Israel-Palestine war: આંતરરાષ્ટ્રીય મુસાફરોની વધી મુશ્કેલીઓ, એર ઇન્ડિયાએ ઇઝરાયલની ફ્લાઇટ્સ આ તારીખ સુધી કરી રદ્દ
Israel-Palestine war: હમાસ દ્વારા શનિવારે સવારે ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદ દુનિયામાં એક નવું યુદ્ધ શરૂ થઈ ગયું છે
Israel-Palestine war: પશ્ચિમ એશિયા ફરી એકવાર યુદ્ધની ઝપેટમાં આવી ગયું છે. હમાસ દ્વારા શનિવારે સવારે ઈઝરાયેલ પર હુમલો કર્યા બાદ દુનિયામાં એક નવું યુદ્ધ શરૂ થઈ ગયું છે, જેની અસર આખી દુનિયા પર જોવા મળી રહી છે. યુદ્ધને ધ્યાનમાં રાખીને એરલાઇન એર ઇન્ડિયાએ 14 ઓક્ટોબર સુધી ઇઝરાયેલની રાજધાની તેલ અવીવની તેની ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.
IMPORTANT ANNOUNCEMENT:
— Air India (@airindia) October 8, 2023
Our flights to and from Tel Aviv will remain suspended till 14th October, 2023, for the safety of our passengers and crew. Air India will extend all possible support to passengers who have confirmed bookings on any flight during this period.
કંપનીના પ્રવક્તાએ આ માહિતી આપી
એર ઈન્ડિયાના પ્રવક્તાએ રવિવારે બપોરે જણાવ્યું હતું કે એરલાઈને 14 ઓક્ટોબર, 2023 સુધી તેલ અવીવથી અને ત્યાંથી તમામ ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. પ્રવક્તાએ કહ્યું કે કંપનીએ આ નિર્ણય તેના ક્રૂ મેમ્બર અને તમામ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લીધો છે. તેમણે કહ્યું કે 14 ઓક્ટોબર સુધી કન્ફર્મ ટિકિટ ધરાવતા તમામ મુસાફરોને કંપની તમામ શક્ય મદદ પૂરી પાડશે.
કંપની સાપ્તાહિક પાંચ ફ્લાઈટ્સ ચલાવે છે
ટાટા ગ્રુપની એરલાઈન એર ઈન્ડિયા તેલ અવીવ અને નવી દિલ્હી વચ્ચે સાપ્તાહિક પાંચ ફ્લાઈટ્સ ચલાવે છે. આ ફ્લાઈટ્સ સોમવાર, મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે છે. કંપનીએ શનિવારે પ્રથમ વખત ફ્લાઇટ્સ રદ કરવાની માહિતી આપી હતી. જો કે, શનિવારે 7મી ઓક્ટોબરની ફ્લાઈટને લઈને માત્ર એક દિવસનું અપડેટ આપવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે હમાસે શનિવારે વહેલી સવારે અચાનક ઈઝરાયેલ પર હુમલો કર્યો, જેનાથી આખી દુનિયા ચોંકી ગઈ. ઇઝરાયેલ પર આ પ્રકારનો હુમલો છેલ્લા પાંચ દાયકામાં પ્રથમ વખત જોવા મળ્યો હતો. હમાસના હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કહ્યું કે આ યુદ્ધની શરૂઆત છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં સેંકડો લોકો માર્યા ગયા છે, જેમાં સામાન્ય લોકોનો પણ સમાવેશ થાય છે.
પીએમ મોદીએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો
ભારતે ઈઝરાયેલ પરના આ હુમલાની નિંદા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલ સાથે રહેવાની વાત કરતા હમાસની કાર્યવાહીને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ સહિત ઘણા પશ્ચિમી દેશો પણ ઈઝરાયેલના પક્ષમાં છે.