New Mayor: વડોદરા અને અમદાવાદના નવા મેયરના નામની જાહેરાત, જાણો નવા હોદ્દેદારોના નામ?
વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શિતલ મિસ્ત્રી બન્યા હતા
વડોદરા શહેરના નવા મેયર પિંકીબેન સોની બન્યા હતા. વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શિતલ મિસ્ત્રી બન્યા હતા. જ્યારે શહેરના નવા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ બન્યા હતા. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા વડોદરા મહાનગરપાલિકામાં આજે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. પિંકીબેન સોની વડોદરાના 61મા અને ચોથા મહિલા મેયર બન્યા છે.
તેઓએ 2016-17 માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 2018 માં મહિલા મોરચાના મહામંત્રી બન્યા હતા. બાદમાં સંગઠન પર્વના ડેપ્યુટી ઇન્ચાર્જ બન્યા હતા. 2020-21 માં વોર્ડ 4 માં નગરસેવક માટે ટિકિટ મળી હતી. 2023માં તેઓની મેયર માટે પસંદગી કરવામાં આવી હતી. તેમણે એમ.એસ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો છે.
આ અગાઉના ભારતીબેન વ્યાસ, ડો. જ્યોતીબેન પંડ્યા અને ડો. જીગીષાબેન શેઢ વડોદરાના મેયર રહી ચૂક્યા છે આજે અમદાવાદ શહેરમાં પણ નવા મેયરની વરણી કરવામાં આવી હતી.
વડોદરામાં મનોજ પટેલ શાસક પક્ષના નેતા બન્યા હતા. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા વડોદરા મહાનગરપાલિકામાં આજે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આજે અમદાવાદ શહેરમાં પણ નવા મેયરની વરણી કરવામાં આવી હતી.
પ્રતિભા જૈન અમદાવાદ શહેરના નવા મેયર બન્યા હતા. અમદાવાદ શહેરના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી બન્યા હતા. તે સિવાય અમદાવાદ શહેરના નવા ડેપ્યુટી મેયર જતીન પટેલ બન્યા હતા. ગૌરાંગ પ્રજાપતિ અમદાવાદમાં શાસક પક્ષના નેતા બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિતની ટર્મ પૂર્ણ થઈ છે. તેમની જગ્યાએ નો રિપીટ થિયરી અંતર્ગત હવે આ ત્રણ નવા નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના નવા મેયર પ્રતિભા જૈન શાહિબાગ વિસ્તારના કોર્પોરેટર તરીકે છેલ્લા ત્રણ ટર્મથી ચૂંટાઈ આવે છે. તેઓ વર્ષોથી ભાજપમાં સેવા આપી રહ્યા છે. અમદાવાદ અને વડોદરાની નવી ટીમ સામે રખડતા ઢોરની સમસ્યા સૌથી મોટો પડકાર રહેશે.
પ્રતિભા જૈન શાહીબાગ વોર્ડના ત્રીજી ટર્મના કાઉન્સિલર છે. તેઓ મહિલા અને બાળ વિકાસના ચેરમેન રહી ચૂક્યા છે. આ સિવાય ડેપ્યુટી મેયર તરીકે ઘાટલોડિયા વોર્ડના કાઉન્સિલર જતીન પટેલની જાહેરાત કરવામાં આવી. જતીન પટેલ અગાઉ રોડ કમિટી,વોટર કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે.પાટીદાર સમાજમાંથી આવતા જતીન પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિકટના છે. ભાજપે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે દેવાંગ દાણી ઉપર પસંદગી ઉતારી છે. બોડકદેવ વોર્ડના કાઉન્સિલર દેવાંગ દાણી અગાઉ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિકટના માનવામાં આવે છે. દેવાંગ દાણી વૈષ્ણવ સમુદાયમાંથી આવે છે અને ત્રણ ટર્મના કાઉન્સિલર છે. પક્ષના નેતા તરીકે ગૌરાંગ પ્રજાપતિ ઉપર પસંદગી ઉતારવામાં આવી છે. ગૌરાંગ પ્રજાપતિ ભાઈપુરા વોર્ડના કાઉન્સિલર અને રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચાલની નજીકના છે.