Ukrain-Russia War : યુક્રેનના મંત્રીની PM મોદી અને ભારતને ઈમોશનલ અપીલ, કહ્યું કે...
દિમિત્રી કુલેબાએ જણાવ્યું હતું કે, ભારતને સસ્તા ભાવે રશિયા પાસેથી ક્રુડની ખરીદવાની તક એ હકીકત સાથે મળી છે કે, યુક્રેનના નાગરિકો રશિયન આક્રમણથી પીડાઈ રહ્યા છે અને દરરોજ મરી રહ્યા છે.
Russia Ukraine War News: ભારત દ્વારા રશિયા પાસેથી સસ્તા દરે ક્રુડ ઓઈલ ખરીદવું દુનિયાના અનેક દેશોને આંખના કણાની માફક ખુંચી રહ્યું છે. પહેલા અમેરિકા, ત્યાર બાદ યુરોપિયન યુનિયન અને હવે ખુદ યુક્રેને આ મામલે ભારતને સંભળાવ્યું છે. યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રી કુલેબા (Dmytro Kuleba)એ રશિયા પાસેથી ક્રુડ ખરીદવાને લઈને ભારત પર આકરા પ્રહારો કર્યા હતાં. દિમિત્રી કુલેબાએ કહ્યું હતું કે, ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવા સક્ષમ છે કારણ કે, યુક્રેન પીડિત છે. તેમણે રશિયા પાસેથી ભારતની તેલ ખરીદીને નૈતિક રીતે અયોગ્ય ગણાવ્યું છે.
દિમિત્રી કુલેબાએ જણાવ્યું હતું કે, ભારતને સસ્તા ભાવે રશિયા પાસેથી ક્રુડની ખરીદવાની તક એ હકીકત સાથે મળી છે કે, યુક્રેનના નાગરિકો રશિયન આક્રમણથી પીડાઈ રહ્યા છે અને દરરોજ મરી રહ્યા છે. કુલેબાએ કહ્યું હતું કે, અમારા દુઃખને કારણે તમને ફાયદો થશે તો ભારત યુક્રેનને શક્ય તેટલી મદદ વધારે કરે તો સારું.
એસ જયશંકરની ટિપ્પણી પર તમે શું કહ્યું?
દિમિત્રી કુલેબા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરના નિવેદનનો જવાબ આપી રહ્યા હતા જેમાં તેમણે કહ્યું હતું કે, આ વર્ષના ફેબ્રુઆરી અને નવેમ્બર મહિનાની વચ્ચે રશિયાએ યુરોપિયન યુનિયન (EU)દેશો કરતાં વધુ તેલ અને ગેસની આયાત કરી છે. યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, યુરોપિયન યુનિયન તરફ આંગળી ચીંધવી અને કહેવું પૂરતું નથી, કે ઓહ, તેઓ પણ એ જ કરી રહ્યા છે. કુલેબાના મતે રશિયા પાસેથી સસ્તુ ક્રુડ ઓઈલ આયાત કરવાના ભારતના નિર્ણયને યુક્રેનમાં માનવીય દુઃખની નજરે જોવુ જોઈએ.
પીએમ મોદીને લઈ કહ્યું કે...
યુક્રેનના વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, ભારત ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુદ્ધનો અંત આણવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ભારત વૈશ્વિક ક્ષેત્રે ખૂબ જ મહત્વપૂર્ણ દેશ છે અને ભારતના વડાપ્રધાન તેમના અવાજથી યુક્રેનમાં પરિવર્તન લાવી શકે છે. તેમણે કહ્યું હતું કે, યુક્રેન એ ક્ષણની રાહ જોઈ રહ્યું છે જ્યારે ભારતની વિદેશ નીતિ કહેશે કે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે. હાલ તો ભારત એમ જ કહી રહ્યું છે કે યુક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે. ભારત રશિયા સાથે ગાઢ વ્યૂહાત્મક સંબંધો ધરાવે છે અને યુક્રેનિયન પ્રદેશ પર રશિયન કબજાની નિંદા કરતા યુએનના ઠરાવોમાં મોસ્કો વિરુદ્ધ મતદાન કરવાથી વારંવાર દૂર રહ્યું છે.