(Source: ECI/ABP News/ABP Majha)
લાલૂ યાદવ પર ઇડીનો સકંજો, EDના 24 ઠેકાણે દરોડા, રેડમાં 1,900 ડોલર સાથે મળી આટલી રોકડ રકમ
નોકરી માટે જમીન કૌભાંડમાં મની લોન્ડરિંગના નક્કર પુરાવા મળ્યા હોવાનો EDએ દાવો કર્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, 2004 થી 2009 વચ્ચે લાલુના રેલ્વે મંત્રીના કાર્યકાળ દરમિયાન ઘણા લોકોને ગ્રુપ ડીની નોકરીઓ મળી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જમીનના બદલે નોકરી માટે કૌભાંડમાં લાલુ યાદવ, પુત્ર તેજસ્વી અને ત્રણ પુત્રીઓ સહિત અન્ય ઘણા નજીકના લોકોના દિલ્હી-એનસીઆર, પટના, રાંચી અને મુંબઈમાં કુલ 24 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જ્યાંથી 53 લાખ રોકડા, 1,900 ડોલર, 540 ગ્રામ સોનું, 1.5 કિલો સોનાના દાગીના અને મહત્વપૂર્ણ દસ્તાવેજો મળી આવ્યા હતા.
આ ઠેકાણા રાગિણી યાદવ, ચંદા યાદવ, હેમા યાદવ, નવદીપ સરદાના, પ્રવીણ જૈન, સૈયદ અબુ દોજાના, એકે ઇન્ફોસિસ્ટમ્સ, બ્રહ્મા સિટી પ્રાઇવેટ લિમિટેડ, એલિટ લેન્ડબેઝ, વ્હાઇટલેન્ડ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ અને મેરિડિયન કન્સ્ટ્રક્શનના છે.
નોકરી માટે જમીન કૌભાંડમાં મની લોન્ડરિંગના નક્કર પુરાવા મળ્યા હોવાનો EDએ દાવો કર્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, 2004 થી 2009 વચ્ચે લાલુના રેલ્વે મંત્રીના કાર્યકાળ દરમિયાન ઘણા લોકોને ગ્રુપ ડીની નોકરીઓ મળી હતી. બદલામાં, તેમની જમીનો લાલુના પરિવારના સભ્યો અને એકે ઇન્ફોસિસ્ટમ્સ કંપનીના નામે તગડી કિંમતે ટ્રાન્સફર કરવામાં આવી હતી. લાલુની બે પુત્રીઓ રાગિણી અને ચંદા આ કંપનીના ભૂતપૂર્વ ડિરેક્ટર છે. હેમા યાદવને કૌભાંડ સંબંધિત બે પ્લોટ અલગથી મળ્યા હતા.
અધિકારીએ કહ્યું કે, આ કૌભાંડમાં થયેલી ગેરકાયદેસર કમાણીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 7.5 લાખ રૂપિયામાં ખરીદેલા ચાર પ્લોટ મેરિડિયન કન્સ્ટ્રક્શનને 3.5 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યા હતા. મેરિડિયન કન્સ્ટ્રક્શન એ પૂર્વ આરજેડી ધારાસભ્ય સૈયદ અબુ દોજાનાની કંપની છે. ED અધિકારીના જણાવ્યા અનુસાર, તેજસ્વી અને પરિવારના અન્ય સભ્યો સુધી પહોંચવા માટે રાબડી દેવી અને હેમામાંથી પસાર થતા 3.5 કરોડ રૂપિયાના પુરાવા મળ્યા છે.
દિલ્હીમાં EDના દરોડા દરમિયાન તેજસ્વી પણ હાજર હતો
EDના અધિકારીએ કહ્યું કે,એકે ઈન્ફોસિસ્ટમ્સ લાલુના પરિવારની કંપની છે. તેમની બે દીકરીઓ તેમાં ડિરેક્ટર રહી ચૂકી છે. આ કંપની ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં જે સરનામે રજીસ્ટર છે તેનો ઉપયોગ તેજસ્વી દિલ્હીમાં રહેઠાણ તરીકે કરે છે. દરોડા દરમિયાન આ ઘરમાં તેની હાજરીથી તેની પુષ્ટિ થાય છે.
લાલુના સાળાના ઘરે પણ EDએ દરોડા પાડ્યા
EDએ શુક્રવારે લાલુના સાળા અને સપા નેતા જિતેન્દ્ર યાદવના ગાઝિયાબાદ સ્થિત આવાસ પર દરોડા પાડ્યા હતા. EDના જોઈન્ટ ડાયરેક્ટર રંજન પ્રકાશ પણ સાંજે 7.30 વાગ્યે અહીં પહોંચ્યા હતા. અડધો કલાક સુધી તેણે ટીમ પાસેથી કાર્યવાહીની વિગતો લીધી અને પછી જતો રહ્યો. મોડી રાત સુધી કાર્યવાહી ચાલુ રહી હતી. લાલુ પ્રસાદની પુત્રી રાગિણી જિતેન્દ્રના પુત્ર રાહુલની પત્ની છે. પાંચ વર્ષ પહેલા રાહુલના ખાતામાંથી તેની સાસુ રાબડીના બેંક ખાતામાં એક કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હતું. તે સમયે ઇડી પણ અહીં પહોંચી હતી.