Punjab Election Result: રાજભવનમાં નહીં પણ આ જગ્યાએ મુખ્યમંત્રી પદના શપથ લેશે ભગવંત માન, જાણો વિગતે
ભગવંત માન આજે દિલ્લી જશે અને આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલને શપથ સમારોહ કાર્યક્રમનું આમંત્રણ આપશે. આજે બપોરે 12.30 વાગ્યે અરવિંદ કેજરીવાલ પંજાબની જીત પર પ્રેસ કોન્ફરન્સ પણ કરશે.
Punjab Election Result: પંજાબમાં આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીત થઈ છે. પંજાબ વિધાનસભામાં 117 સીટોમાંથી 92 સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીત્યા છે. આ ભવ્ય જીત બાદ આપના કાર્યકરોમાં જશ્નનો માહોલ છે. ભગવંત માન પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને આ શપથ કાર્યક્રમને યાદગાર બનાવવા માટે આપના કાર્યકરો આયોજનમાં લાગી ગયા છે. ભગવંત માન આજે દિલ્લી જશે અને આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલને શપથ સમારોહ કાર્યક્રમનું આમંત્રણ આપશે.
ભગવંત માન શહીદ ભગત સિંહના ગામમાં શપથ લેશેઃ
પંજાબમાં આમ આદમી પાર્ટીએ પોતાની ઐતિહાસિક જીતથી તમામ વિરોધીઓને ચોંકાવી દીધા. પંજાબના દિગ્ગજ નેતાઓ પણ આ ચૂંટણી હારી ગયા છે. જંગી જીત બાદ હવે આમ આદમી પાર્ટી પહેલીવાર પૂર્ણ રાજ્યમાં સરકાર બનાવવાની કવાયતમાં લાગી છે. શપથ ગ્રહણ સમારોહ પણ ટૂંક સમયમાં યોજાનાર હોવાના અહેવાલ હાલ મળી રહ્યા છે. ચૂંટણી હારી ગયેલા સીએમ ચરણજીત સિંહ ચન્ની આજે રાજીનામું આપવા ચંદીગઢના રાજભવન જશે, ત્યારબાદ આમ આદમી પાર્ટીના સીએમ પદના ઉમેદવાર ભગવંત માન કેજરીવાલને મળવા દિલ્હી પહોંચશે અને તેમને શપથ ગ્રહણમાં હાજરી આપવા આમંત્રણ આપશે. જીત બાદ ભગવંત માને કહ્યું હતું કે, તેઓ શહીદ-એ-આઝમ ભગત સિંહના ગામ ખટકર કલાનમાં શપથ લેશે. મળતી માહિતી મુજબ, અરવિંદ કેજરીવાલ આજે પંજાબના પોતાના નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે પણ બેઠક કરી શકે છે.
પંજાબમાં આમ આદમી પાર્ટીની ઐતિહાસિક જીતઃ
આજે બપોરે 12.30 વાગ્યે અરવિંદ કેજરીવાલ પંજાબની જીત પર પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ 117માંથી 92 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મેળવી છે. પંજાબના સમગ્ર ઈતિહાસમાં આ કોઈ એક પક્ષની સૌથી મોટી જીત માનવામાં આવે છે. અગાઉ 1992માં કોંગ્રેસે 87 બેઠકો જીતી હતી, પરંતુ 2022માં AAPની આ જીત માત્ર સંખ્યાની દૃષ્ટિએ મોટી નથી, પરંતુ અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીની સુનામીમાં મોટા રાજકીય દિગ્ગજો તૂટી પડ્યા છે. વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બંને બેઠકો પરથી ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિદ્ધુ પણ પોતાની સીટ બચાવી શક્યા નથી. આ સાથે 2 પૂર્વ મુખ્યમંત્રીઓ અમરિંદર સિંહ અને પ્રકાશસિંહ બાદલને પણ હારનો સામનો કરવો પડ્યો છે.