India-China: LAC પર સૈન્ય અથડામણને લઈને ખુલાસો - 300 ચીની સૈનિકો પુરી તૈયારી સાથે આવ્યા હતાં પરંતુ..
ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક એક સ્થળે પર થઈ હતી.
India China Faceoff: ગલવાન બાદ ભારત અને ચીનનું સૈન્ય વાસ્તવિક નિયંત્રણ રેખા પર સામસામે છે. આ મામલે હજી સંપૂર્ણ સમાધાન સધાયું નથી ત્યાં ભારતીય સૈન્ય અને પીપેલ આર્મી ઓફ ચાઈનાના જવાનો સામસામે આવી ગયા હતાં અને બંને વચ્ચે મારામારી થઈ હતી. ચીની સેનાના આશરે 300 જેટલા જવાનો હથિયારો સાથે સજ્જ થઈ પુરી તૈયારી સાથે આવ્યા હોવાનો ભારતીય સેનાના સૂત્રોએ ખુલાસો કર્યો હતો.
ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક એક સ્થળે પર થઈ હતી. આ સૈન્ય અથડામણમાં બંને તરફથી કેટલાક સૈનિકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. સૈન્ય સૂત્રોએ સોમવારે આ માહિતી આપી હતી.
ભારતીય સેનાના સૂત્રએ કહ્યું હતું કે, ભારતીય સૈનિકોએ ચીનના પીએલએ સૈનિકો સામે જોરદાર લડત આપી હતી. એક સમાચાર એજન્સીએ સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે, અથડામણ બાદ તરત જ બંને પક્ષો આ વિસ્તારમાંથી પીછેહઠ કરી ગયા હતાં. સૂત્રએ ખુલાસો કરતા કહ્યું હતું કે, ચીનના પીએલએ સૈનિકોની સંખ્યા લગભગ 300 હતી જે ભારે તૈયારી સાથે આવ્યા હતા. જોકે તેમને અંદાજ નહોતો કે ભારતીય સૈનિકો તેમનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હશે.
એક સૂત્રએ જણાવ્યું હતું કે, 9 ડિસેમ્બરે તવાંગ સેક્ટરમાં LAC પાસે PLA સૈનિકો સાથે આ અથડામણ થઈ હતી. અમારા સૈનિકોએ દ્રઢતા સાથે ચીની સૈનિકોનો સામનો કર્યો હતો. અથડામણમાં બંને પક્ષના કેટલાક જવાનોને સામાન્ય ઈજાઓ થઈ હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ તુરંત જ બંને પક્ષો અથડામણ થઈ તે વિસ્તારમાંથી પીછેહઠ કરી ગયા હતા. સૂત્રએ ઉમેર્યું હતું કે, અમારા કમાન્ડરે તવાંગ સેક્ટરમાં LAC સાથે અથડામણ બાદ શાંતિ પુનઃસ્થાપિત કરવા ચીની સમકક્ષ સાથે 'ફ્લેગ મીટિંગ' કરી હતી. બંને પક્ષો વર્ષોથી કરાતા આવતા દાવા વાળા કેટલાક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરે છે. આ ઘટનાક્રમ 2006 થી ચાલી રહ્યો છે.
આ અગાઉ ભારત અને ચીનના સૈનિકો 5 મે 2021ના રોજ LAC પર ગલવાન વેલી ખાતે સામસામે આવી ગયા હતાં. તે દરમિયાન પણ ચીનના સૈનિકોએ ધોકા અને કાંટાળા તાર વડે ભારતીય જવાનો પર રાતના અંધારામાં ઘાત લગાવીને હુમલો કર્યો હતો. જોકે ભારતીય જવાનોએ ચીની સૈનિકોને બરાબરના ઠમઠોર્યા હતાં. આ અથડામણમાં ભારતના લગભગ 40 જવાનો શહિદ થયા હતાં. જ્યારે ચીનના 80 જેટલા જવાનો ભારતીય જવાનોની વળતી કાર્યવાહીમાં માર્યા ગયા હતાં.