Gujarat Rain: ગુજરાતમાં કુદરતની વિનાશલીલા, 18 જિલ્લામાં મેઘતાંડવ, અત્યાર સુધી 32નાં મોત
Gujarat Rain: NDRF, SDRF અને સેનાની ત્રણ ટુકડીઓએ મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
Gujarat Rain: ગુજરાતમાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી ભારે વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. હાલમાં ગુજરાતના 18 જિલ્લામાં લોકો પૂરનો સામનો કરી રહ્યા છે. વરસાદ અને પૂરના કારણે મૃત્યુઆંક 32 પર પહોંચી ગયો છે. રાજ્યના 33માંથી 11 જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 22 જિલ્લામાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તબાહીની સ્થિતિ એવી છે કે ગુજરાતમાં સેના તૈનાત કરવી પડી છે. રાજ્યના 939 સ્ટેટ હાઇવે, નેશનલ હાઇવે અને અન્ય રસ્તાઓ બંધ છે. દરેક શહેરમાં પૂરના કારણે તબાહીનું ભયાનક દ્રશ્ય જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદનું હાઈ એલર્ટ જાહેર કર્યું છે. કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, જૂનાગઢ, રાજકોટ, ખેડા, પોરબંદર, બોટાદ, ભાવનગર, વડોદરા સહિત ગુજરાતના 18 જિલ્લાઓ ભયંકર પૂરનો સામનો કરી રહ્યા છે.
On 27 Aug 24, IAF commenced relief ops for flooded cities of Gujarat. Determined to save precious lives, IAF deployed various ac towards Humanitarian Aid and Disaster Relief, with transport aircraft positioning the relief material to the nearest airfields, and helicopters that… pic.twitter.com/76S4iScRSq
— ANI (@ANI) August 29, 2024
એક તરફ વરસાદને કારણે હાહાકાર મચી ગયો છે તો બીજી તરફ વડોદરામાં મગરો ઘરોના દરવાજા સુધી પહોંચી ગયા છે. વન વિભાગની ટીમે સમયસર ઘરમાં ઘૂસી ગયેલા મગરને પકડી લીધો હતો. ગુજરાતની સ્થિતિ ખરાબથી વણસી રહી છે. રાજ્યમાં મોટાભાગની નદીઓ ખતરાની સપાટીથી ઉપર વહી રહી છે. ગામડાઓ પૂરમાં ડૂબી ગયા છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્ર નદીમાં આવેલા પૂરને કારણે નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકો ઘરોના ધાબા પર આવી ગયા છે. NDRF, SDRF અને સેનાની ત્રણ ટુકડીઓએ આ વિસ્તારમાં મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
જામનગરમાં પૂરના કારણે લોકો નજરકેદ છે. પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોને બચાવવા માટે જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા ટીમ સાથે પહોંચ્યા હતા.. જામનગરનું સરકારી બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. રાજકોટની પણ આવી જ હાલત છે.
લોકો પોતાનો જીવ બચાવવા ધાબા પર ચઢી ગયા હતા
બીજી તરફ વડોદરાના કેટલાક વિસ્તારોમાં 10 થી 12 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. પોતાનો જીવ બચાવવા માટે લોકોને તેમના ઘરની છત પર રેસ્ક્યુ ટીમની રાહ જોવાની ફરજ પડી છે. પોરબંદર અને કલ્યાણપુરમાં હેલિકોપ્ટર દ્વારા લોકોને બચાવાયા હતા. પૂરના સંકટ વચ્ચે ગુજરાત સરકારે ભારતીય સેના અને વાયુસેનાની મદદ માંગી હતી, જેના પછી ઘણી ટુકડીઓ બચાવ કામગીરીમાં લાગેલી છે.
41 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
ગુજરાતના વિવિધ ભાગોમાંથી અત્યાર સુધીમાં કુલ 41,678 લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, છેલ્લા 48 કલાકમાં ભારતીય કોસ્ટ ગાર્ડ, નેવી, ઈન્ડિયન આર્મી, એરફોર્સ અને NDRF, ADRFની ટીમોએ 500 થી વધુ લોકોને બચાવ્યા છે. NDRFની 15 ટીમો, SDRFની 27 ટીમો અને સેનાની 7 ટીમો ગુજરાતમાં તૈનાત છે.
કેટલીક જગ્યાએ બ્રિજનો ભાગ ધરાશાયી થયો છે, તો કેટલીક જગ્યાએ રસ્તાઓ ધરાશાયી થયા છે. અત્યાર સુધીમાં 5 નેશનલ હાઈવે, 2 NHAI, 66 સ્ટેટ હાઈવે, 92 અન્ય રસ્તાઓ, 774 પંચાયતી રસ્તાઓ સહિત કુલ 939 રસ્તાઓ બંધ છે. રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. લોકો તેમના ઘરોમાં કેદ છે. વીજળી નથી. સ્વચ્છ પાણી નથી. હવે સેનાના જવાનો દેવદૂત બનીને આવ્યા છે, સેનાના જવાનો દોરડા અને ડોલની મદદથી દરેક ઘરે પાણી અને ખોરાક પહોંચાડી રહ્યા છે.