પોલીસે કોઈપણ સ્પષ્ટતા કરી નથી.
આ પહેલા અમેરિકામાં પણ થઇ હતી ગુજરાતી યુવાનની હત્યા
અગાઉ, યુએસના વર્જિનિયા રાજ્યના એકોમેક કાઉન્ટીમાં મહેસાણાના એક પટેલ પરિવારના બે સભ્યોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકો પિતા અને પુત્રી છે, જેઓ મૂળ મહેસાણા જિલ્લાના કનોડા ગામના વતની હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, 56 વર્ષીય પ્રદિપકુમાર રતિલાલ પટેલ અને તેમની 24 વર્ષીય પુત્રી ઉર્વિ પ્રદિપકુમાર પટેલ વર્જિનિયાના એકોમેક કાઉન્ટીમાં એક સ્ટોરમાં હાજર હતા. તે સમયે એક અશ્વેત વ્યક્તિ સ્ટોરમાં ઘૂસી આવ્યો હતો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં પ્રદિપકુમાર પટેલ અને તેમની પુત્રી ઉર્વિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ગોળીબાર કરનાર અશ્વેત શખ્સને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ આ હત્યાકાંડના કારણોની તપાસ કરી રહી છે. જો કે, હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

