Mahisagar: મહીસાગરના બે શિક્ષકોએ શરુ કર્યું "માં બેટી સાથે રમે સાથે ભણે" અભિયાન, અનેક મહિલાઓને કરી સાક્ષર
મહીસાગર: રાજ્યમાં કેટલાક એવા શિક્ષકો પણ છે કે જે પોતાની આગવી શિક્ષણ પદ્ધતિ તેમજ સુજબૂજથી શાળાના વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓને પણ સાક્ષર કરી રહ્યા છે.
મહીસાગર: રાજ્યમાં કેટલાક એવા શિક્ષકો પણ છે કે જે પોતાની આગવી શિક્ષણ પદ્ધતિ તેમજ સુજબૂજથી શાળાના વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓને પણ સાક્ષર કરી રહ્યા છે. વાત છે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ બાબલિયા પ્રાથમિક શાળાની કે જ્યાં બે કર્મનિષ્ઠ શિક્ષકો દ્વારા માં દીકરી સાથે રમે સાથે ભણે અભિયાન શરૂ કરી નિરક્ષર મહિલાઓને અક્ષર જ્ઞાન આપવાનું બીડું ઉપાડ્યું છે, જેમાં ગામની 30 જેટલી મહિલાઓ હાલ વાંચતી લખતી થઈ છે.
ખાનપુર તાલુકામાં આવેલ બાબલિયા પ્રાથમિક શાળાના કે જ્યાં ના બે કર્મનિષ્ઠ શિક્ષકો શાળામાં વિદ્યાર્થીઓને ભણાવી વિધાર્થીઓની માતાઓને પણ સાક્ષર કરી રહ્યા છે. તમને થતું હશે એ વળી કઈ રીતે તો વાત જાણે એમ છે કે કોરોનાકાળ સમયે શાળાઓ બંધ હતી અને ત્યારે શિક્ષકો બાળકોને ઘરે ઘરે ભણાવવા જતા અને વાલીની સહી કરાવવાની આવતી ઉપરાંત શાળામાં લેવાતી બાળકોની એકમ કસોટી તપાસીને શિક્ષકો બાળકને તેમના વાલીની સહી કરાવવા આપતા હતા ત્યારે ઘણા બાળકો કહેતા કે સાહેબ અમારી મમ્મી ભણેલી નથી અને અમારા પપ્પા મજૂરી કરવા બહાર ગામ ગયેલા છે જેથી અમને પેડ આપો તો અમે અંગૂઠો કરાવી લાવીએ.
ત્યારે શિક્ષક વિચારમાં પડ્યા કે આટલા બધા બાળકોને અંગુઠા પાડવા માટે પેડ ક્યાંથી પુરા પાડીયે ત્યારે તેમને વિચાર આવ્યો કે આવી બહેનોને સહી કરતા શીખવાડીએ અને તેમને થોડું અક્ષર જ્ઞાન પણ આપીએ, પણ આપીએ કઈ રીતે શાળામાં બાળકોને ભણાવીએ કે તેમની માતાને ? તરત જ સવાલ ઉદ્દભવ્યો પછી તેઓએ વિચાર્યું કે બાળકો જ તેમની માતાને ભણાવે અને સાક્ષર કરે જેથી આ બન્ને શિક્ષકોએ " માં બેટી સાથે રમે સાથે ભણે " અભિયાન શરૂ કર્યું અને પોતાના સ્વ ખર્ચે નિરક્ષર મહિલાઓ માટે મોડ્યુલ તૈયાર કર્યા અને બાળકોને આપ્યા.
આ બાળકો શાળાએથી ઘરે જઈ જ્યારે લેશન કરવા બેસે ત્યારે તેની માતાને પણ સાથે લઈને બેસે પોતાનું લેસન પૂર્ણ કરી થોડો સમય માતાને ભણાવે આ રીતે મા દીકરી સાથે ભણે આનો ફાયદો એ થયો કે બાબલિયા ગામની ધીરે ધીરે નિરક્ષર મહિલાઓ વાંચતા લખતા થઈ અને સહી કરતા પોતાનું નામ લખતા અને ડેરીની સ્લીપ વાંચતા,બેન્ક સ્લીપ ભરતા, બસ નું બોર્ડ વાંચતા કંકોત્રી વાંચતા થઈ આ અભિયાનમાં અત્યાર સુધીમાં 30 જેટલી મહિલાઓ વાંચતા અને લખતા થઈ ગઈ છે. શિક્ષકોએ વિદ્યાર્થીની માતાને આપેલ મોડ્યુલ તેમની રિસેસના ટાઈમમાં ચકાસી છે અને વિદ્યાર્થીઓને પણ જરૂરી માર્ગદર્શન આપે છે.
અભિયાન શરૂ કરનાર શિક્ષકો જણાવી રહ્યા છે કે કોરોના કાળમાં જ્યારે વિદ્યાર્થીઓના વાલીની સહી કરાવવા માટે પેપર આપતા હતા ત્યારે વિદ્યાર્થીઓ તેમના વાલીની સહીની જગ્યાએ અંગૂઠો કરાવવા માટે પેડ માગતા હતા ત્યારે આટલા બધા વિદ્યાર્થીઓને અંગુઠા માટે પેડ ક્યાંથી આપવા? ત્યારે આવા નિરક્ષર વિદ્યાર્થીઓની માતાઓને અક્ષર જ્ઞાન આપવામાં આવે જેથી કરીને આ સમસ્યાનું સમાધાન મળે અને અમે સ્વખર્ચે મોડ્યુલ તૈયાર કરાવ્યા અને વિદ્યાર્થીઓને આપ્યા અને તેમની માતાઓને વિદ્યાર્થીઓએ જાતે જ તેમનું લેસન પૂર્ણ થયા બાદ અક્ષરજ્ઞાન આપવાનું શરૂ કર્યું.
શરૂઆતમાં અમે 11 મહિલાઓ ઉપર આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. હવે ધીરે ધીરે 30 જેટલી મહિલાઓ અક્ષર જ્ઞાન મેળવી ચૂકી છે અને આગામી સમયમાં અમે સર્વે કર્યો છે. જેમાં 84 મહિલાઓને અમે અક્ષર જ્ઞાન આપીશું. વિદ્યાર્થીઓની માતાને આપેલ મોડ્યુલ અમે અમારી રીસેસના વધારાના સમયમાં તપાસીએ છીએ અને વિદ્યાર્થીઓને તેમની માતાઓને કઈ રીતે અક્ષર જ્ઞાન આપવું તે અંગે માર્ગદર્શન પણ આપીએ છીએ.
બાબલિયા ગામની નિરક્ષર મહિલાઓ ઘર કામ કરી નવરાશના સમયે પોતાની દીકરી પાસેથી શિક્ષા લે છે. દીકરીને શાળામાંથી શિક્ષક દ્વારા આપેલ મોડ્યુલમાં વાંચતા લખતા શીખવે છે. એક દીકરી પોતાની માતાને વાંચતા લખતા શીખવી રહી છે અને માતા પોતાની દીકરી પાસેથી વાંચતા લખવાનું શીખી રહી છે. બાબલિયા ગામમાં અત્યાર સુધીમાં 30 જેટલી મહિલાઓ મા બેટી સાથે રમે સાથે ભણે અભિયાન અંતર્ગત શિક્ષા મેળવી રહી છે. શિક્ષકના જણાવ્યા પ્રમાણે પ્રથમ 11 મહિલાઓ આ અભિયાનમાં જોડાઈ અને વાંચતા લખતા શીખી ત્યાર બાદ આ અભિયાનને વેગ મળતો ગયો અને અત્યાર સુધીમાં ગામમાં અંદાજીત 30 જેટલી મહિલાઓ સાક્ષર બની છે. આગામી સમયમાં પણ આ અભિયાન આગળ વધતું રહશે અને વધારે મહિલાઓ સાક્ષર બનશે તેવું શિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું.