US Plane Inside Pics: તાલિબાનથી જીવ બચાવવા લાચાર અફઘાન નાગરિકો ‘મુંબઈ લોકલ’ની જેમ ખીચોખીચ બેસી ગયા
એસ એરફોર્સના સી -17 એરક્રાફ્ટના ક્રૂએ વિમાનમાં અફઘાન નાગરીક ખીચોખીચ ભરાઈ ગયા પછી પણ તેમને ઉતારી ન મુક્યા અને તેમને લઈ જવાનો નિર્ણય કર્યો.
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા સાથે કાબુલ એરપોર્ટ પર દેશ છોડવા માટે લોકો આમતેમ દોડધામ કરી રહ્યા હતા. સોમવારે જ્યાં દુનિયાએ લોકોને ઉડતા વિમાનમાંથી નીચે પડતા જોયા હતા ત્યારે હવે મંગળવારે બીજી તસવીર આવી છે જે ત્યાંની ભયાનક પરિસ્થિતિને કહેવા માટે પૂરતી છે. આ તસવીર યુએસ એરફોર્સના સી -17 વિમાનની છે. આ વિમાનમાં જોવા મળતી મુસાફરોની ભીડ મુંબઈની લોકલ ટ્રેન કરતા વધારે છે.
આ અમેરિકન કાર્ગોમાં આશરે 640 અફઘાન નાગરિકો જોવા મળે છે, જ્યારે આ વિમાન સામાન્ય રીતે 150 સૈનિકોને લઈ જઈ શકે છે અથવા 77 હજાર 565 કિલોગ્રામ કાર્ગો લઈ જઈ શકાય છે.
આશ્ચર્યની વાત એ છે કે, યુએસ એરફોર્સના સી -17 એરક્રાફ્ટના ક્રૂએ વિમાનમાં અફઘાન નાગરીક ખીચોખીચ ભરાઈ ગયા પછી પણ તેમને ઉતારી ન મુક્યા અને તેમને લઈ જવાનો નિર્ણય કર્યો.
'ધ સન'ના અહેવાલ અનુસાર, અત્યાર સુધીમાં અમેરિકાએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ માટે બે C-17 કાર્ગો જેટ મોકલ્યા છે. આગામી સપ્તાહોમાં અમેરિકા આવા વધુ વિમાનો મોકલીને પોતાના સૈનિકો અને કર્મચારીઓને પરત લાવવાની તૈયારી કરી રહ્યું છે.
ઉડતા વિમાનમાંથી લોકો પડતા જોવા મળ્યા હતા
આ પહેલા સોમવારે એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું કે હવામાં ઉડતા યુએસ મિલિટરી એરક્રાફ્ટમાંથી પડ્યા બાદ ત્રણ લોકોના મોત થયા છે. આ લોકો વિમાનના વ્હીલ બોક્સમાં ભરાઈને મુસાફરી કરી રહ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ લોકો દેશ છોડવા માટે લશ્કરી વિમાનના ટાયર વચ્ચે ઉભા હતા. કાબુલ એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યા બાદ વિમાન હવામાં પહોંચતાની સાથે જ આ લોકો એક પછી એક નીચે પડવા લાગ્યા.
તાલિબાનોએ દેશની વિવિધ સરહદ પર કબજો કરી લીધો છે. આવી સ્થિતિમાં એરપોર્ટ એકમાત્ર રસ્તો બાકી છે, જેના દ્વારા લોકો યુદ્ધગ્રસ્ત દેશ છોડીને સલામત સ્થળે જઈ શકે છે. જોકે, મોટી સંખ્યામાં અફઘાન નાગરિકો આવ્યા બાદ અમેરિકી સૈન્યએ સોમવારે એરપોર્ટ બંધ કરી દીધું હતું. મંગળવારે વહેલી સવારે એરપોર્ટ ફરી ખોલવામાં આવ્યું હતું. એક અમેરિકન જનરલે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે એર ટ્રાફિક નિયંત્રણની કમાન પણ યુએસ સુરક્ષા દળોના હાથમાં છે. સોમવારે કાબુલ એરપોર્ટ પર પણ ગોળીબાર થયો હતો, જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા.