Cyclone Biparjoy : વાવાઝોડાને ધ્યાનમાં રાખી AMC તંત્ર સજ્જ, શરૂ કરાયો કંન્ટ્રોલ રૂમ, નાગરિકો વોટ્સએપ પર કરી શકશે ફરિયાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કંન્ટ્રોલ રૂમ શરૂ કર્યો હતો.
અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાનું આજે કચ્છના દરિયાકિનારે ટકરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને કંન્ટ્રોલ રૂમ શરૂ કર્યો હતો. એએમસીએ કંન્ટ્રોલ રૂમનો નંબર જાહેર કર્યો છે. દરેક ઝોનલ ઓફીસ પર કંન્ટ્રોલ રૂમ શરૂ કરાયો છે. વાવાઝોડાને લઇને એએમસી સતત નજર રાખી રહ્યું છે. અમદાવાદ શહેરમાં કોઈ પણ ફરિયાદ કરવી હોય તો ટોલ ફ્રી નંબર 15503 નંબર જાહેર કર્યો છે. એએમસીએ હેલ્પ લાઇન નંબર 9878355303 શરૂ કર્યો છે. આ નંબર પર ફરિયાદ કરી શકાશે. વધુ પડતો વરસાદ પડે તો પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરી છે. કંટ્રોલ રૂમમાં સતત મોનિટરીંગ થઈ રહ્યું છે. અન્ય લોકોની તરત ફરિયાદ સાથે નિકાલ કરાશે
પાલડીમાં મોનસુન મુખ્ય કંન્ટ્રોલ રૂમ અને ઝોનલ કંન્ટ્રોલ રૂમ અને કમાન્ડ એન્ડ કંન્ટ્રોલ રૂમ શરુ કરાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આગામી ૧૫ જૂનથી ગુરૂવારના રોજ બપોરે ૨ વાગ્યાથી ૧૬ જૂન શુક્રવારના રોજ સુધી કિડ્સ સિટી, પ્રાણીસંગ્રહાલય, બાલવાટીકા, નગીનાવાડી, બટરફલાય પાર્ક તેમજ અન્ય તમામ રિક્રીએશન એક્ટિવીટીઝ સહિત કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં મોર્નિંગ વોકર્સ તેમજ મુલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બિપરજોય વાવાઝોડા તેમજ ચોમાસા દરમ્યાન વરસાદને કારણે ઉદ્દભવતી સમસ્યાઓનો ત્વરિત નિરાકરણ થઇ શકે તે માટે નાગરિકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મોનસુન કંટ્રોલરૂમના મોબાઈલ નંબર ૯૯૭૮૩૫૫૩૦૩ પર સંપર્ક કરી વોટ્સએપ દ્વારા પણ ફરિયાદો નોંધાવી શકે તે મુજબની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં જુદા જુદા ઝોનમાં કુલ ૨૪ કંટ્રોલ રૂમ, વરસાદ માપવા માટે કુલ ૨૬ ઓટોમેટીક રેઈન ગેજ મુકી, તમામ અન્ડરપાસને વાયરલેસ સીસ્ટમ્સ અને ઈન્ટરનેટના માધ્યમથી કનેક્ટર કરી સુસજ્જ રાખવામાં આવેલ છે.
ભારે વરસાદને કારણે શહેરમાં આવેલ જુદા જુદા અંડરપાસોમાં વરસાદી પાણી ભરાઈ જાય તો તેના નિકાલ માટે હેવી કેપીસીટીના હેવી ડિવોટરીંગ પમ્પો મુકવામાં આવેલ છે તેમજ તેને ઓપરેટ કરવા માટે નિષ્ણાંત અને અનુભવી સ્ટાફ વોકી ટોકી સાથે સુસજ્જ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત, તમામ અંડરપાસમાં ઈન્સ્ટોલ કરવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરાઓને સંસ્કાર કેન્દ્ર, પાલડી ખાતેના મોનસુન મુખ્ય કંટ્રોલ રૂમના નેટવર્ક સીસ્ટમ સાથે કનેક્ટ કરીને તેનું સતત મોનીટરીંગ કરી સમયાંતરે તેની વિગતો મેળવવામાં આવે છે.
ભારેથી અતિભારે વરસાદ દરમ્યાન નિચાણવાળા વિસ્તારોમાં નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતર અને બચાવની કામગીરી માટે અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ ૧૫ રેસ્કયુ ટીમ, ૫ બોટીંગ ટીમ, ૫ રેસ્ક્યુ બોટ, રેસ્ક્યુ / બચાવની કામગીરીના સાધનો સાથે સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલ છે. વાવાઝોડા-વરસાદને કારણે ઈલેકટ્રીક શોર્ટ સર્કિટને સંબંધિત ફરિયાદોનું સરળતાથી નિરાકણ થઈ રહે તે માટે મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે ટોરેન્ટ પાવરના સિનિયર કક્ષાના અનુભવી સ્ટાફને પણ હાજર રાખવામાં આવે છે.