G20 Summit 2023: રશિયાને મળી મોટી રાહત, રૂપિયાના જમા થયેલા ભંડારનો કાઢ્યો રસ્તો, ભારત બતાવશે ક્યાં કરવું રોકાણ
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરૉવે રવિવારે કહ્યું કે, રશિયા એકઠા થયેલા નાણાંનું ભારતમાં રોકાણ કરશે. આ માટે ભારત તરફથી રશિયાને ફાયદાકારક રોકાણ ઓપ્શનો સૂચવવામાં આવશે.
G20 Summit India: 18મી G20 સમિટ આજે રવિવારે પૂરી થઈ. વિશ્વના મોટા દેશોના નેતાઓએ સમિટમાં ભાગ લીધો હતો અને તે દરમિયાન કેટલીય મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી. G20 સમિટે વિવિધ દેશોને અલગ-અલગ સંબંધિત મુદ્દાઓના ઉકેલ શોધવાની તક પણ આપી હતી. આવો જ એક મુદ્દો ભારત અને રશિયા સાથે સંબંધિત છે, તેના ઉકેલની આશા પ્રબળ બની છે.
જી20 સમિટમાં સામેલ થયા ન હતા પુતિન
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરૉવે રવિવારે કહ્યું કે, રશિયા એકઠા થયેલા નાણાંનું ભારતમાં રોકાણ કરશે. આ માટે ભારત તરફથી રશિયાને ફાયદાકારક રોકાણ ઓપ્શનો સૂચવવામાં આવશે. લાવરૉવ જી-20 સમિટ બાદ પત્રકાર પરિષદને સંબોધિત કરી રહ્યા હતા. આ વખતની G20 સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતે ભાગ લીધો ન હતો. તેમના સ્થાને રશિયાના વિદેશ પ્રધાને સમિટમાં તેમના દેશનું પ્રતિનિધિત્વ કર્યું.
મળીને કાઢવામાં આવ્યો હલ -
પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા લવરૉવે કહ્યું કે ભારત રશિયાને એવા ક્ષેત્રો વિશે જણાવશે જ્યાં રશિયા તેની પાસે એકઠા થયેલા ભારતીય રૂપિયાનું રોકાણ કરી શકે. તેમણે કહ્યું કે, G20 સમિટ પહેલા તેમણે જકાર્તામાં વિદેશ મંત્રી એસ જયશંકર સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. લવરૉવે કહ્યું કે બંને દેશોની સરકારો આ મુદ્દાનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહી છે, જેનાથી બંને દેશોને ફાયદો થઈ શકે.
આ કારણે પેદા થઇ ગંભીર સમસ્યા -
વાસ્તવમાં યૂક્રેન અને રશિયા વચ્ચે દોઢ વર્ષથી ચાલી રહેલા યુદ્ધને કારણે અમેરિકાના નેતૃત્વમાં પશ્ચિમી દેશોએ રશિયા પર ઘણા આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. બીજી તરફ યુદ્ધ શરૂ થયા બાદ રશિયા અને ભારત વચ્ચેનો વેપાર વધ્યો છે. જોકે, વેપારમાં વધારો કરવામાં એકમાત્ર યોગદાન ભારતને રશિયા પાસેથી મળી રહેલું ક્રૂડ ઓઈલ છે. આ માટે રશિયાએ રૂપિયામાં પેમેન્ટ લેવા સંમતિ દર્શાવી હતી. રશિયા હાલમાં ભારત પાસેથી ખૂબ જ ઓછી ખરીદી કરી રહ્યું હોવાથી તેની પાસે પૈસા એકઠા થઈ રહ્યા છે જેનો તે ઉપયોગ કરી શકતું નથી.
બન્ને દેશોને આ રીતે થશે ફાયદો -
બંને દેશો મહિનાઓથી આ સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો અટવાયેલા રૂપિયાને યોગ્ય ક્ષેત્રોમાં રોકાણ કરવાનો વિચાર અમલમાં મૂકવામાં આવે છે, તો રશિયાને એક બાજુએ જમા કરાયેલા રૂપિયાનો ઉપયોગ કરવાનો વિકલ્પ મળશે, અને તેમાંથી થોડું વળતર પણ મેળવી શકશે. આ રીતે રશિયાને આર્થિક પ્રતિબંધોને બાયપાસ કરવાનો રસ્તો મળશે, જ્યારે ભારત પાસે કિંમતી વિદેશી હૂંડિયામણ બચાવવાનો વિકલ્પ હશે.