રાજ ઠાકરેએ 2 વિધાનસભા બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર, મહારાષ્ટ્રમાં વધાર્યું BJPનું ટેન્શન
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે બે બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.
Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે બે બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ મુંબઈની શિવડી વિધાનસભાથી બાલા નંદગાંવકર અને પંઢરપુરથી દિલીપ ધોત્રેને મેદાનમાં ઉતાર્યા છે. રાજ ઠાકરેની આ રણનીતિએ એમવીએ અને મહાયુતિ (એનડીએ) બંનેને ટેન્શનમાં મૂકી દિધા છે.
રાજ ઠાકરેએ લોકસભા ચૂંટણીમાં NDAને સમર્થન આપ્યું હતું. મહાયુતિની રેલીઓમાં પણ ભાગ લીધો હતો. ત્યારે માનવામાં આવતું હતું કે MNS વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરશે અને તેને સીટની વહેંચણીમાં મહત્વ મળશે. જોકે, લોકસભા ચૂંટણીમાં મહાયુતિને મોટો ફટકો પડ્યો હતો અને બેઠકો ગુમાવી હતી. હવે રાજ ઠાકરેએ એકલા જવાની રણનીતિ બનાવી છે. ભાજપ અને તેના સહયોગી માટે આ કોઈ મોટા ટેન્શનથી ઓછું નથી.
રાજ ઠાકરેનું મોટું નિવેદન
રાજ ઠાકરેએ 25 જુલાઈએ જાહેરાત કરી હતી કે MNS રાજ્યમાં 225 થી 250 બેઠકો પર ચૂંટણી લડશે. તેમણે કાર્યકર્તાઓને કહ્યું, "કોની સાથે ગઠબંધન થશે અને કેટલી સીટો આપવામાં આવશે તે અંગે કોઈ ભ્રમમાં ન રહો."
રાજ ઠાકરેએ કહ્યું હતું કે, "આગામી વિધાનસભા ચૂંટણીમાં મારે કંઈ પણ કરી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પદાધિકારીઓ અને કાર્યકરોને સત્તા પર બેસાડવાના છે ." લોકો મારા પર હસશે, પરંતુ મને કોઈ ફરક નહીં પડે. પરંતુ તે થવાનું છે.
2006માં પોતાની પાર્ટી MNS બનાવી
રાજ ઠાકરેએ શિવસેના સામે બળવો કર્યો અને 2006માં પોતાની પાર્ટી MNS બનાવી. જો કે તેમને ચૂંટણી મેદાનમાં ખાસ સફળતા મળી નથી. અત્યાર સુધી રાજ ઠાકરેની પાર્ટીમાંથી એક પણ સાંસદ નથી.
રાજ ઠાકરેની પાર્ટીએ 2009ની વિધાનસભા ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તે સમયે મહારાષ્ટ્રમાં તેમના 12 ધારાસભ્યો જીત્યા હતા. આ પછી 2014 અને 2019ની ચૂંટણીમાં પાર્ટીને એક-એક સીટ મળી હતી. રાજ ઠાકરેની પાર્ટી MNSને 2009માં 5.71 ટકા વોટ, 2014માં 3.15 ટકા વોટ અને 2019માં 2.25 ટકા વોટ મળ્યા હતા. રાજ ઠાકરે મહારાષ્ટ્રમાં ખૂબ જ મોટો ચહેરો છે. મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના તેમના નેતૃત્વમાં આ ચૂંટણી લડશે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 બેઠકો છે. અહીં બહુમત માટે કુલ 144 બેઠકો જીતવી જરુરી છે. તમામ રાજકીય પક્ષો અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે.