કોરોના બાદ વધુ એક ચિંતાના સમાચાર, અમદાવાદમાં બે બાળકોના આ ગંભીર બિમારીથી મોત
એક વર્ષથી માંડીને 18 વર્ષના બાળકને આ રોગ થઇ શકે છે. જે બાળકની ઇમ્યુનિટી વધુ હોય તેને આ રોગ અસર કરતો નથી.
કોરોના બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી વધુ એક ચિંતાના સમાચાર સામે આવ્યા છે. MIS Cના કારણે સિવિલમાં બે બાળકોના મોત થયા છે. જેમાં એક બાળકને લોહીનું દબાણ ઓછું થઈ જવાના કારણે તો એક બાળકને હૃદય અને મગજ ફેલ થતા મોત થયું છે. સિવિલ હોસ્પિટલ જ્યાં પોસ્ટ કોવિડ બાદ MIS-C રોગના 10 બાળકો દાખલ હતા. જેમાં છેલ્લા 24 કલાકમાં 10 પૈકી બે બાળકોના મોત નિપજ્યા હોવાની માહિતી સામે આવી છે.
MIS-Cની બીમારી સાથે આવેલા 10 બાળકો પૈકી સાત બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. હાલ પણ તબીબોના મત મુજબ એક બાળક ગંભીર હાલતમાં છે. જેની સારવાર કરવામાં આવી રહી છે. દસ બાળકો બાદ છેલ્લા ચાર દિવસમાં એક પણ નવો કેસ MIS-Cનો નોંધાયો નથી. જેની સામેં તબીબોએ રાહત અનુભવી છે. પણ બે બાળકોના છેલ્લા ચોવીસ કલાકમાં મોત અંગે રાજ્ય સરકારને જાણ કરવામાં આવી છે. તબીબોના જણાવ્યા મુજબ આ બંને બાળકો પૈકી એક બાળક મે મહિનાની 16 તારીખે તો એક બાળક મે મહિનાની 19 તારીખના રોજ દાખલ થયા હતા.
એક વર્ષથી માંડીને 18 વર્ષના બાળકને આ રોગ થઇ શકે છે. જે બાળકની ઇમ્યુનિટી વધુ હોય તેને આ રોગ અસર કરતો નથી. ખાસ કરીને મેદસ્વિતા સહિત કો- મોર્બિટ બાળકોને વધુ જોખમ રહેલુ છે. કોરોના મટયા બાદ બાળકો તાવ આવે,શરીર પર લાલ ચકામાં પડે , નબળાઇ આવે, ઝાડા-ઉલ્ટી થાય.પેટમાં દુખાવો થાય,શ્વાસ લેવામાં મુશ્કેલી થાય.આ બધાય MIS-C રોગના લક્ષણો છે. કોરોના બાદ જો બાળકને આવા લક્ષણો જોવા મળે તો માતાપિતાએ તુરત જ બાળરોગ નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ.
કોરોનામાં રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જવાના કારણે બાળકો ઉપર આ રોગનો ખતરો મંડરાય છે. ઘરમાં નાના બાળકો જો બીજી લહેરમાં સંક્રમિત થયા હોય તો તેમના માતા પિતાએ આ રોગના લક્ષણ જણાતા તુરંત ચેતી જવાની સલાહ તબીબો આપી રહ્યા છે.
મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેન્ટ્રી સિડ્રોમ ( MIS-C ) કોરોના ન થયો હોય તેવા બાળકને પણ થઇ શકે છે.વાલીઓએ સચેત થવાની જરૂર છેકે, શાળાએ જતાં બાળકોને માસ્ક જરૂર પહેરાવે અને કાળજી રાખે.
મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેન્ટ્રી સિડ્રોમ (MIS-C)ના લક્ષણો
તાવ આવે
શરીર પર લાલ ચકામાં પડે
નબળાઇ આવે
ઝાડા-ઉલ્ટી થાય
પેટમાં દુખાવો થાય
શ્વાસ લેવામાં મુશ્કેલી થાય