IPL Auction 2023: કેમરૂન ગ્રીનથી લઇને બેન સ્ટોક્સ સુધી, આ પાંચ ખેલાડીઓને આઇપીએલ ઓક્શનમાં મળી શકે છે કરોડો રૂપિયા
હરાજીમાં ભાગ લેનારા 405 ખેલાડીઓમાંથી 273 ખેલાડીઓ ભારતીય છે, જ્યારે 132 ખેલાડીઓ વિદેશી છે
IPL Auction 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની મિની ઓક્શનને હવે થોડા દિવસો બાકી છે. આ હરાજી શુક્રવારે (23 ડિસેમ્બર) કોચીમાં યોજાવા જઈ રહી છે. આ વખતે હરાજી માટે 991 ક્રિકેટરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ આખરે 405 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ તમામ પર તમામ 10 ફ્રેન્ચાઇઝી બોલી લગાવશે. આ મીની હરાજી ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.
હરાજીમાં ભાગ લેનારા 405 ખેલાડીઓમાંથી 273 ખેલાડીઓ ભારતીય છે, જ્યારે 132 ખેલાડીઓ વિદેશી છે. ખેલાડીઓની આ યાદીમાં અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, જો રૂટ, કેન વિલિયમસન, શાકિબ અલ હસન, બેન સ્ટોક્સ, ઈશાંત શર્મા, સેમ કરણ, લિટન દાસ, જેસન હોલ્ડર જેવા મોટા ખેલાડીઓના નામ છે. પરંતુ આ યાદીમાં એવા પાંચ ખેલાડીઓ છે, જેમના પર મોટી બોલી લાગી શકે છે
બેન સ્ટોક્સ
દરેકની નજર ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પર ટકેલી છે. સ્ટોક્સ ટીમને ફાસ્ટ બોલિંગની સાથે બેટિંગમાં પણ તાકાત આપે છે. આવી સ્થિતિમાં દરેક ટીમ તેના પર દાવ લગાવવા માંગશે. આવી સ્થિતિમાં સ્ટોક્સ આ વખતે હરાજીનો રેકોર્ડ પણ તોડી શકે છે. સ્ટોક્સે તાજેતરના T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે અણનમ 52 રન બનાવ્યા હતા. સાથે જ એક વિકેટ પણ ફટકો હતો. તેની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હશે.
કેમરૂન ગ્રીન
23 વર્ષીય ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરૂન ગ્રીન પણ આ હરાજીમાં બેન સ્ટોક્સથી પાછળ નહીં રહે. દરેક ટીમની નજર આ ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર પર પણ છે. ગ્રીને અત્યાર સુધી 8 ઈન્ટરનેશનલ ટી20 મેચમાં 2 ફિફ્ટી સાથે 139 રન બનાવ્યા છે. આ સાથે 35.60ની એવરેજથી 5 વિકેટ પણ લીધી છે. તેની બેઝ પ્રાઈસ પણ 2 કરોડ રૂપિયા છે.
સેમ કરણ
ઈંગ્લેન્ડની ટીમનો અન્ય એક ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર સેમ કરન છે, જે હરાજીમાં રેકોર્ડ તોડવાની ક્ષમતા ધરાવે છે. સેમ કરને T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પાકિસ્તાન સામે 3 મહત્વની વિકેટ લીધી હતી. સેમ કરને IPLમાં 32 મેચ રમી હતી, જેમાં તેણે 337 રન બનાવ્યા હતા અને 32 વિકેટ પણ લીધી હતી. તેની મૂળ કિંમત પણ 2 કરોડ રૂપિયા હશે.
નારાયણ જગદીશન
મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપવાળી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં રમી ચૂકેલા નારાયણ જગદીશન આ વખતે હરાજીમાં સૌથી મોંઘા ભારતીય ખેલાડીઓમાંથી એક બની શકે છે. તેણે આ વર્ષે વિજય હજારે ટ્રોફીમાં સૌથી વધુ 830 રન બનાવ્યા હતા. આ દરમિયાન જગદીશને સતત 5 સદી પણ ફટકારી હતી. તેણે 50 ઓવરની ડોમેસ્ટિક મેચમાં 227 રનની રેકોર્ડ ઇનિંગ્સ પણ રમી હતી. CSK ટીમ પણ આ યુવા ખેલાડીને પરત લાવવા માંગશે.
હેરી બ્રુક
ઈંગ્લેન્ડ ટીમનો ટોપ ઓર્ડર બેટ્સમેન હેરી બ્રુક પણ આ વખતે હરાજીમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. તેણે હાલમાં જ પાકિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝમાં બેટિંગથી ધમાલ મચાવી છે. બ્રુકે ત્રણ ટેસ્ટ મેચમાં 468 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ત્રણ સદી અને એક અડધી સદી પણ ફટકારી હતી. બ્રુકની સરેરાશ 93.60 હતી. IPL ઓક્શનમાં બ્રુકની બેઝ પ્રાઈસ 1.5 કરોડ રૂપિયા છે