![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટે એટેકથી મોત, પાણી ભરતા સમયે છાતીના ભાગમાં દુખાવો થયા બાદ મોત
સુરત શહેરમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોત થવાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યાછે. સાથે સાથે શ્વાસ લેવાની તકલીફના કારણે પણ યુવાનોમાં મોતનું પ્રમાણ જોવા મળી રહ્યું છે.
![સુરતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટે એટેકથી મોત, પાણી ભરતા સમયે છાતીના ભાગમાં દુખાવો થયા બાદ મોત One more person dies of heart attack in Surat, death after chest pain while filling water સુરતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટે એટેકથી મોત, પાણી ભરતા સમયે છાતીના ભાગમાં દુખાવો થયા બાદ મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/03/df72ea18cf2ea94bc1b8eb5346fb0215168308936960476_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Surat: રાજ્યમાં છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકના કિસ્સામાં વધારો થયો છે. આજ ક્રમમાં સુરતમાં હાર્ટ એટેકથી વધુ એક મોતના સમાચાર સામે આવ્યા છે. સુરતના ગીતા નગરમાં 42 વર્ષીય વ્યક્તિને હાર્ટ એટેક આવતા મોત થયું છે. રમાશંકર ત્રિવારી ઘરમાં પાણી ભરી રહ્યા હતા ત્યારે અચાનક છાતીના ભાગમાં દુખાવો થયો હતો. બાદમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
રમાશંકર ત્રિવારી કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. લુમ્સ ખાતામાં કામ કરી પરિવારને મદદરૂપ થતા હતા. અચાનક હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ છે. પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૂર્તદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પીએમ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.
સુરતમાં હાર્ટ એટેકથી મોતના અનેક કિસ્સા સામે આવ્યા છે
સુરત શહેરમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોત થવાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યાછે. સાથે સાથે શ્વાસ લેવાની તકલીફના કારણે પણ યુવાનોમાં મોતનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. સુરતના જુદા જુદા વિસ્તારમાં 1 મહિલા, 5 પુરુષ સહિત 6 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. છાતીના દુખાવા બાદ અલગ અલગ વિસ્તારમાં 6 ના મોત ચકચાર મચી ગઈ છે. નાની વયમા વધતા જતા હાર્ટએટેક બનાવમાં છેલ્લા 24 કલાકમાં 6 લોકોનાં મોત થયા છે. સચિન, સચિન જીઆઇડીસી, ગોદાડરા, ડભોલી, પાંડેસરામાં મળીને 6 લોકોના હાર્ટએટેકથી મોત થયા છે, જેમાં એક મહિલા અને પાંચ પુરુષનો સમાવેશ થાય છે.
સુરતમાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ પાંડેસરાના 43 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. મૃતકનું નામ ડકુઆ રંકનિધિ કિર્તન ભૈરાબ છે. મરનારને કોઈપણ બીમારી નહોતી. સુરતના ભેસ્તાન ભેરુ નગરમાં આ ઘટના બની હતી. બાથરૂમમાંથી ન્હાઈને નીકળ્યાં બાદ તેમને છાતીમાં દુખાવો થયો હતો. જે બાદ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. અચાનક મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
સિંગણપુર વિસ્તારમાં આવેલા ગોવિંદજી હોટલની બાજુમાં હરીનગર ખાતે રહેતા 34 વર્ષીય યોગેશ કાનજીભાઈ મોરડીયાને વહેલી સવારે છાતીમાં દુખાવો થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
અન્ય બનાવમાં સચિન કનકપુર વિસ્તારમાં 40 વર્ષીય નયનાબેન રાઠોડ પરિવાર સાથે રહેતા હતા. બે દિવસ પહેલા સોસાયટીમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા, ત્યાંથી પરત ઘરે આવી ટીવી જોતા હતા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થઈ અને ત્યાં જ ઢળી પડ્યા હતા. જેથી પરિવારજનો તેમને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મૂળ રાજસ્થાનના હનુમાનગંજનો વતની અને હાલ સચિન રેલવે સ્ટેશન પાસેના તિલક એવન્યુમાં રહેતો 27 વર્ષીય વિકાસ જગદીશ લખન રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. બુધવારે રાત્રે વિકાસ પરિવાર સાથે ટીવી જોઈ રહ્યો હતો. તે સમયે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. તેણે પરિવારને છાતી અને પેટમાં દુખાવાની વાત કરી હતી. જેથી તેને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ જીવ બચી શક્યો નહોતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)