(Source: ECI/ABP News/ABP Majha)
Delhi : 45 વર્ષ બાદ યમુનાએ રાજધાનીને ઘેરી, દિલ્હીવાસીઓના શ્વાસ અદ્ધર
દિલ્હીમાં પૂરનુ સંકટ ઉભુ થયું છે. આ મામલે દિલ્હીના સીએમ કેજરીવાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો.
Yamuna River Level : ઉત્તર ભારતના ઘણા રાજ્યો અને ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ વચ્ચે દિલ્હીમાં યમુનાનું જળસ્તર અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. યમુનાનું પાણી 207.55 મીટરે વહી રહ્યું છે, જે અગાઉ 45 વર્ષ પહેલા વર્ષ 1978માં 207.49ના સ્તરે પહોંચ્યું હતું. યમુનાના જળસ્તરમાં આ રેકોર્ડ વધારાને કારણે નદીના કિનારાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સાથે જ દિલ્હીમાં પૂરનુ સંકટ ઉભુ થયું છે. આ મામલે દિલ્હીના સીએમ કેજરીવાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો.
આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યમુનામાં પાણીના વધતા સ્તર પર ચિંતા વ્યક્ત કરતા ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ પહેલા તેમણે કહ્યું હતું કે, દિલ્હી સરકાર ચોમાસાના પ્રકોપને કારણે ઉભી થયેલી દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. જો કે, તેમણે હવે કહ્યું છે કે, કેન્દ્રીય જળ આયોગની આજની રાતની આગાહી રાષ્ટ્રીય રાજધાની માટે સારા સમાચાર નથી.
સેન્ટ્રલ વોટર કમિશનના એક અધિકારીના જણાવ્યા અનુસાર, બપોરે 1 વાગ્યે 207.49 મીટરનો સર્વોચ્ચ રેકોર્ડ તોડ્યા બાદ યમુનાનું જળસ્તર બુધવારે મધ્યરાત્રિ સુધીમાં 207.72 મીટર સુધી પહોંચવાની સંભાવના છે. આ સ્થિતિમાં દિલ્હી પોલીસે સાવચેતીના ભાગરૂપે પૂર પ્રભાવિત વિસ્તારોમાં જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે.
સીએમ કેજરીવાલે કેન્દ્ર પાસે મદદ માંગી
બીજી તરફ, સીએમ કેજરીવાલે કહ્યું હતું કે, છેલ્લા બે દિવસ દરમિયાન દિલ્હીમાં વરસાદ ન થયો હોવા છતાં હરિયાણા દ્વારા હથનીકુંડ બેરેજમાં અસામાન્ય રીતે વધુ પ્રમાણમાં પાણી છોડવાને કારણે યમુનામાં પાણીનું સ્તર વધી રહ્યું છે. મુખ્યમંત્રીએ યમુનામાં જળસ્તર વધુ ન વધે તેની ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપની પણ માંગ કરી હતી.
સીએમ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે, કેન્દ્રીય જળ આયોગે આજે યમુનાનું જળસ્તર 207.72 મીટર સુધી પહોંચવાની આગાહી કરી છે. જે દિલ્હી માટે સારા સમાચાર નથી. દિલ્હીમાં છેલ્લા 2 દિવસથી વરસાદ નથી પડ્યો, પરંતુ હરિયાણા દ્વારા હથિનીકુંડ બેરેજમાં અસામાન્ય રીતે વધારે પાણી છોડવાને કારણે યમુનાનું સ્તર વધી રહ્યું છે.
આ સાથે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને તેમને હસ્તક્ષેપ કરવા અને યમુનાનું સ્તર વધુ ન વધે તેની ખાતરી કરવા વિનંતી કરી.
ઉલ્લેખનીય છે કે, યમુના નદીમાં જળસ્તર વધવાને કારણે ઘરો અને બજારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નદીની નજીક રહેતા ઘણા લોકો હવે તેમના સામાન સાથે નીચેના માળેથી પહેલા માળે શિફ્ટ થઈ ગયા છે અને પાણીના વધતા સ્તરને નિહાળી રહ્યા છે.
સેન્ટ્રલ વોટર કમિશન (CWC)ના ફ્લડ-મોનિટરિંગ પોર્ટલ અનુસાર, જૂના રેલવે બ્રિજ પર પાણીનું સ્તર 2013 પછી પ્રથમ વખત બુધવારે સવારે 4 વાગ્યે 207-મીટરના આંકને વટાવી ગયું હતું અને બપોરે 1 વાગ્યા સુધીમાં વધીને 207.55 મીટર થયું હતું. સીવીસીની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે, નદીનું જળ સ્તર 207.72 સુધી વધવાની અને ત્યારબાદ સ્થિર રહેવાની સંભાવના છે.