Vijay Diwas 2021: પાકિસ્તાન સામે 1971ની ઐતિહાસિક જીતનાં 50 વર્ષ, ભારતે 13 દિવસમાં પાકિસ્તાનને મસળીને બાંગ્લાદેશનું સર્જન કરાવ્યું હતું....
Vijay Diwas 2021: 3 ડીસેમ્બર, 1971ના રોજ પાકિસ્તાને આક્રમણ કરતાં આ યુધ્ધનો પ્રારંભ થયો હતો.
અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં લડાયેલા યુધ્ધમાં ભારતે ભવ્ય વિજય મેળવ્યો એ ઐતિહાસિક ઘટનાને 16 ડિસેમ્બર, 2021 ને ગુરૂવારે 50 વર્ષ પૂરાં થશે. ભારત માટે આ ઐતિહાસિક જીત હતી અને પાકિસ્તાન માટે તેના અસ્તિત્વ પછીની સૌથી શરમજનક હાર હતી કેમ કે આ યુધ્ધ દ્વારા ભારતે પાકિસ્તાનના બે ટુકડા કરી નાંખ્યા હતા. પાકિસ્તાનના પૂર્વ પાકિસ્તાનને અલગ કરીને નવા બાંગ્લાદેશ રાષ્ટ્રનું સર્જન ભારતે કરાવ્યું હતું.
ભારત અને પાકિસ્તાન વચ્ચેનું 1971નું યુધ્ધ માત્ર 13 દિવસ ચાલ્યું હતું,. 3 ડીસેમ્બર, 1971ના રોજ પાકિસ્તાને આક્રમણ કરતાં આ યુધ્ધનો પ્રારંભ થયો હતો. 3 ડિસેમ્બર 1971ના રોજ સાંજે 05:40 વાગ્યે પાકિસ્તાની વાયુસેનાનાં સૅબર જેટ્સ અને સ્ટાર ફાઇટર્સ વિમાનો ભારતીય આકાશ પર ત્રાટક્યાં ને યુધ્ધનો સત્તાવાર પ્રારંભ થયો. પાકિસ્તાની એરફોર્સે પઠાણકોટ, શ્રીનગર, અમૃતસર, જોધપુર અને આગ્રા સહિત દેશમાં 11 લશ્કરી હવાઈ મથકો પર બૉમ્બમારો કરવા માંડ્યો હતો.
પાકિસ્તાને પહેલાંથી બનાવેલી યોજના પ્રમાણે હુમલો કરીને શરૂઆત પૂર્વ તથા ઉત્તરના મોરચે હુમલાથી કરી. ભારતે તેનો જવાબ આપવા માંડ્યો ને ભારતની પૂર્વ સરહદે યુધ્ધ ફાટી નિકળ્યું હતું. પાકિસ્તાને અગાઉથી બનાવેલા કાવતરા પ્રમાણે ભારતને ભિડવવા પાકિસ્તાને પશ્ચિમ સરહદ પર પણ હુમલો કરી દીધો. પાકિસ્તાની લશ્કરે ગુજરાત સરહદને નિશાન બનાવીને હુમલા શરૂ કર્યા અને પાકિસ્તાનના સૅબર જેટ્સે કચ્છમાં નેપામ બૉમ્બ પર બોમ્બ ઝીંકવા માંડ્યા.
જો કે ભારતીય લશ્કર કોઈ પણ પરિસ્થિતીને પહોંચી વળવા સજ્જ હતું. ભારત પાસે યુધ્ધમાં ઝંપલાવવા સિવાય કોઈ વિકલ્પ જ ના બચ્યો તેથી ભારતીય લશ્કરે વળતો હુમલો કરીને પાકિસ્તાની સેનાને બધા મોરચે પછાડી દીધું હતું. ભારતે 16 ડીસેમ્બર, 1971ના રોજ ઢાકા પર કબજો કરીને પાકિસ્તાની લશ્કરના 93 હજાર સૈનિકોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પાડી હતી. પાકિસ્તાનના લશ્કરની શરણાગતિ સાથે જ ઐતિહાસિક યુધ્ધ સમાપ્ત થઈ ગયું હતું. આ યુધ્ધની સમાપ્તિ સાથે ભારત માટે એક સુવર્ણ પ્રકરણ આલેખાયું હતું. પાકિસ્તાનના માથે ભારત સામે કારમી હારની કદી ના ભૂલાય એવી કાળી ટીલી કાયમ માટે લાગી ગઈ હતી.