દિલ્હીથી જબલપુર જઇ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કેબિનમાં અચાનક ધુમાડો નીકળવા લાગતા ફ્લાઇટનું દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્લેનમાં સવાર તમામ 60થી વધુ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે.
2/5
દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટના ટર્મિનલ 1-ડી પરથી સવારે 6.29 વાગ્યે ઉડાન ભરેલા સ્પાઈસ જેટના પ્લેનના કેબિનમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો. આ દરમિયાન પ્લેન લગભગ 5000 ફૂટની ઉંચાઈ પર ઉડી રહ્યું હતું. જેના કારણે મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.. ફ્લાઇટની અંદરનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં કેબિનમાં ધુમાડો સ્પષ્ટપણે જોઇ શકાય છે. એસી બંધ થવાના કારણે મુસાફરોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.
3/5
સ્પાઈસજેટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 5000 ફૂટની ઉંચાઈએ દિલ્હીથી જબલપુર આવી રહેલી સ્પાઈસજેટની ફ્લાઈટ એસજી 2962માં ટેક્નિકલ ખામી સર્જાતા તેને સુરક્ષિત રીતે દિલ્હી એરપોર્ટ પર પાછી લેન્ડ કરવામાં આવી હતી.
4/5
એરલાઇન દ્વારા મુસાફરોને તેમના સ્થાને મોકલવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.હાલમાં મુસાફરો દિલ્હી એરપોર્ટ પર ફસાયેલા છે. સ્પાઈસ જેટની ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા કેટલાક મુસાફરોએ જ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
5/5
આ દરમિયાન, અન્ય એક વિડિયો સામે આવ્યો છે જેમાં મુસાફરો વૈકલ્પિક ફ્લાઇટ્સ માટે આપેલા આશ્વાસન પછી પણ ફ્લાઇટ ન મળવાથી નારાજ જોવા મળે છે અને તેઓ સ્પાઇસજેટ મેનેજમેન્ટ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.