Adani Group: અદાણી ગ્રુપને વધુ એક આંચકો! હવે ફ્રાન્સ તરફથી કંપનીને લાગ્યો છે મોટો ઝાટકો, આ બિઝનેસ ભાગીદારી અટકી ગઈ
કંપનીએ કહ્યું કે, અદાણી ગ્રુપ સાથેની આ ભાગીદારીની જાહેરાત ગયા વર્ષે જૂન 2022માં કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ કરાર કરવામાં આવ્યો નથી.
Adani-TotalEnergies: અદાણી ગ્રુપને (Adani Group) હવે વધુ એક આંચકો લાગ્યો છે. ફ્રાન્સની ટોટલ એનર્જીએ અદાણી ગ્રૂપના હાઈડ્રોજન પ્રોજેક્ટમાં જોડાવાનો નિર્ણય હાલ પૂરતો અટકાવી દીધો છે. જૂન 2022માં ટોટલએનર્જીએ અદાણી ગ્રુપના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં ભાગીદારીની જાહેરાત કરી હતી.
ટોટલ એનર્જીના ચીફ એક્ઝિક્યુટિવ પેટ્રિક પોયનેએ કંપનીના અર્નિંગ કોલ દરમિયાન આ નિર્ણય વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અદાણી ગ્રુપ સાથેની આ ભાગીદારીની જાહેરાત ગયા વર્ષે જૂન 2022માં કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ કરાર કરવામાં આવ્યો નથી. હજી જમીન પર કંઈ નથી. ગયા વર્ષે જૂનમાં કરાયેલી જાહેરાત મુજબ, ટોટલએનર્જીઝ અદાણી જૂથની કંપની અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં 25 ટકા હિસ્સો લેવાની હતી. અદાણી જૂથ આગામી 10 વર્ષમાં હાઇડ્રોજન ઇકોસિસ્ટમમાં $50 બિલિયનનું રોકાણ કરવાનું હતું. કંપનીએ 2030 સુધીમાં 10 લાખ ટન ઉત્પાદન ક્ષમતાનું લક્ષ્ય પણ નક્કી કર્યું હતું.
ટોટલ એનર્જીએ અદાણી ગ્રુપમાં $3.1 બિલિયનનું રોકાણ કર્યું છે. ટોટલ એનર્જી હિન્ડેનબર્ગ રિસર્ચના એકાઉન્ટિંગ અને નાણાકીય છેતરપિંડીના આરોપો પરના ઓડિટના પરિણામોની રાહ જોશે, ત્યારબાદ કંપની રોકાણ ચાલુ રાખવાનું વિચારશે. જોકે, અદાણી જૂથે હિંડનબર્ગના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે.
બીજી તરફ અદાણી ગ્રૂપના બાકીના શેરમાં તેજી જોવા મળી રહી છે, પરંતુ અદાણી ટોટલ ગેસનો શેર 5 ટકાના ઘટાડા સાથે નીચલી સર્કિટ પર બંધ થયો છે. બુધવારના ટ્રેડિંગ સેશનમાં શેર રૂ. 1,391ની એક વર્ષની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. 23 જાન્યુઆરી, 2023 ના રોજ, સ્ટોક 4000 રૂપિયાના સ્તરે હતો. હિંડનબર્ગનો રિપોર્ટ 24 જાન્યુઆરીએ બહાર આવ્યો ત્યારથી અદાણી ટોટલ ગેસના શેરમાં 65 ટકાનો ઘટાડો થયો છે.
ગૌતમ અદાણીની સંપત્તિ ફરી વધી
નોંધનીય છે કે, દેશના પીઢ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણી ફરી એકવાર વિશ્વના ટોપ-20 અમીરોની યાદીમાં સામેલ થયા છે. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટ અનુસાર, ગૌતમ અદાણી હવે આ યાદીમાં 17માં સ્થાને પહોંચી ગયા છે. મંગળવારે અદાણી ગ્રૂપમાં મંગળવારે વધારો નોંધાયો હતો અને ત્યારબાદ ગૌતમ અદાણીની કુલ નેટવર્થમાં પણ વધારો નોંધાયો છે.
જો ગૌતમ અદાણીની કુલ નેટવર્થની વાત કરવામાં આવે તો તે $62.4 બિલિયન સુધી પહોંચી ગઈ છે અને હવે તે ફોર્બ્સની અબજોપતિઓની યાદીમાં 17મા સ્થાને પહોંચી ગયા છે. 7 ફેબ્રુઆરીના રોજ, અદાણી ગ્રુપના શેરમાં વધારો થયા બાદ, અદાણીની સંપત્તિમાં કુલ $463 મિલિયનનો વધારો નોંધાયો હતો. આ પછી, તે ફરી એકવાર ટોપ-20 અમીરોની યાદીમાં સામેલ થઈ ગયો છે.