દેશનો વિકાસઃ 2021-22માં આર્થિક વિકાસ દર 8.7 ટકા રહ્યો, ચોથા ક્વાર્ટરમાં વિકાસ ધીમો પડ્યો
દેશના આર્થિક વિકાસ દરના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2021-22નો આર્થિક વિકાસ દર 8.7 ટકા રહ્યો છે.
GDP Data for 4th Quarter: દેશના આર્થિક વિકાસ દરના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટર (4th Quarter)માં જાન્યુઆરી થી માર્ચ વચ્ચે દેશનો આર્થિક વિકાસ દર 4.1 ટકા રહ્યો છે. જ્યારે ગયા વર્ષે 2020-21ના ચોથા ક્વાર્ટરમાં જીડીપી વિકાસ દર 1.6 ટકા રહ્યો હતો. જ્યારે નાણાકીય વર્ષ 2021-22નો આર્થિક વિકાસ દર 8.7 ટકા રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા નાણાકીય વર્ષ 2020-21માં દેશનો આર્થિક વિકાસ દર નેગેટિવ એટલે કે માઈનસમાં રહ્યો હતો અને -7.3 ટકા નોંધાયો હતો. અહીં નોંધવાની બાબત એ છે કે, વર્ષ 2021-22માં NSO (કેન્દ્રીય આંકડાકીય કાર્યાલય)એ વાર્ષિક જીડીપી 9.2 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું.
ચોથા ક્વાર્ટરમાં જીડીપી 4.1 ટકાઃ
કોરોના મહામારી અને વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે લીધે, 2021-22ના ચોથા ક્વાર્ટરમાં જીડીપી દર ઘટ્યો છે અને 4.1 ટકા જ રહ્યો હતો. જ્યારે પહેલા ક્વાર્ટરમાં તે 20.1 ટકા, બીજા ક્વાર્ટરમાં 8.4 ટકા અને ત્રીજા ક્વાર્ટરમાં 5.4 ટકા રહ્યો હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે, જાન્યુઆરી અને માર્ચ વચ્ચે કોરોના મહામારીના ઓમિક્રોન વેરિઅન્ટથી વધેલા કેસ અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે કોમોડિટીના ભાવમાં થયેલા વધારાને કારણે ચોથા ક્વાર્ટરમાં દેશની આર્થિક વૃદ્ધિ ધીમી પડી હતી.
વિવિધ સેક્ટરોની સ્થિતિઃ
NSO દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટામાં એવું કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટરમાં ઉત્પાદન સેક્ટરની વૃદ્ધિ નકારાત્મક (-) 0.2 ટકા હતી. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં તે 6.9 ટકા હતો. કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 4.1 ટકા હતો, જે ગયા વર્ષના આ જ ક્વાર્ટરમાં 3.1 ટકા હતો. બાંધકામ ક્ષેત્રનો વિકાસ દર ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 14.5 ટકાની સરખામણીએ 2 ટકા રહ્યો છે. તેવી જ રીતે, વેપાર, હોટેલ, પરિવહન, સંદેશાવ્યવહાર અને પ્રસારણ સંબંધિત સેવાઓમાં 5.3 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં - તે 2.5 ટકા હતો. તેવી જ રીતે, નાણાકીય, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાઓમાં 4.5 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.