Gujarat storm alert: ચોમાસા પહેલા જ ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ, સ્કાઈમેટે કરી મોટી આગાહી
Skymet cyclone prediction 2025: નૈઋત્ય ચોમાસાના આગમન પૂર્વે જ ગુજરાતમાં મેઘમહેર, આગામી ૭ દિવસ ૧૫થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન, તંત્ર એલર્ટ પર.

Skymet weather forecast Gujarat: ગુજરાત રાજ્યમાં નૈઋત્ય ચોમાસાના વિધિવત આગમન પૂર્વે જ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે વરસાદી માહોલ જામ્યો છે. અરબી સમુદ્રમાં ગોવા અને કોંકણ નજીક સર્જાયેલું લો પ્રેશર સિસ્ટમ આજે મોડી સાંજ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે તેવી પ્રબળ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સિસ્ટમ ઉત્તર તરફ ગતિ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરી શકે છે. જોકે, સ્કાયમેટ જેવી ખાનગી હવામાન એજન્સીના મતે, હાલ અરબી સમુદ્ર પર એન્ટિ સાયક્લોન અને રિઝની સ્થિતિ હોવાથી આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા ઓછી છે અને તેનો ચોક્કસ ટ્રેક હજુ નક્કી થયો નથી.
હવામાન વિભાગે આગામી ૭ દિવસ માટે રાજ્યના ૧૨થી વધુ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેને પગલે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવાના આદેશ આપી દીધા છે. મુખ્યમંત્રીએ પણ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓના વહીવટીતંત્રને સતર્ક રહેવા અને તમામ આવશ્યક પગલાં લેવા સૂચના આપી છે.
નોંધનીય છે કે, ગુરુવારે રાજ્યના રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લા સહિતના કેટલાક વિસ્તારોમાં મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. તોફાની પવન સાથે વરસેલા વરસાદને કારણે રાજકોટ શહેર અને ગોંડલ પંથકમાં અનેક વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા, તેમજ કેટલીક ઇમારતોના કાચ પણ તૂટ્યા હતા.
આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ:
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ૨૮ મે સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.
- ૨૩ થી ૨૫ મે (શુક્રવારથી રવિવાર): રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓમાં ૫૦ ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- ૨૬ મે (સોમવાર): ઉપરોક્ત જિલ્લાઓ ઉપરાંત પોરબંદર અને આણંદ, છોટા ઉદેપુર સહિત કુલ ૧૫ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. સમગ્ર ગુજરાતમાં ૫૦ ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને મેઘગર્જના થવાની શક્યતા છે.
રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં હાલ પણ ચાલુ છે, અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ચોમાસા પૂર્વે જ વરસાદી ગતિવિધિઓ તેજ બની છે. નાગરિકોને સાવચેતી રાખવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.




















