PM શાહબાઝ શરીફ અને તેમના દીકરા હમઝાની ધરપકડની માંગ, 14 અબજના money-laundering case કેસમાં FIR દાખલ
FIAએ વધુ તપાસ માટે PM શહબાઝ શરીફ અને તેમના પુત્ર હમઝા શાહબાઝની ધરપકડ કરવા કોર્ટને વિનંતી કરી છે
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને તેમના પુત્ર અને પંજાબના મુખ્યમંત્રી હમઝા શાહબાઝ પર ધરપકડની તલવાર લટકી રહી છે. પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FAI)એ મની લોન્ડરિંગ કેસમાં FIR દાખલ કરી છે. હવે PM શાહબાઝ શરીફ અને તેમના પુત્રની 14 અબજના મની લોન્ડરિંગ કેસમાં ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. FIAએ વધુ તપાસ માટે PM શહબાઝ શરીફ અને તેમના પુત્ર હમઝા શાહબાઝની ધરપકડ કરવા કોર્ટને વિનંતી કરી છે. જો કે કોર્ટે તેમના આગોતરા જામીન 11મી જૂન સુધી લંબાવ્યા હતા.
શાહબાઝ અને તેના પુત્રો તપાસ ટીમને સહકાર આપતા નથી
FIAએ 14 અબજ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં વડાપ્રધાન અને અન્ય શંકાસ્પદો વિરુદ્ધ વચગાળાની તપાસ રિપોર્ટ પણ દાખલ કરી છે. પીએમ શાહબાઝ અને હમઝા કડક સુરક્ષા વચ્ચે સ્પેશિયલ કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "એફઆઈએના વકીલે કોર્ટમાં વચગાળાનો તપાસ અહેવાલ રજૂ કર્યો અને વડાપ્રધાન શાહબાઝ અને હમઝાની ધરપકડની માંગ કરી હતી. વકીલે દલીલ કરી હતી કે કેસમાં વધુ તપાસ માટે તેમની કસ્ટડી જરૂરી છે કારણ કે તેઓ તપાસમાં સહકાર આપી રહ્યા નથી.
પીએમ શાહબાઝના વકીલ અમજદ પરવેઝે FIAની અરજીનો વિરોધ કર્યો હતો અને એજન્સીના દાવાને ખોટો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે પિતા અને પુત્રની ભૂમિકાની તપાસ FIA દ્વારા કરવામાં આવી ચુકી છે જ્યારે તેઓ લાહોરમાં જેલમાં હતા. પરવેઝે કહ્યું કે તેઓ જેલમાં હતા ત્યારે તપાસમાં જોડાયા હતા અને FIA ઓફિસમાં તપાસ ટીમ સમક્ષ પણ હાજર થયા હતા.
આ કેસ નવેમ્બર 2020માં નોંધવામાં આવ્યો હતો
કોર્ટે આ કેસમાં વડાપ્રધાનના બીજા પુત્ર સુલેમાન શાહબાઝ વિરુદ્ધ ધરપકડ વોરંટ ફરીથી જાહેર કર્યું હતું અને સુનાવણી 11 જૂન સુધી મુલવતી રાખી હતી. સુલેમાન 2019થી ફરાર છે અને બ્રિટનમાં રહે છે. FIAએ નવેમ્બર 2020માં શાહબાઝ અને તેના પુત્રો હમઝા અને સુલેમાન વિરુદ્ધ મની લોન્ડરિંગ એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.