Amreli : બગસરામાં પ્રશાસનની ઘોર બેદરકારી, એમ્બ્યુલન્સ ન મળતા મૃતદેહને છકડામાં લઇ જવો પડ્યો
Amreli News : અમરેલીના બગસરામાં સીલાણા ગામમાં ડૂબીને મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને છકડામાં લઇ જવાયો.
Amreli : અમરેલી જિલ્લાના બગસરામાં પ્રશાસનની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં એક યુવકના મૃતદેહને છકડામાં લઇ જવો પડ્યો. અમરેલીના બગસરામાં સીલાણા ગામમાં ડૂબીને મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને છકડામાં લઇ જવાયો. બગસરના સિલાણાનો યુવક અકસ્માતે પાણીમાં ડૂબી ગયો હતો. 18 કલાકની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે આ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા માટે એમ્બ્યુલન્સ મળી ન હતી. જેના કારણે મૃતકના સ્વજનોએ છકડો રીક્ષામાં આ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બગસરા સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. વિકાસની વાતો કરતા ગુજરાતમાં છકડો રિક્ષામાં મૃતદેહ ખસેડાતા અનેક તર્ક વિતર્ક થયા છે. શોક ભર્યા માહોલ વચ્ચે તંત્રની કામગીરી સામે લોકો સવાલ કરી રહ્યાં છે.
કોણીના ઓપરેશન દરમિયાન મોત થતા હોબાળો
આણંદ જિલ્લાના ઉમરેઠની નિવાન હોસ્પિટલમાં હોબાળો મચ્યો છે. 50 વર્ષના વ્યક્તિના હાથની કોણીના ઓપરેશન દરમિયાન મોત થતા હોબાળો મચ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર હોસ્પિટલ સત્તાવાળાઓએ દર્દીને સાંજે 8 વાગે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા. જો કે રાત્રિના 11 વાગ્યા સુધી યુવકને બહાર ન લવાતા પરિવારજનોને શંકા ગઈ હતી.
મૃતક પરિવારજનોને શંકા જતાં ઓપરેશન થિયેટરમાં જોતા યુવક મૃત હાલતમાં હતો. ત્યાર બાદ મૃતકના પરિજનોએ ઉમરેઠની નિવાન ઓર્થોપેડીક હોસ્પિટલ સામે બેદરકારીનો આરોપ મૂક્યો છે. હાલમાં મૃતકના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત મૃતક પરિવારજનો દ્વારા પેનલ પીએમ કરાવવાની પણ માગ કરવામાં આવી છે. ઉમરેઠ પોલીસે વધુ તપાસ આરંભી મૃતદેહને પેનલ પીએમ માટે કરમસદ હોસ્પિટલ ખસેડાયો છે. ઉમરેઠ નગરમાં આ અગાઉ પણ નિવાન હોસ્પિટલ વિવાદોમાં આવી હતી.
ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રીનું નિધન
માજી મંત્રી ભગુભાઇ વિમલનું નિધન થયું છે. તેઓ ગુજરાત સરકારમાં વન પર્યાવરણ અને રમતગમત વિભાગના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. મળતી માહિતી પ્રમાણે ભગુભાઇ લાંબા સમયથી બિમાર હતા. ભગુભાઇ ઓલપાડના પારડી ઝાંખરી ગામના મૂળ વતની છે. નોંધનિય છે કે, ઓલપાડના કાંઠાના ગામડાઓના વિકાસમાં તેમનો સિંહફાળો રહ્યો છે. ભગુભાઇના નિધનથી તેમના પ્રશંસકોમાં ભારે શોક જોવા મળી રહ્યો છે.