Mysterious Past : અદ્દભૂત તળાવ જેમાંથી મળ્યો એક કિલોમીટર લાંબો પ્રાચીન મહેલ, 10 વર્ષની મહેનત બાદ મળી સફળતા
મહેલ લુપ્ત થઈ ગયેલી ઉરાર્તુ સંસ્કૃતિમાંથી લોહ યુગના અવશેષો છે, જેને વાન સામ્રાજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. નવમીથી છઠ્ઠી સદી પૂર્વે આધુનિક ઈરાનની નજીકના પ્રદેશ પર વાન શાસન હતું.
Mysterious past : વિશ્વભરમાં રહસ્યોની કોઈ કમી નથી. આજે પણ પૃથ્વી પર એવા ઘણા રહસ્યો છે જેના વિશે કોઈ જાણતું નથી. સમયાંતરે સંશોધકો આવા અનેક રહસ્યો પરથી પડદો ઉઠાવતા રહે છે. આવું જ એક રહસ્ય તુર્કીમાંથી થોડા વર્ષો પૂર્વે જાણવા મળ્યું હતું. સંશોધકોને એક અદ્દભૂત તળાવમાંથી એક પ્રાચીન મહેલ મળી આવ્યો, અથવા તો કહી શકાય કે સંસોધકો દ્વારા તળાવમાંથી એક પ્રાચીન મહેલ શોધી કાઢવામાં આવ્યો. વાસ્તવમાં પુરાતત્વવિદોની એક ટીમને તળાવમાં એક પ્રાચીન મહેલ મળ્યો હતો. વેન યુનિવર્સિટીની ટીમે નવેમ્બર 2017માં આ મહેલની શોધ કરી હતી. તુર્કીના સૌથી મોટા સરોવર અને મધ્ય પૂર્વના બીજા નંબરનાં સૌથી મોટા તળાવની ઊંડાઈમાં પથરાયેલો આ પ્રાચીન મહેલ મોટાભાગે સારી સ્થિતિમાં જોવા મળ્યો હતો.
ટીમના એક મેમ્બર પ્રમુથાસિન સિલાને કહ્યું હતું કે, "સ્થાનિક લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું કે પાણીની નીચે કંઈક હોઈ શકે છે. પરંતુ, મોટાભાગના સ્થાનિક અને વૈશ્વિક પુરાતત્વવિદો અને મ્યુઝિયમ અધિકારીઓએ કહ્યું હતું કે અમને ત્યાં કંઈપણ મળશે નહીં. જોકે અમે તમામ તજજ્ઞોનાં મંતવ્યની વિરૂદ્ધ જઇ અને ત્યાં અમારુ કામ શરુ રાખ્યું. " પ્રમુથાસિન સિલાને વધુમાં કહ્યું હતું કે, “અમે 10 વર્ષથી વેન લેકમાં સંશોધન કરી રહ્યા હતા અને આ શોધ અમારા માટે અણધારી પણ કહી શકાય, કારણ કે આટલી મોટી સફળતાની અમને જરા પણ આશા ન જ હતી.
તળાવનાં તળીયે પથરાયેલો આ મહેલ એક કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. દિવાલોની ઊંચાઈ ત્રણથી ચાર મીટર છે, તળાવના આલ્કલાઇન પાણીએ તેને સારી સ્થિતિમાં રાખ્યો છે. મહલેનાં કિલ્લાની બાકીની રચનાઓ પથ્થરોથી બનેલી છે. મહેલ વિશે હજુ ઘણું જોણવાનું અને શીખવાનું બાકી છે. ઉદાહરણ તરીકે, મહેલની દિવાલો તળાવના કાંપમાં કેટલી ઊંડી છે તે સ્પષ્ટ નથી. વધુમાં વધુ પુરાતત્વીય સંશોધન આ મહેલના નિર્માતાઓ વિશે વધુ જાણવામાં મદદ કરશે. સંશોધકોએ પ્રથમ વખત જાહેરાત કરી હતી કે તેઓ માને છે કે આ મહેલ લુપ્ત થઈ ગયેલી ઉરાર્તુ સંસ્કૃતિમાંથી લોહ યુગના અવશેષો છે, જેને વાન સામ્રાજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે, જેણે નવમીથી છઠ્ઠી સદી પૂર્વે આધુનિક ઈરાનની નજીકના પ્રદેશ પર શાસન કર્યું હતું.