Gujarat MoU: રાજ્ય સરકાર અને શેલ એનર્જી વચ્ચે થયા MoU, કંપની ગુજરાતમાં કરશે ૩૫૦૦ કરોડનું રોકાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કેટેગરી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે.
Gujarat MoU: ગુજરાતમાં હવે મોટા પાયે રોજગારીના અવસરો બહુ જલદી ખુલી શકે છે. હાલમાં ગુજરાતમાં શેલ એનર્જી દ્વારા રિન્યૂએબલ એનર્જી-ઇલેક્ટ્રિક વ્હીકલ રિચાર્જ સ્ટેશન અને LNG રિગેસિફિકેશન ટર્મિનલ નિર્માણ માટે ૩૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થશે. આનાથી ૪૩૦૦ લોકોને પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી મળશે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લૉબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો માટેના MoUની કેટેગરીમાં વધુ એક કદમ આગળ ભર્યુ છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અને ઉદ્યોગ રાજ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. અત્યાર સુધીમાં ત્રણ કડીમાં ૩૮૭૪ કરોડ રૂપિયાના ૧૪ MoU સંપન્ન થયા હતા.
ઉર્જા ક્ષેત્રની અગ્રગણ્ય કંપની શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતમાં ૩૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ અંગેના MoU રાજ્ય સરકાર અને શેલ એનર્જી વચ્ચે ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી કેટેગરી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના કેટેગરીવાઇઝ આયોજન હાથ ધર્યા છે.
આ વાઇબ્રન્ટ સમિટ દેશ-વિદેશના રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લૉબલ પ્લેટફોર્મ બની રહી છે. આ સંદર્ભમાં વાયબ્રન્ટ સમિટ-૨૦૨૪નાં પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે.
આ ઉપક્રમના ચોથા તબક્કામાં ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તા.૨૩ ઓગસ્ટ બુધવારે એક MoU કરવામાં આવ્યો હતો.
શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ MoU અન્વયે ૨૨૦૦ કરોડના રોકાણ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ૧૨૦૦ એકરમાં રિન્યૂએબલ એનર્જી ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ દ્વારા અંદાજે એક હજારથી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મળશે તેમજ સંભવત: ૨૦૨૬ સુધીમાં આ પ્લાન્ટમાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ થઈ જશે.
આ ઉપરાંત રાજ્યમાં વિવિધ સ્થળોએ ફ્યુઅલ રિટેલીંગ, EV રિચાર્જ સ્ટેશન ક્ષેત્રે શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ૮૦૦ કરોડનું રોકાણ કરવામાં આવશે તથા અંદાજે બે હજાર લોકોને રોજગારી આ ક્ષેત્ર પૂરી પાડશે. તેમના આ પ્રોજેક્ટ આગામી ૨૦૨૭ સુધીમાં કાર્યરત થવાના છે.
રાજ્ય સરકાર સાથે કરેલા આ MoU અનુસાર શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ LNG રિગેસિફિકેશન ટર્મિનલ, એસેટ ઇન્ટીગ્રિટી રિજુવેનેશન અને ડેબોટલનેકિંગ પ્રોજેક્ટમાં ૫૦૦ કરોડનું રોકાણ કરવાની છે.
આ પ્રોજેક્ટમાં ૩૭૫ લોકોને રોજગાર અવસર મળતા થશે તથા આ પ્રોજેક્ટ પણ સંભવત: ૨૦૨૭ સુધીમાં વાણિજ્યિક ઉત્પાદન કરતો થઈ જશે.
વાયબ્રન્ટ સમિટ-૨૦૨૪નાં પૂર્વાર્ધરૂપે પ્રતિ સપ્તાહે યોજવામાં આવતા MoU સાઈનીંગ ઉપક્રમની ત્રણ કડીમાં રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ ૩૮૭૪ કરોડના રોકાણોના ૧૪ MoU સંપન્ન થયા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી કુલ સાડા નવ હજારથી વધુ સંભવિત રોજગાર અવસરો આવનારા દિવસોમાં મળતા થશે.
તદ્નુસાર, ટેક્ષટાઈલ સેક્ટરમાં-૨૧૦૦, એન્જિનીયરીંગ સેક્ટરમાં-૭૦૦, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં-૫૦૦ અને કેમિકલ સેક્ટરમાં-૩૦૮૫ સંભવિત રોજગાર અવસરોનું સર્જન થશે.
ચોથી કડીમાં એક જ દિવસમાં ૩૫૦૦ કરોડના રોકાણો માટે શેલ એનર્જી ઇન્ડિયા પાઇવેટ લિમિટેડ દ્વારા MoU થયો છે.
શેલ એનર્જી છેલ્લા વીસ વર્ષથી ગુજરાતમાં બહુ સરળતા પૂર્વક પોતાનો વ્યવસાય કારોબાર વિસ્તારી શકી છે તેના મૂળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમિનિસ્ટ્રેશનની સક્રિય ભૂમિકા રહેલી છે તેની સરાહના શેલ ગ્રુપ ઓફ કંપનીઝ નાં ચેરમેન શ્રી નીતીન પ્રસાદે કરી હતી.
ગુજરાત રિન્યુઅલ એનર્જી સેક્ટરમાં દેશમાં લીડિંગ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે તથા ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલીસીઝ અને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝને કારણે રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું કે, રાજ્યમાં ઉદ્યોગ રોકાણકારોને ત્વરાએ ઉદ્યોગો શરૂ કરવામાં સરળતા રહે તેવું વાતાવરણ બન્યું છે અને ઉદ્યોગકારોને મુશ્કેલી ન પડે તથા સરકાર અને ઉદ્યોગો સાથે મળીને રાજ્યના વિકાસની ગતિ વધુ વેગવંતી બનાવે તેવી આપણી નેમ છે.
રાજ્ય સરકાર વતી ઊર્જા વિભાગનાં અગ્ર સચિવ મમતા વર્મા તથા શેલ એનર્જી વતી મેનેજિંગ ડિરેક્ટર રાહુલ સિંઘે MoU પર હસ્તાક્ષર કરીને પરસ્પર આદાન-પ્રદાન કર્યું હતું.
આ MoU સાઇનીંગ અવસરે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે, સંયુક્ત કમિશનર કુલદીપ આર્ય તથા ઇન્ડેક્સ-બી ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.