Israel Hamas Gaza War: સોફા પર બેસીને મોતની રાહ જોતો સિનવાર, વાયરલ વીડિયોમાં જુઓ હમાસના નેતાની અંતિમ ક્ષણો
Israel Hamas Gaza War: વાયરલ વીડિયોમાં યાહ્યા સિનવારની અંતિમ ક્ષણો બતાવવામાં આવી છે જેમાં તે સોફા પર ઘાયલ બેઠો છે
Israel Hamas Gaza War: છેલ્લા એક વર્ષથી હમાસ વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં ઈઝરાયલને મોટી સફળતા મળી છે. તેણે ગુરુવારે (17 ઓક્ટોબર) હમાસના નેતા યાહ્યા સિનવારની હત્યાની પુષ્ટી કરી હતી. ઇઝરાયલ સૈન્યએ માહિતી આપી હતી કે તેઓએ હમાસ હુમલાના માસ્ટરમાઈન્ડ યાહ્યા સિનવારને મારી નાખ્યો છે. તે સિવાય બે વધુ લોકોના પણ મોત થયા છે. આ દરમિયાન ઈઝરાયલે સોશિયલ મીડિયા પર હુમલા સાથે સંબંધિત એક ડ્રોન વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ વીડિયોમાં યાહ્યા સિનવારની અંતિમ ક્ષણો બતાવવામાં આવી છે જેમાં તે સોફા પર ઘાયલ બેઠો છે અને ડ્રોન તરફ જોઈ રહ્યો છે. આ સિવાય તે લાકડીની મદદથી ડ્રોનને નીચે લાવવાનો પ્રયાસ કરતો પણ જોવા મળે છે.
ઇઝરાયલી સૈન્ય દળોના પ્રવક્તાએ જણાવ્યું કે બુધવારે (16 ઓક્ટોબર) ગાઝામાં ઓપરેશન દરમિયાન 450મી બટાલિયનના એક સૈનિકે એક શંકાસ્પદ વ્યક્તિને એક બિલ્ડિંગમાં પ્રવેશતા જોયો હતો. આ પછી કમાન્ડરે ફાયરિંગ કરવાનો આદેશ આપ્યો હતો. સેનાના જવાનોએ આદેશ મળતાની સાથે જ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. તેણે સૌથી પહેલા ડ્રોન વડે ઈમારતની તપાસ કરી હતી, જ્યાં તેણે જોયું કે 3 લોકો છૂપાવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારબાદ સૈનિકે ફાયરિંગ શરૂ કર્યું હતું.
આ પછી બાકીના બે લોકો ભાગ્યા અને ત્રીજો વ્યક્તિ બિલ્ડિંગના બીજા માળે ઘૂસી ગયો હતો. જો કે, ત્યાં સુધી સૈનિકો જાણતા ન હતા કે તેઓએ જે વ્યક્તિને ઘેરી લીધો હતો તે અન્ય કોઈ નહીં પણ સિનવાર હતો. આ પછી તરત જ ટેન્ક વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે બિલ્ડિંગ તૂટી ગઇ હતી અને અંદર છૂપાયેલ વ્યક્તિ (સિનવર) પણ ખરાબ રીતે ઘાયલ થઇ ગયો હતો.
ડીએનએ ટેસ્ટથી સિનવારના મોતની થઇ પુષ્ટી
બુધવારના હુમલા બાદ જ્યારે ઈઝરાયલની સેના ગુરુવારે (17 ઓક્ટોબર) ઈમારતની તપાસ કરી ત્યારે તેઓએ યાહ્યા સિનવાર જેવો દેખાતો વ્યક્તિ જોયો હતો. આ વાતની પુષ્ટી કરવા માટે સેનાએ ડીએનએ ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે જે વ્યક્તિનું મૃત્યુ થયું તે ખરેખર સિનવાર છે કે કેમ. જો કે, ડીએનએ ટેસ્ટે પુષ્ટી કરી હતી કે માર્યો ગયેલો વ્યક્તિ સિનવાર હતો જે હમાસનો સૌથી ખૂંખાર વ્યક્તિ હતો જેણે ઇઝરાયલને હરાવ્યો હતો.
Israel Hamas War: ઇઝરાયેલી હુમલામાં હમાસ ચીફ યાહ્યા સિનવારનું મોત, બેન્જામિન નેતન્યાહુએ પુષ્ટિ કરી