UK: કેનેડા અને ભારત વચ્ચેના વિવાદ પર બ્રિટનની એન્ટ્રી, જાણો UKના વિદેશ મંત્રીએ શું આપ્યું નિવેદન?
બ્રિટનના વિદેશમંત્રીએ કહ્યું હતું કે તમામ દેશોએ અન્ય દેશોની સાર્વભૌમત્વ અને તેમના કાયદાનું સન્માન કરવું જોઈએ
બ્રિટનના વિદેશ મંત્રી સચિવ જેમ્સ ક્લેવરલીએ કેનેડા-ભારત વિવાદ પર ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું હતું કે તમામ દેશોએ અન્ય દેશોની સંપ્રભુતાનું સન્માન કરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે યુકે સરકાર કેનેડાની સરકાર સાથે નિયમિત સંપર્કમાં છે. નોંધનીય છે કે એક દિવસ પહેલા સોમવારે કેનેડાના પીએમએ આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોઈ શકે છે.
બ્રિટનના વિદેશમંત્રીએ કહ્યું હતું કે તમામ દેશોએ અન્ય દેશોની સાર્વભૌમત્વ અને તેમના કાયદાનું સન્માન કરવું જોઈએ. કેનેડાની સંસદમાં નિજ્જરની હત્યા અંગે ભારત પરના આરોપોને લઈને અમે કેનેડાની સરકાર સાથે નિયમિત સંપર્કમાં છીએ. અહીં સૌથી મોટો મુદ્દો એ છે કે કેનેડાની તપાસ એજન્સીએ આની તપાસ કરવી જોઈએ અને આરોપીઓને તેની સજા આપવી જોઇએ. તેમણે કહ્યું કે તપાસ રિપોર્ટ વિના આ મામલે ટિપ્પણી કરવી યોગ્ય નથી.
કેનેડિયન પત્રકાર ટેરી મિલેવસ્કીએ મંગળવારે કહ્યું કે જ્યાં સુધી કેનેડાની સરકાર કોઈ પુરાવા રજૂ નહીં કરે ત્યાં સુધી ભારત શાંત રહેશે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે જૂનમાં કેનેડાના એક અગ્રણી ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
કેનેડાના PMએ ભારત સરકાર પર આરોપ લગાવ્યો
વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે આરોપ લગાવ્યો હતો કે નિજ્જરની હત્યા પાછળ ભારત સરકારનો હાથ હોઈ શકે છે. ટ્રુડોએ કહ્યું કે કેનેડાની સુરક્ષા એજન્સીઓ પાસે એવું માનવા માટેનું કારણ છે કે નિજ્જરની હત્યા ભારત સરકારના એજન્ટોએ કરી હતી. કેનેડિયન એજન્સીઓ નિજ્જરની હત્યામાં ભારતીય ષડયંત્રની શક્યતાની તપાસ કરી રહી છે. ટ્રુડોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં કોઈની પણ સંડોવણી અસ્વીકાર્ય છે.
ભારતની ઝડપી કાર્યવાહી બાદ કેનેડાનું વલણ હવે નરમ પડ્યું છે. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ મંગળવારે જણાવ્યું હતું કે કેનેડા શીખ અલગતાવાદી નેતાની હત્યા સાથે તેના એજન્ટોની સંડોવણી હોવાનું કહીને ભારતને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું નથી પરંતુ તેઓ ઇચ્છે છે કે ભારત આ મુદ્દાનો યોગ્ય રીતે ઉકેલ લાવે. ટ્રુડોએ પત્રકારોને કહ્યું હતું, ભારત સરકારે આ બાબતને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે ભારતને ઉશ્કેરવા કે મુદ્દાને આગળ લઈ જવાનો વિચાર કરી રહ્યા નથી.