High Court : હેં!!! બળાત્કાર કેસની સુનાવણી વખતે હાઈકોર્ટે માંગી પીડિતાની જન્મ કુંડળી
લગ્નના બહાને સંબંધ બાંધવા બદલ એક વ્યક્તિ સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપ છે કે, તેણે યુવતી માંગલિક હોવાનું કહીને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.
Supreme Court On Rape Case: સુપ્રીમ કોર્ટે બળાત્કારના આરોપીની જામીન પર અલ્હાબાદ હાઈકોર્ટના વિચિત્ર આદેશ પર સ્ટે લગાવી દીધો હતો. હાઈકોર્ટે પીડિતાની કુંડળી અંગે જ્યોતિષ રિપોર્ટ માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેને બિનજરૂરી ગણાવ્યો હતો. વેકેશન બેન્ચે શનિવારે (3 જૂન)ના રોજ યોજાયેલી વિશેષ સુનાવણીમાં કહ્યું હતું કે, "ડિતા મંગાલિક છે કે નહીં તે જાણવાની જરૂર નથી. હાઈકોર્ટે હકીકતોના આધારે જામીન બાબતે નિર્ણય લેવો જોઈએ."
લગ્નના બહાને સંબંધ બાંધવા બદલ એક વ્યક્તિ સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપ છે કે, તેણે યુવતી માંગલિક હોવાનું કહીને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં 23 મેના રોજ તેની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટના જસ્ટિસ બ્રિજરાજ સિંહે લખનૌ યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના વડા પાસેથી રિપોર્ટ માંગ્યો હતો કે, યુવતીના જન્મના ચાર્ટમાં મંગલ દોષ છે કે નહીં. જસ્ટિસ સિંહે 3 અઠવાડિયામાં રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો અને સુનાવણીની આગામી તારીખ 26 જૂન પર મુકરર કરી હતી.
સુપ્રીમ કોર્ટમાં શું થયું?
હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સુઓ મોટુ સંજ્ઞાન લઈને વિશેષ સુનાવણી હાથ ધરી હતી. બપોરે 3 વાગ્યે જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને પંકજ મિથલની બેન્ચ ખાસ સુનાવણી માટે બેઠી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતા પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણીમાં જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે, જ્યોતિષ એક વિજ્ઞાન છે, પરંતુ કોર્ટની સુનાવણીમાં તેનો રિપોર્ટ માંગવો યોગ્ય નથી. તેના પર ન્યાયાધીશોએ પણ કહ્યું હતું કે, તેઓ જ્યોતિષ પર સવાલ નથી કરી રહ્યા, પરંતુ કોર્ટના કેસોમાં તેની કોઈ ભૂમિકા નથી.
ન્યાયાલયનો હુકમ
પીડિતા તરફથી હાજર રહેલા વકીલે ન્યાયાધીશોને જણાવ્યું હતું કે, આરોપીએ યુવતીને માંગલિક હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેથી હાઈકોર્ટે રિપોર્ટ માંગ્યો હતો. પીડિતાએ જ્યોતિષ રિપોર્ટ પર પોતાની સંમતિ પણ આપી દીધી હતી. તેના પર ન્યાયાધીશોએ કહ્યું હતું કે, તેની કોઈ જરૂર નથી. ઓર્ડર હોલ્ડ પર રાખવામાં આવી રહ્યો છે. 26મી જૂને હાઈકોર્ટે કેસના તથ્યોના આધારે સુનાવણી ધરે તેવી પણ સુપ્રીમે ટકોર કરી હતી. આ સાથે સુપ્રીમ કોર્ટે આ કેસમાં સામેલ પક્ષકારો અને ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ પાઠવી છે. 10 જુલાઈ બાદ સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરશે કે શું કાયદાકીય મામલામાં જ્યોતિષ રિપોર્ટ માંગવો યોગ્ય હતો કે કેમ?