(Source: ECI/ABP News/ABP Majha)
દેશભરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, UPના ફતેહપુરમાં વીજળીથી 4ના મોત
ટીકમગઢમાં આભ ફાટ્યા જેવા દ્રશ્યો સર્જાયા છે. એક જ કલાક વરસેલા વરસાદમાં સમગ્ર શહેર જળમગ્ન થયું છે અનેક દુકાનો અને ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યા છે.
Wearther Update: દેશભરમાં મેઘરાજાની ધોધમાર બેટિંગથી જળાશયો ભરુપૂર થયા છે. હિમાચલ પ્રદેશના ઉનાની સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. તો સ્વાન નદીનું રૌદ્ર સ્વરુપ જોવા મળ્યું છે. બિહારના રોહતાસમાં વહેલી સોન નદી પણ બે કાંઠે જોવા મળી છે. પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક વાહનો ફસાયા છે. હજુ પણ બે દિવસ સુધી રોહતાસમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લામાં વીજળી પડતા 2 યુવતી સહિત 4 લોકોના મોત થયા છે. આ તરફ મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક જિલ્લામાં મેઘમહેર યથાવત છે.
ટીકમગઢમાં આભ ફાટ્યા જેવા દ્રશ્યો સર્જાયા છે. એક જ કલાક વરસેલા વરસાદમાં સમગ્ર શહેર જળમગ્ન થયું છે અનેક દુકાનો અને ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યા છે. નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા સ્થાનિકોને હાલાકી પડી છે. બિહારના અનેક જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. દરભંગાનું મેડિકલ કોલેજના પરિસરમાં વરસાદી પાણી ઘુસતા બેટમાં ફેરવાયું છે. તો વોર્ડની અંદર પણ 2 ફુટ જેટલા પાણી ઘુસ્યાના દ્રશ્યો સામે આવ્યા છે. રાજસ્થાનનાં સીકરમાં સાંબેલાધાર વરસેલા વરસાદે પૂર જેવી સ્થિતિનું સર્જન કર્યું છે. શહેરમાં ઠેક ઠેકાણે પાણી ભરાતા સ્થાનિકોની મુશ્કેલી વધી છે. તો અંડરપાસમાં પાણી ઘુસતા તળાવમાં ફેરવાયા છે. સાથે જ વાહન વ્યવહારને માઠી અસર પડી છે.
વિરામ બાદ ફરી ગુજરાતમાં મેઘરાજાનું આગમન થયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થયા બાદ વિરામ બાદ બીજા રાઉન્ડમાં પણ ગુજરાતને સારો વરસાદ મળશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ એટલે 6 જુલાઇથી 10 જુલાઇ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને સારો વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતા માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદનો અનુમાન છે.
ગુજરાતમાં વરસાદની બીજી ઇનિંગ શરુ થઈ ગઈ છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમના કહેવા અનુસાર આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજકોટ, મોરબીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર, ડાંગ, વલસાડ, સુરતમાં પણ અતિભારે વરસાદ પડશે. જ્યારે કેટલીક નદીઓમાં પૂરની શક્યતાઓ છે. સાથે જ અંબાલાલ પટેલે ઉત્તર ભારતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.