(Source: ECI/ABP News/ABP Majha)
સરકારની આ યોજના કરશે ભવિષ્યની ચિંતા દૂર, આ રીતે કરી શકશો અરજી
કેન્દ્ર સરકાર દેશના નાગરિકો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. વિવિધ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકાર વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે.
Atal Pension Yojana: કેન્દ્ર સરકાર દેશના નાગરિકો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. વિવિધ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકાર વિવિધ પ્રકારની યોજનાઓ લાવે છે. સામાન્ય રીતે જ્યારે લોકો કામ કરતા હોય છે, ત્યારે તેઓ આવી ઘણી યોજનાઓમાં રોકાણ કરે છે જે તેમને વૃદ્ધાવસ્થામાં સારો નફો આપી શકે છે. જેથી તેમના પેન્શનની વ્યવસ્થા કરી શકાય.
આ માટે ઘણી ખાનગી અને ઘણી સરકારી યોજનાઓ પણ ચલાવવામાં આવે છે. જો તમે પણ ભવિષ્ય વિશે ચિંતિત છો. તો સરકાર દ્વારા વર્ષ 2015માં શરૂ કરવામાં આવેલી અટલ પેન્શન યોજના તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તમે અટલ પેન્શન યોજના માટે કેવી રીતે અરજી કરી શકો છો અને તેના માટે યોગ્યતાના માપદંડ શું છે.
અટલ પેન્શન યોજના શું છે?
અટલ પેન્શન યોજનાનો ઉદ્દેશ્ય લોકોને 60 વર્ષની ઉંમર પછી જીવન જીવવા માટે આવકનો સ્થિર સ્ત્રોત પૂરો પાડવાનો છે. સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી અટલ પેન્શન યોજનામાં લોકોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને નિશ્ચિત પેન્શન આપવામાં આવે છે. આ યોજના એવા લોકો માટે ફાયદાકારક છે જેમનો પગાર વધારે નથી. જો કે, આ યોજનાનો લાભ ફક્ત તે જ લોકો લઈ શકશે. જે આવકવેરાના દાયરામાં આવતા નથી. આ સ્કીમ માટે જેટલી નાની ઉંમરે અરજી કરવામાં આવશે, પ્રીમિયમની રકમ એટલી ઓછી હશે.
યોજના માટે પાત્રતાના માપદંડ શું છે?
અટલ પેન્શન યોજના માટે અરજી કરવા માટે અરજદાર ભારતીય નાગરિક હોવો આવશ્યક છે. આ યોજનાનો લાભ ફક્ત 18 થી 40 વર્ષની વચ્ચેના નાગરિકો જ મેળવી શકે છે. આ યોજના હેઠળ દર મહિને 1000 થી 5000 રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવે છે. પેન્શનની રકમ પ્રીમિયમની રકમ અનુસાર નક્કી કરવામાં આવે છે.
યોજના માટે કેવી રીતે અરજી કરવી?
અટલ પેન્શન યોજના માટે અરજી કરવા માટે તમારે તમારી બેન્કની નજીકની શાખામાં જવું પડશે. તે પછી તમારે ત્યાંથી સ્કીમનું ફોર્મ મેળવવાનું રહેશે. આ પછી તમારે મોબાઈલ નંબર, આધાર નંબર અને બેન્ક એકાઉન્ટ નંબર સહિતની માહિતી ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. આ પછી તમને બેન્ક દ્વારા પરમેન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર આપવામાં આવશે. આ યોજનાનું પ્રીમિયમ તમારા ખાતામાંથી ઓટો ડેબિટ થઈ જશે.