Russia : રશિયામાં વેગનર આર્મીના બળવાને લઈ થઈ હતી સિક્રેટ ડીલ?
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પ્રશાસન અને સૈન્ય કમાન્ડરોને બુધવારે જ વેગનરની તૈયારીઓ વિશે જાણ કરવામાં આવી હતી.
![Russia : રશિયામાં વેગનર આર્મીના બળવાને લઈ થઈ હતી સિક્રેટ ડીલ? Russia : America Already Knew About Russia Wagner Conflict, Deal Between Evgeny Prigozhin and America? Russia : રશિયામાં વેગનર આર્મીના બળવાને લઈ થઈ હતી સિક્રેટ ડીલ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/25/c41c56f1014c1adaccf5bd29f01b592b1687693370975724_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Russia Wagner Conflict Update: પ્રાઈવેટ આર્મી એવી વેગનરના વડા દ્વારા તેમના સૈનિકોને મોસ્કો તરફ આગળ વધવાનું રોકવા માટે આદેશ આપ્યા બાદ રશિયામાં કટોકટી સમાપ્ત થઈ ગઈ છે. આ દરમિયાન આ ઘટના સાથે જોડાયેલા મોટી માહિતી સામે આવી છે. ન્યૂ યોર્ક ટાઈમ્સે સૂત્રોને ટાંકીને દાવો કર્યો હતો કે, અમેરિકાની ગુપ્તચર એજન્સીઓને પહેલેથી જ શંકા હતી કે, વેગનર ચીફ યેવજેની પ્રિગોઝિન તેના સૈનિકો સાથે રશિયન સરકાર સામે મોટા હુમલાની યોજના બનાવી રહ્યો હતો.
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, અમેરિકી અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન પ્રશાસન અને સૈન્ય કમાન્ડરોને બુધવારે જ વેગનરની તૈયારીઓ વિશે જાણ કરવામાં આવી હતી. કેટલીક વધુ માહિતી મળતાંની સાથે જ ગુરુવારે બીજી બ્રીફિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના નેતાઓના જૂથે ભાગ લીધો હતો.
રશિયામાં વેગનરની સેનાનો બળવો
રશિયાની સ્થિતિ શુક્રવારે રાત્રે જ વણસી ગઈ જ્યારે યેવગેની પ્રિગોઝિને રશિયન સંરક્ષણ મંત્રાલય પર વેગનર કેમ્પ પર મિસાઈલ હુમલાનો આરોપ લગાવ્યો અને બદલો લેવાનું આહ્વાન કર્યું હતું. જો કે, મંત્રાલયે આરોપ અને કથિત ઉશ્કેરણીનો ઇનકાર કર્યો હતો. કલાકો બાદ વેગનર સૈનિકોએ દક્ષિણ રશિયન શહેર રોસ્ટોવ-ઓન-ડોનમાં લશ્કરી હેડક્વારટર કબજે કરી લીધુ હતું.
પ્રિગોઝિન દ્વારા આપવામાં આવ્યો હતો
આ સાથે યેવગેની પ્રિગોઝિને પણ તેના સૈનિકોને મોસ્કો તરફ જવાનો આદેશ આપ્યો. ન્યૂયોર્ક ટાઈમ્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, બળવો પહેલા અમેરિકી અધિકારીઓની રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ધમકી વિશે ચેતવણી આપવાની કોઈ યોજના નહોતી. કારણ કે તેમને ડર હતો કે રશિયા તેમના પર જ બળવો કરવાનો આરોપ લગાવી શકે છે.
અમેરિકન અધિકારીઓને હતી આ ચિંતા
અમેરિકી અધિકારીઓ આ સંભવિત સંઘર્ષ અંગે ચિંતિત હતા. કારણ કે, તેઓ ચિંતિત હતા કે, રશિયામાં અરાજકતા પરમાણુ જોખમો પેદા કરી શકે છે. શનિવારે વેગનરના વિદ્રોહ બાદ રશિયાના વિદેશ મંત્રાલયે પણ પશ્ચિમને ચેતવણી આપી હતી કે, રશિયા વિરુદ્ધ આવો કોઈપણ પ્રયાસ નિરર્થક રહેશે. જ્યારે રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે કહ્યું હતું કે, એક મોટી પરમાણુ શક્તિમાં બળવોના વિનાશક પરિણામો આવી શકે છે અને મોસ્કો આવું ક્યારેય થવા દેશે નહીં.
વ્લાદિમીર પુતિને સંબોધનમાં કહ્યું કે...
આ વિદ્રોહ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે તેને વિશ્વાસઘાત ગણાવ્યો અને લોકો અને રશિયાનો બચાવ કરવાનું વચન આપ્યું. વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, રશિયા તેના ભવિષ્ય માટે સૌથી મુશ્કેલ યુદ્ધ લડી રહ્યું છે. ત્યાર બાદ યેવજેની પ્રિગોઝિને પુતિનના વિશ્વાસઘાતના આરોપોને નકારી કાઢ્યા અને તેમના લડવૈયાઓને દેશભક્ત ગણાવ્યા. આખરે તેણે તેના સૈનિકોને મોસ્કો તરફ આગળ વધવાનું બંધ કરવાનો આદેશ આપ્યો.
પ્રિગોઝિન અને અમેરિકા વચ્ચે ગુપ્ત ડીલ?
આ બળવાને લઈને પણ મોટો ખુલાસો થયો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ વિદ્રોહને લઈને યેવગેની પ્રિગોઝિન અને અમેરિકા વચ્ચે ગુપ્ત ડીલ થઈ હતી. એક સમયે પુતિનના સૌથી ભરોસાપાત્ર ગણાતા પ્રિગોઝિને કંઈ અચાનક જ મોરચો ખોલ્યો નહોતો, પરંતુ તેની પાછળ એક સુનિયોજિત કાવતરું હતું. જોકે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, રશિયામાં જે કંઈ પણ થયું તેની પાછળ અમેરિકાનો હાથ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પ્રિગોઝિને લીધેલા પગલા બાદ તેને અમેરિકા તરફથી મોટી રાહત મળી છે.
વેગનર પર અમેરિકા નરમ
પ્રિગોઝિનના બળવાના સમય વિશે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આ વિદ્રોહની અંદરની વાત પણ સામે આવી છે. ગુપ્ત ડીલના ત્રણ મોટા પુરાવા છે. પહેલો પુરાવો કે, અમેરિકા અચાનક વેગનર પર એટલું નરમ થઈ રહ્યું છે. બીજો પુરાવો એ છે કે, અમેરિકાના ટોચના અધિકારીઓ પાસેથી મીડિયાને મળેલી માહિતી અનુસાર અમેરિકાને આ સમગ્ર વિદ્રોહની પહેલાથી જ જાણ હતી. ત્રીજો પુરાવો એ છે કે, પુતિન સામે પ્રિગોઝિન અમેરિકા માટે એક મોટું હથિયાર સાબિત થઈ શકે છે. એટલા માટે તેની સાથે વ્યવહાર કરવામાં અમેરિકાને મોટો ફાયદો થઈ શકે છે.
અમેરિકા વેગનર જૂથ પર પ્રતિબંધ નહીં મૂકે
પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકા હાલમાં વેગનર ગ્રુપ પર પ્રતિબંધ નહીં મૂકે. આફ્રિકન દેશોમાં સોનાની ખાણકામ માટે વેગનર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, એમ કહીને કે તે સોનાની ખાણકામની કમાણી સાથે રશિયાને યુદ્ધમાં મદદ કરી રહ્યો હતો. પરંતુ બળવાના ઘટનાક્રમ વચ્ચે, અમેરિકાએ પ્રતિબંધને ટાળવાનો નિર્ણય લીધો છે. જાહેર છે કે, વેગનર આર્મી આફ્રિકન દેશો લિબિયા, માલી અને સુડાનમાં તૈનાત છે. અહીં, સંસાધનો અને રાજદ્વારી સમર્થનના બદલામાં વેગનર જૂથ આફ્રિકાને મદદ કરે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)