ભારતના સૌથી સફળ 24 કલાક, પેરિસમાં બની ગયો ઇતિહાસ, એક દિવસમાં આવ્યા 8 મેડલ, આ એથ્લિટોએ કર્યો કમાલ
Paris Paralympics 2024 India Record: પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતીય પેરા એથ્લેટ્સે 24 કલાકમાં એટલે કે એક દિવસમાં મહત્તમ મેડલ જીતીને કમાલ કરી દીધો છે
Paris Paralympics 2024 India Record: પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતીય પેરા એથ્લેટ્સે 24 કલાકમાં એટલે કે એક દિવસમાં મહત્તમ મેડલ જીતીને કમાલ કરી દીધો છે. ભારતીય ખેલાડીઓએ પાંચમા દિવસે (02 સપ્ટેમ્બર, સોમવાર) આ ઈતિહાસ રચી દીધો. સોમવારે ભારતના ખાતામાં કુલ 8 મેડલ આવ્યા હતા. અગાઉ 30 ઓગસ્ટે ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ એક દિવસમાં 5 મેડલ જીત્યા હતા. તે દિવસે પણ સુમિત અંતિલે ભારત માટે જેવલિનમાં ગૉલ્ડ જીત્યો હતો અને પેરિસ પેરાલિમ્પિક્સમાં 8 મેડલના દિવસે સુમિતે પણ ભારત માટે ગૉલ્ડ જીત્યો હતો. જાણો અહીં કઈ રમતમાં કોણે મેડલ જીત્યો તે વિશે વાત કરીએ.
1- યોગેશ કથુનિયા -
યોગેશ કથુનિયાએ ડિસ્કસ થ્રૉની ફાઇનલમાં બીજા સ્થાને રહીને સિલ્વર મેડલ જીત્યો હતો. પાંચમા દિવસે ભારતનો આ પહેલો મેડલ હતો.
2- નીતેશ કુમાર -
નીતેશ કુમારે બેડમિન્ટન મેન્સ સિંગલ SL3માં ગૉલ્ડ મેડલ જીત્યો હતો. નીતિશે બ્રિટનના બેટેલને 21-14, 18-21, 23-2થી હરાવીને ગૉલ્ડ જીત્યો હતો.
3- થુલાસિમથી મુરુગેસન -
થુલાસિમાથી મુરુગેસને બેડમિન્ટન મહિલા સિંગલ્સ SU5માં સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઈનલ મેચમાં તેને 21-17, 21-10થી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે તે ગૉલ્ડ મેળવવાનું ચૂકી ગઈ હતી.
4- મનીષા રામદાસ -
મનીષા રામદાસે બેડમિન્ટન મહિલા સિંગલ્સ SU5માં ભારત માટે બ્રૉન્ઝ જીત્યો હતો. તેણે બ્રૉન્ઝ મેડલ મેચમાં ડેનમાર્કની કેથરીન રોસેનગ્રેનને 21-12, 21-8થી હરાવ્યો હતો.
5 સુહાસ યથિરાજ -
સુહાસ યથિરાજે પણ બેડમિન્ટનમાં કમાલ કરી દીધો. તેણે દેશ માટે સિલ્વર મેડલ જીત્યો. સુહાસ યથિરાજને બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL4ની ફાઈનલ મેચમાં લુકાસ મઝુર સામે 21-9, 21-13થી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.
6- રાકેશ કુમાર અને શીતલ દેવી -
રાકેશ કુમાર અને શિતલ દેવીની જોડીએ તીરંદાજીમાં કમાલ કર્યો અને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. રાકેશ અને શીતલ દેવીની જોડીએ મિક્સ્ડ ટીમ કમ્પાઉન્ડની બ્રૉન્ઝ મેડલ મેચમાં ઇટાલિયન જોડી એલિયોનોરા સરતી અને માટ્ટેઓ બોનાસિનાને 156-155થી પરાજય આપ્યો હતો.
7 સુમિત અંતિલ -
સુમિત અંતિલ મેન્સ જેવલિન F64ની ફાઇનલમાં ગૉલ્ડ મેડલ જીત્યો હતો. સુમિતે 70.59 મીટરના થ્રૉ સાથે ગૉલ્ડ કબજે કર્યો હતો.
8 નિત્યા શ્રી સુમતિ સિવાન -
નિત્યા શ્રી સુમતિ સિવને બેડમિન્ટન મહિલા સિંગલ્સ SH6 માં બ્રૉન્ઝ મેડલ જીત્યો. તેણે બ્રૉન્ઝ મેડલ મેચમાં ઈન્ડોનેશિયાની રીના માર્લિનાને 21-14, 21-6થી પરાજય આપ્યો હતો.
આ પણ વાંચો
Paralympics: પેરિસ ઓલિમ્પિકમાં શટલર નિથ્યા શ્રી સિવને કર્યો કમાલ, ભારત માટે જીત્યો બ્રોન્ઝ મેડલ