US Storms: અમેરિકામાં જોરદાર વાવાઝોડાનો ખતરો જોતા 2,600 ફ્લાઈટ્સ રદ, હજારો લોકો અંધારામાં જીવવા મજબૂર
US Storms News: અમેરિકામાં શક્તિશાળી વાવાઝોડાના ખતરાને જોતા હજારો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ સાથે જ અનેક શહેરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે લોકો અંધારામાં છે.

US Storms: અમેરિકામાં મહાકાય તોફાનનો ખતરો છે. જેના કારણે હજારો ફ્લાઈટો રદ કરવામાં આવી હતી. રાજધાની વોશિંગ્ટનમાં લગભગ તમામ સરકારી કચેરીઓ સોમવારે વહેલી બંધ હતી. વાસ્તવમાં અમેરિકામાં વાવાઝોડા, મુશળધાર વરસાદ અને ભારે તોફાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેમાં તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે.
ખતરાને જોતા વોશિંગ્ટનમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે, આ સાથે સ્થાનિક લોકોને ઘરની અંદર રહેવાની સૂચના આપવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે, યુએસ સ્થિત વેધર ફોરકાસ્ટિંગ એજન્સીએ સોમવારે ચેતવણી જારી કરીને કહ્યું હતું કે આવનારા કેટલાક કલાકો જીવલેણ સાબિત થઈ શકે છે. અમેરિકાના કેટલાક ભાગોમાં ભારે તોફાન સાથે મૂશળધાર વરસાદ, કરા અને ટોર્નેડો થવાની સંભાવના છે.
હજારો લોકો અંધારામાં
ભારે વરસાદ અને વાવાઝોડા વચ્ચે અમેરિકાના ઘણા શહેરોમાં પાવર ફેલ થઈ ગયો છે. આવી સ્થિતિમાં, વર્જિનિયાના લાઉડાઉન કાઉન્ટીમાં લગભગ 15,000 લોકો વીજળી વિના જીવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે નેશનલ વેધર સર્વિસે ચેતવણી આપી હતી કે સોમવારે અલાબામાથી પશ્ચિમી ન્યૂયોર્ક રાજ્ય સુધીના 29.5 મિલિયનથી વધુ લોકો ટોર્નેડોના જોખમમાં છે, પરંતુ રાત્રે 9 વાગ્યા સુધી આવા કોઈ સમાચાર આવ્યા નથી.
2,600 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને વાવાઝોડાને કારણે ન્યુ યોર્ક, વોશિંગ્ટન, ફિલાડેલ્ફિયા, એટલાન્ટા અને બાલ્ટીમોરના એરપોર્ટ પર ફ્લાઈટ્સને પ્રસ્થાન રોકવાનો આદેશ આપ્યો હતો. FAAએ કહ્યું કે શક્ય હોય ત્યાં સુધી સાવચેતી રાખવામાં આવી રહી છે. ફ્લાઇટ ટ્રેકિંગ સર્વિસ ફ્લાઇટઅવેરના જણાવ્યા અનુસાર સોમવારની રાત સુધીમાં, 2,600 કરતાં વધુ યુએસ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને લગભગ 7,700 યુએસ ફ્લાઇટ્સ વિલંબિત થઈ હતી.
નેશનલ વેધર સર્વિસ મુજબ, વોશિંગ્ટન, ડીસી સહિત મધ્ય-એટલાન્ટિક પ્રદેશમાં સૌથી મોટો ખતરો છે, જ્યાં કેટલાક સ્થળોએ 75 માઈલ પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને મોટા કરા પડી શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
