(Source: ECI/ABP News/ABP Majha)
મુંદ્રા પોર્ટ પરથી DRIએ 500 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું, મીઠાના નામે ઈરાનથી આવ્યો હતો જથ્થો
DRIએ ફરી એકવાર ગુજરાતના મુન્દ્રા બંદરે મીઠાની આડમાં લાવવામાં આવેલ 52 કિલો કોકેઈન ઝડપ્યું છે.
Cocaine Seized From Mundra Port: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ ફરી એકવાર ગુજરાતના મુન્દ્રા બંદરે મીઠાની આડમાં લાવવામાં આવેલ 52 કિલો કોકેઈન ઝડપ્યું છે. આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 500 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ કન્સાઈનમેન્ટ ઈરાન થઈને ગુજરાતના મુંદ્રા પોર્ટ પર પણ મોકલવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021-22 દરમિયાન, ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સે અત્યાર સુધીમાં રૂ. 3200 કરોડનું કોકેઈન ઝડપ્યું છે.
DRIના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે, તેમને માહિતી મળી હતી કે ઈરાન મારફતે માદક દ્રવ્યોનો મોટો જથ્થો ભારતમાં મોકલવામાં આવી શકે છે. આ માહિતીના આધારે ડીઆરઆઈએ ગુપ્ત ઓપરેશન શરૂ કર્યું હતું. જેને ઓપરેશન 'નમકીન' નામ આપવામાં આવ્યું હતું. ઓપરેશનમાં એકત્ર કરાયેલી ગુપ્ત માહિતી અને વ્યાપક ડેટા વિશ્લેષણ અને દેખરેખના આધારે, DRIને 25 મેટ્રિક ટન સામાન્ય મીઠાના કન્સાઇનમેન્ટ પર શંકા હતી જે ગુજરાતના મુંદ્રા પોર્ટ પર આવ્યું હતું. આ મીઠાના કન્સાઈનમેન્ટમાં 1000 બેગ હતી જે ઈરાનથી મુંદ્રા પોર્ટ પર આયાત કરવામાં આવી હતી.
શંકાના આધારે ડીઆરઆઈના અધિકારીઓ દ્વારા 24 મેથી 26 મે 2022 સુધી આ કન્સાઈનમેન્ટ સતત તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન મીઠાની કેટલીક થેલીઓ શંકાસ્પદ મળી આવી હતી. કારણ કે, આ કોથળીઓમાં પાવડરના રૂપમાં એક અલગ વિશિષ્ટ પ્રકારની ગંધવાળો પદાર્થ મળી આવ્યો હતો. શંકાના આધારે, ડીઆરઆઈ અધિકારીઓએ આ શંકાસ્પદ થેલીઓમાંથી નમૂનાઓ લીધા હતા અને ગુજરાતની ફોરેન્સિક સાયન્સ ડિરેક્ટોરેટની લેબોરેટરીમાં તેનું પરીક્ષણ કરાવ્યું હતું.
લેબોરેટરી અધિકારીઓ દ્વારા પરીક્ષણ દરમિયાન આ બેગમાંથી કોકેઈન મળી આવ્યું હતું. જે બાદ અત્યાર સુધી સર્ચ દરમિયાન 52 કિલો કોકેન મળી આવ્યું છે. કોકેઈન જપ્ત કર્યા બાદ, DRI સત્તાવાળાઓએ NDPS એક્ટ 1985ની જોગવાઈઓ હેઠળ તપાસ અને જપ્તીની કાર્યવાહી શરૂ કરી છે.