Pro Hockey League: ભારતે ઓલિમ્પિક ચેમ્પિયન બેલ્જિયમને શૂટઆઉટમાં હરાવ્યું, શ્રીજેશે કર્યો કમાલ
બીજા ક્વાર્ટરની શરૂઆતમાં ભારત માટે શમશેર સિંહે 18મી મિનિટે ગોલ કર્યો હતો.
એન્ટવર્પઃ ગોલકીપર પીઆર શ્રીજેશે નિર્ધારિત સમયમાં અનેક ગોલ બચાવ્યા બાદ રોમાંચક પેનલ્ટી શૂટઆઉટમાં પેનલ્ટી સ્ટ્રોક બચાવ્યો હતો. તેની શાનદાર રમતની મદદથી ભારતીય પુરુષ હોકી ટીમે FIH પ્રો-લીગની પ્રથમ મેચમાં ઓલિમ્પિક ચેમ્પિયન બેલ્જિયમને 5-4થી હરાવ્યું હતું. માત્ર 8 મિનિટની રમત બાકી હતી ત્યારે ભારતીય ટીમ એક તબક્કે 1-3થી પાછળ હતી, પરંતુ સ્કોર 3-3થી બરાબર કરી દીધો અને મેચને શૂટઆઉટમાં ખેંચી ગઈ હતી. શ્રીજેશ એલેક્ઝાન્ડર હેન્ડ્રિક્સનો એક શૉટ બચાવ્યો. શૂટઆઉટ 4-4ની બરાબરી પર હતો ત્યારે આકાશદીપે ગોલ કરીને સ્કોર 5-4 કરી દીધો હતો. શ્રીજેશે મેચ દરમિયાન ઘણા ગોલ બચાવ્યા, પરંતુ છેલ્લા ક્વાર્ટરમાં બચાવેલા 2 ગોલ મહત્વપૂર્ણ સાબિત થયા હતા.
મેચના પ્રથમ ક્વાર્ટરમાં એક પણ ગોલ થઈ શક્યો ન હતો જેમાં શ્રીજેશે 2 શૉટ બચાવ્યા હતા. બીજા ક્વાર્ટરની શરૂઆતમાં ભારત માટે શમશેર સિંહે 18મી મિનિટે ગોલ કર્યો હતો. સેડ્રિક ચાર્લિયરના ગોલ પર બેલ્જિયમે 3 મિનિટ પછી બરાબરી કરી હતી. ત્રીજા ક્વાર્ટરમાં સાઇમન ગોનાર્ડે 36મી મિનિટે બેલ્જિયમને લીડ અપાવી હતી. શ્રીજેશે આ દરમિયાન વધુ બે શૉટ બચાવ્યા હતા, પરંતુ ડી કર્પેલે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને 3-1ની લીડ મેળવી હતી. મનપ્રીત સિંહે ભારતને પેનલ્ટી કોર્નર આપ્યો હતો જેને હરમનપ્રીત સિંહે ગોલમાં ફેરવ્યો હતો. બીજી તરફ, જરમનપ્રીતે ત્રીજો ગોલ કર્યો જ્યારે ભારતે પેનલ્ટી કોર્નર પર વેરિએશનનો ઉપયોગ કરીને બેલ્જિયમને ચોંકાવ્યું હતું.
બીજા નંબર પર ભારતીય ટીમ
આ જીત સાથે ભારતીય હોકી ટીમ પ્રો-લીગના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગઈ છે. તેણે અત્યાર સુધી રમાયેલી 13માંથી 8 મેચ જીતી છે. તેને 29 પોઇન્ટ છે. નેધરલેન્ડ 11માંથી 9 મેચ જીતીને ટોચ પર છે. તેના 31 પોઇન્ટ છે. આ સાથે જ બેલ્જિયમની ટીમ ત્રીજા સ્થાને આવી ગઈ છે. તેના 13 મેચમાં 28 પોઈન્ટ છે. તેણે અત્યાર સુધી 8 મેચ પણ જીતી છે.