Suicide: અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરતાં ચકચાર
મૃતક કોન્સ્ટેબલ વસ્ત્રાલની આમ્રપાલી સોસાયટીમાં રહેતો હતો. પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો.
Ahmedabad News: અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. રામોલ વિસ્તારમાં પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને પોલીસ કર્મીએ જીવન ટૂંકાવ્યું હતું. મૃતક પોલીસ કર્મી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પીસીઆર વનમાં ફરજ બજાવતો હતો. પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ લકુમના આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. રામોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક કોન્સ્ટેબલ વસ્ત્રાલની આમ્રપાલી સોસાયટીમાં રહેતો હતો.
પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ લકુમ દ્વારા અગમ્ય કારણોસર ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાની જાણ પરિવાર સહિત પોલીસ બેડામાં થતા પોલીસ બેડામાં તેમજ મિત્ર વર્તુળમાં શોક છવાઈ જવા પામ્યો હતો. પોલીસ મૃતદેહને પીએમ અર્થે મોકલી કાયદેસરની કાર્યાવાહી હાથ ધરી હતી.
રાજકોટ જિલ્લાના જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનારી દયા સરિયાએ (ઉવ.25) 9મી સપ્ટેમ્બરે જેતપુર સીટી પોલીસ લાઈનમાં ફાળવવામાં આવેલા ક્વાર્ટરમાં ગળાફાંસો ખાધો હતો.જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલના આપઘાત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં મહિલા કોન્સ્ટેબલના ત્રણ પોલીસકર્મી સાથેની ચેટના સામે આવી છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થાય તો નવાઈ નહીં. ત્યારે આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમાં ફરિયાદીના મમ્મીએ કહ્યુ હતુ કે, ‘મને અહીં લોકો હેરાન કરે છે. વારંવાર હેરાન કરે છે.’ પછી દયાબેનના મમ્મીએ કહ્યુ હતુ કે, ‘હું ત્યાં આવું કે તું અહીંયા આવતી રહે’ ત્યારે દયાબેને મારે ત્યાં આવવું નથી તેવું કહીને ફોન કટ કરી નાંખ્યો હતો.
મહિલા કોન્સ્ટેબલ દયા સરિયા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના શિવરાજપુરની વતની હતી. જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવી રહી હતી. જો કે, કયા કારણોસર મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે તે અંગે હજુ કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું. મહિલા કોન્સ્ટેબલની આપઘાતનો બનાવ સામે આવતા ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.