‘મુસલમાનોના અત્યાચારો ભૂલવાના નથી...’, કડીમાં નીતિન પટેલના નિવેદનથી ખળભળાટ
ચેટીચાંદ મહોત્સવમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીનું સંબોધન, યોગી આદિત્યનાથના કાર્યને બિરદાવ્યું.

કડી: કડી શહેરમાં સિંધી સમાજ દ્વારા આયોજિત ચેટીચાંદ મહોત્સવમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક નિવેદન આપ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં પાકિસ્તાનમાં મુસલમાનો દ્વારા કરવામાં આવેલા અત્યાચારોને ભૂલવા નહીં અને તેમનું ભૂત ગમે ત્યારે ધૂણી શકે છે તેમ જણાવ્યું હતું. આ સાથે તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યને પણ બિરદાવ્યું હતું.
શનિવારે (૨૯ માર્ચે) કડીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે સિંધી કોઈ ધર્મ નથી, પરંતુ ભારતના હિન્દુઓના ઝુલેલાલ ભગવાનનો સંપ્રદાય છે. તેમણે કહ્યું કે અખંડ ભારતના ભાગલા પડતાં સિંધી પરિવારો નિરાશ્રિત બનીને ભારત આવ્યા હતા.
નીતિન પટેલે વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં મુસલમાનોએ જે અત્યાચાર કર્યા છે તે ભૂલવા જેવા નથી. તેમણે વર્તમાન પરિસ્થિતિને ટાંકીને કહ્યું કે હજુ પણ ગમે ત્યારે મુસલમાનોનું ભૂત ધૂણી શકે છે, જેનું ઉદાહરણ મહારાષ્ટ્રમાં ફરી જોવા મળ્યું છે જ્યાં ઔરંગઝેબનું ભૂત ધૂણ્યું છે.
આ પ્રસંગે નીતિન પટેલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યને વખાણ્યું હતું અને કહ્યું હતું કે તેઓ જે કામ કરી રહ્યા છે તેનાથી બધું પાછું આવશે. તેમણે ઉપસ્થિત લોકોને આ કાર્યોમાં સહકાર આપવા પણ અપીલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે મુસલમાનોએ આપણા અનેક મંદિરો તોડીને તેના પર કબજો કરીને મસ્જિદો બનાવી દીધી છે.
ચેટીચાંદ મહોત્સવ સિંધી સમાજ માટે નવા વર્ષની શરૂઆત અને ભગવાન ઝુલેલાલના જન્મદિવસની ઉજવણીનો મહત્વનો પ્રસંગ છે. કડીમાં મધુવન સોસાયટી સ્થિત ઝુલેલાલ મંદિરથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે ટાઉનહોલ ખાતે સમાપ્ત થઈ હતી. રાત્રે ટાઉનહોલમાં સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
નીતિન પટેલે પોતાના સંબોધનમાં ભૂતકાળને યાદ કરતાં કહ્યું હતું કે તેઓ જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં ૧૯૬૦થી પાકિસ્તાનથી નિરાશ્રિત થઈને આવેલા ઘણા સિંધી પરિવારો રહેતા હતા. તેમણે કહ્યું કે ભાગલા વખતે સિંધીઓએ દેશભક્તિથી પ્રેરાઈને પાકિસ્તાન છોડીને ભારતની પવિત્ર ભૂમિ પર આશરો લીધો હતો. તેમણે પાકિસ્તાનમાં મુસલમાનોના ત્રાસ અને અત્યાચારોનો ઉલ્લેખ કર્યો હતો જે સિંધીઓએ સહન કર્યા હતા.
નીતિન પટેલે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સિંધીઓને આશ્રય અને વસવાટ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓને પણ યાદ કરી હતી, જેમ કે અમદાવાદમાં સરદારનગરની સ્થાપના અને કચ્છના ગાંધીધામમાં જમીન ફાળવણી. તેમણે કડીમાં સિંધી સમાજના યોગદાન અને એકબીજા સાથેના ભાઈચારાની પણ વાત કરી હતી.

