China Covid Surge: : તો શું કોરોનાના 10 વેરિએંટ ભારતમાં મચાવશે હાહાકાર?
શું BF.7 સબ-વેરિઅન્ટથી દેશમાં આગામી કોવિડ વેવની શક્યતા છે? ભારતમાં BF.7 વેરિઅન્ટના વધતા જતા કેસ અંગે વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોના શું મંતવ્યો છે તેના વિશે જાણવુ ખુબ જરૂરી છે.
BF7 Variant of Covid-19 : ચીનમાં કોવિડના કેસ સતત વધી રહ્યા છે અને લાખો કેસ સામે આવી રહ્યા છે. ચીનની સ્થિતિને જોતા અન્ય દેશોની ચિંતા પણ વધી ગઈ છે. ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ BF.7 જે ચીનમાં મોટા પાયે તબાહી મચાવી રહ્યું છે તે સમગ્ર વિશ્વ માટે મુશ્કેલીનો વિષય બની ગયું છે અને તેના કેસ ભારતમાં પણ જોવા મળ્યા છે. જો કે ભારતમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગે યોગ્ય તૈયારીઓ પૂરી કરી લીધી છે. ટેસ્ટિંગ, બૂસ્ટર ડોઝ અને વિદેશથી મુસાફરી કરનારા મુસાફરો માટે કરવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે. પણ શું કોરોનાના નવા વેરિએન્ટ ભારત માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે?
શું BF.7 સબ-વેરિઅન્ટથી દેશમાં આગામી કોવિડ વેવની શક્યતા છે? ભારતમાં BF.7 વેરિઅન્ટના વધતા જતા કેસ અંગે વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોના શું મંતવ્યો છે તેના વિશે જાણવુ ખુબ જરૂરી છે.
કેલિફોર્નિયા સ્થિત સ્ક્રિપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડેટા અનુસાર, ચીનમાં વર્તમાનમાં કોરોના કેસ આટલી હદે વધારવા માટે જવાબદાર BF.7 વેરિએંટ જેવા જીનેટિક્સ ધરાવતો વેરિએંટ ફેબ્રુઆરી 2021થી લગભગ 90 દેશોમાં સામે આવી ચુક્યું છે અને તે Omicronના BA.5 સબ-વેરિએંટ ગ્રુપનો ભાગ છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ભારતમાં તેની વધુ અસર થવાની શક્યતા નહીવત છે કારણ કે, ભારતની મોટાભાગની વસ્તીમાં ડબલ ઈમ્યૂનિટી છે તેમજ લોકો કુદરતી રોગપ્રતિકારક શક્તિ અને રસી દ્વારા વિકસિત રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે.
ભારતમાં કોરોનાના 10 પ્રકારો મોજુદ : વાઈરોલોજિસ્ટ ડૉ. ગગનદીપ કાંગ
વાઈરોલોજિસ્ટ ડૉ. ગગનદીપ કાંગના જણાવ્યા અનુસાર, હાલમાં ભારતમાં કોવિડના 10 પ્રકારો છે અને તેમ છતાં કોરોનાના કેસ નથી વધી રહ્યા. BF.7 સબ-વેરિઅન્ટ ભારતમાં કંઈ નવો નથી. આપણે ભૂતકાળમાં કેટલાક સમયથી એમ્રિક્રોનના જુદા જુદા સબ વેરિએંટના કારણે અનેક લહેરો જોઈ છે.
તેમણે કહ્યું હતું કે, ચીનમાં કોરોનાના નવા કેસ, લક્ષણો અને તેનું જોખમ ભારત કરતા અલગ છે. ચીનમાં વૃદ્ધો અને જે લોકોને બૂસ્ટર ડોઝ મળ્યો નથી તેઓ વધુ સંક્રમિત થઈ રહ્યા છે. ત્યાંના લોકોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ પણ ખુબ જ ઓછી છે.
ડૉ. ગગનદીપે કહ્યું હતું કે, હાલ ચીનમાં સબ-વેરિએંટને કારણે આ હદે કેસ વધી રહ્યા છે જે રસીકરણ બાદ પણ લોકોને સંક્રમિત કરી રહ્યા છે. BF.7ના કારણે ભારતમાં કોવિડના લક્ષણોમાં ફેરફાર જોવા મળે તેવી શક્યતા ખુબ ઓછી છે. જો કોઈ વ્યક્તિ આ વેરિએંટ ચેપગ્રસ્ત છે તો તેમાં હળવા ફ્લૂ જેવા લક્ષણો દેખાશે જેમાં તાવ પણ શામેલ હોઈ શકે છે. ચેપ લાગ્યા બાદ આરામ અને પેરાસીટામોલ લઈને ઘરેથી જ તેનો સરળતાથી ઈલાજ કરી શકાય છે.
ડૉક્ટર ગગનદીપે જણાવ્યું હતું કે, ભારતમાં BF.7ના ચાર કેસમાંથી કોઈને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી પડી. આ વાયરસ ઉપલા શ્વસન માર્ગને ઘેરી રહ્યો છે. જ્યારે અગાઉ જોવા મળેલો ડેલ્ટા વેરિઅન્ટ નીચલા શ્વસન માર્ગને ચેપ લગાડી રહ્યો હતો. જોકે આ લહેર શિયાળાની ઋતુમાં સામે આવે છે જ્યારે આ ઋતુમાં અન્ય વાયરસ પણ સક્રિય હોય છે. તેનાથી કોવિડની અસર વધી શકે છે.
ડૉ. ગગનદીપે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં બુસ્ટર ડોઝ વૃદ્ધોને કોરોના ચેપમાંથી બચાવશે. જો કે, નિષ્ણાતોનું માનવું છે કે mRNA રસી વધુ અસરકારક રહેશે કારણ કે, આ પ્રકારની રસી (પુણેમાં જીનોવા બાયોફાર્માસ્યુટિકલ્સ દ્વારા બનાવવામાં આવેલ) પહેલાથી જ કટોકટીના સમયમાં ઉપયોગ માટે મંજૂરી પામેલી છે અને આવતા વર્ષે બૂસ્ટર પ્રોગ્રામમાં રજૂ કરવામાં આવશે. જ્યારે કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે, mRNA રસી માટે રાહ જોવાની જરૂર નથી. કોવિડ સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેને તાત્કાલિક લાગુ કરવી જોઈએ.