(Source: ECI/ABP News/ABP Majha)
Diu : જો તમે દીવ જઈ રહ્યાં હો તો થોભી જજો, આ સમાચાર તમારા માટે મહત્વના છે
Diu News : પ્રવાસીઓ માટે દીવ પહેલી પસંદમાંથી એક છે, જો કે દીવ જતા પહેલા આ સમાચાર જાણી લો.
Diu : રાજ્યના ઘણા પ્રવાસન સ્થળો છે, પણ દીવ એ પ્રવાસીઓ માટે પહેલી પસંદમાંથી એક છે. દીવમાં સામાન્ય દિવસોમાં, વિકેન્ડમાં અને ખાસ કરીને રજાઓ અને વેકેશનના દિવસોમાં લાખો લોકો આવે છે અને પ્રકૃતિ સાથે આલ્કોહોલનો પણ આનંદ લે છે. દીવ કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાથી અહીં દારૂબંધી નથી. માટે દીવ પ્રવાસીઓની પ્રથમ પસંદગી બન્યું છે. જો કે હાલના દિવસોમાં દીવ જતા પહેલા થોભી જાજો.
દીવમાં ત્રણ દિવસ દારૂબંધી
જ્યાં દારૂ પીવા પર કોઈ પ્રતિબંધ નથી તે દીવમાં ત્રણ દિવસ દારૂબંધી કરવામાં આવી છે. દીવમાં આવતીકાલ એટલે કે 5 જુલાઈથી 8 જુલાઈ સુધી સુધી દારૂબંધી લાગું કરવામાં આવી છે. દીવ નગરપાલિકાની ચૂંટણી (Diu Municipal Council Elections 2022) ને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે આ દિવસો દરમિયાન દીવમાં દારૂ નહીં મળે, દારૂનું વેંચાણ નહીં થાય. ઉલ્લેખનીય છે કે દીવમાં દીવ નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ગત તારીખ 20 જૂનથી આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે.
દીવ નગરપાલિકાની ચૂંટણી, 7 જુલાઈએ મતદાન
સંઘપ્રદેશ દીવમાં દીવ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી (Diu Municipal Council Elections 2022) માં આગામી 7 જુલાઈએ મતદાન થશે અને 9 જુલાઈએ મતદાન થતા પરિણામો જાહેર થશે. દીવ મ્યુનિસિપલ કાઉન્સિલ એટલે કે દીવ નાગરપાલિકાના 13 વોર્ડમાં આશરે 10649 મહિલાઓ અને 8794 પુરુષ મતદારો મળીને કુલ 19443 જેટલા મતદારો આગામી 7મી જુલાઇએ મતાધિકારનો ઉપયોગ કરશે. દીવ નગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપના 6 નગરસેવકો બિનહરીફ થયા છે.
ભાજપના 6 નગરસેવકો બિનહરીફ થયા
દીવ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રોની તપાસ બાદ નામ પરત લેવાના પહેલા દિવસે એટલે કે ગત 23 જૂને 12 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા છે. પરિણામે વોર્ડ નંબર 2, 3, 5, 7, 12 અને 13 માં બિનહરીફ વિજેતા જાહેર થયા છે.