(Source: ECI/ABP News/ABP Majha)
Paytm Update: પેટીએમના શેરમાં મોટા ઘટાડા બાદ ફાઉન્ડર વિજય શેખર શર્માને લાગ્યો મોટો ફટકો, અબજપતિનો છીનવાયો ટેગ
Paytmના શેરમાં ઘટાડાને કારણે વિજય શેખર શર્માની સંપત્તિમાં રૂ. 10,000 કરોડનો ઘટાડો થયો છે. 18 નવેમ્બરે પેટીએમના સ્ટોક એક્સચેન્જમાં તેનું લિસ્ટિંગ થયું ત્યારથી દરરોજ 86 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
Paytm Share Update: Paytmના શેરમાં ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે, પરંતુ કંપનીના સ્થાપક વિજય શેખર શર્માએ શેરમાં આવેલી સુનામી હેઠળ અબજોપતિ હોવાનો ટેગ ગુમાવ્યો છે. ફોર્બ્સના ડેટા પરથી આ વાત બહાર આવી છે.
Paytmના સ્થાપકની સંપત્તિમાં ઘટાડો થયો છે
ફોર્બ્સ અનુસાર, વિજય શેખર શર્માની સંપત્તિ $999 મિલિયન એટલે કે 7600 કરોડ રૂપિયા રહી છે, જે Paytmના IPO પહેલા $2.35 બિલિયન એટલે કે 17,800 કરોડ રૂપિયા હતી. Paytmના શેરમાં ઘટાડાને કારણે વિજય શેખર શર્માની સંપત્તિમાં રૂ. 10,000 કરોડનો ઘટાડો થયો છે. 18 નવેમ્બરે પેટીએમના સ્ટોક એક્સચેન્જમાં તેનું લિસ્ટિંગ થયું ત્યારથી દરરોજ 86 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
Paytm એ કર્યા નિરાશ
સ્ટોક એક્સચેન્જના લિસ્ટિંગના દિવસથી પેટીએમના સ્ટોકમાં ઘટાડો થવાનો શરૂ થયો છે અને સ્ટોક 70 ટકાથી વધુ ઘટી ગયો છે. IPOની કિંમત રૂ. 2150થી શેર રૂ. 584ના સ્તરે ગબડી ગયો હતો. Paytm જ્યારે IPO સાથે બહાર આવ્યું ત્યારે તેનું માર્કેટ કેપિટેશન રૂ. 1,39,000 કરોડ હતું, જે હવે ઘટીને રૂ. 40000 કરોડની નજીક આવી ગયું છે. એટલે કે IPO લોન્ચ થયા બાદ માર્કેટ કેપિટેશનમાં એક લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. Paytm IPO ઇતિહાસમાં 18,800 કરોડ રૂપિયાનો સૌથી મોટો IPO લાવ્યો હતો.
RBIની કાર્યવાહી બાદ Paytm ના શેરમાં ધબડકો
આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંકને નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યા પછી પેટીએમના શેરમાં ધબડકો થયો છે. RBI એ આદેશ આપ્યો છે કે Paytm Payments Bank Limited હવે IT ઑડિટર્સના રિપોર્ટની સમીક્ષા કર્યા પછી અને RBI પાસેથી પરવાનગી મેળવ્યા પછી જ નવા ગ્રાહકો ઉમેરી શકશે. તે જ સમયે, Paytm પેમેન્ટ્સ બેંકે એવા અહેવાલોને નકારી કાઢ્યા છે કે RBI દ્વારા નવા ગ્રાહકો ઉમેરવા પર લાદવામાં આવેલ પ્રતિબંધ ચીનની કંપનીઓના ડેટા લીક થવાને કારણે લાદવામાં આવ્યો છે.