Kim Jong Un Russia Visit: કિમ જોંગ-ઉન રશિયા જવા રવાના, ડિફેન્સ ડિલ પર પુતિન સાથે કરશે ચર્ચા
Kim Jong Un Russia Visit: અગાઉ એવા અહેવાલ હતા કે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે આ મહિને મુલાકાત થઈ શકે છે
Kim Jong Un Russia Visit: ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે હથિયારોના સોદા પર વાતચીત કરવા માટે રશિયા જવા રવાના થયા છે. અગાઉ આ દાવો દક્ષિણ કોરિયાના મીડિયાએ સરકારી સૂત્રોને ટાંકીને કર્યો હતો, પરંતુ સાંજ સુધીમાં રશિયાએ પણ આ મુલાકાતની પુષ્ટી કરી હતી. બાદમાં ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ પણ કિમ જોંગ-ઉનની રશિયા મુલાકાતની પુષ્ટી કરી હતી. અગાઉ એવા અહેવાલ હતા કે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે આ મહિને મુલાકાત થઈ શકે છે.
એવો દાવો કરવામાં આવ્યો છે કે ટ્રેન ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગથી નીકળી હતી અને રશિયાના શહેર વ્લાદિવોસ્તોક પહોંચી હતી. મંગળવારે સવારે અહીં કિમ-પુતિનની મુલાકાત થવાની છે. જો કે કેટલાક કોરિયન મીડિયાએ પહેલાથી જ આવા અહેવાલો પ્રકાશિત કર્યા હતા. દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીએ આ અહેવાલો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. અમેરિકાના અધિકારીઓએ ગયા અઠવાડિયે ગુપ્ત માહિતી આપી હતી કે પુતિન અને કિમ જોંગ ટૂંક સમયમાં પૂર્વીય રશિયન શહેર વ્લાદિવોસ્તોકમાં શસ્ત્રોના સોદા પર ચર્ચા કરશે.
રિપોર્ટ્સ અનુસાર, ઉત્તર કોરિયા યુક્રેન યુદ્ધ માટે રશિયાને હથિયારો સપ્લાય કરી શકે છે. અમેરિકાએ હાલમાં જ રશિયાને ઉત્તર કોરિયા સાથે ગુપ્ત વાતચીતને લઈને ચેતવણી આપી હતી. યુએસ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિયન વોટસને કહ્યું હતું કે અમે પહેલાથી જ જાહેરમાં ચેતવણી આપી દીધી છે કે રશિયા અને ડીપીઆરકે વચ્ચે હથિયારોના સોદા અંગે વાતચીત ચાલી રહી છે.
ગત વર્ષે પણ ઉત્તર કોરિયાએ રશિયાને હથિયારો સપ્લાય કર્યા હતા
અમેરિકન અધિકારીઓનો દાવો છે કે ઉત્તર કોરિયાએ ગયા વર્ષે પણ રશિયાને રોકેટ અને મિસાઈલો સપ્લાઈ કરી છે. જેનો ઉપયોગ વેગનર ગ્રુપ દ્વારા કરવામાં આવતો હતો. રશિયાના રક્ષા મંત્રી સર્ગેઈ સોઇગુએ પણ ગયા મહિને ઉત્તર કોરિયાની મુલાકાત લીધી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં, યુએસ, બ્રિટન, દક્ષિણ કોરિયા અને જાપાને એક સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યું કે રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે દ્વિપક્ષીય સહયોગ વધારતી કોઈપણ ડીલને સુરક્ષા પરિષદના ઠરાવનું ઉલ્લંઘન ગણવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રશિયાએ પણ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો.