IND vs PAK Highlights: કિંગ કોહલીની આતશબાજી સામે પાકિસ્તાન પરાસ્ત, દેશભરમાં દિવાળીનો માહોલ
IND vs PAK, Match Highlights: T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 4 વિકેટથી હરાવીને શાનદાર શરુઆત કરી છે.
IND vs PAK, Match Highlights: T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 4 વિકેટથી હરાવીને શાનદાર શરુઆત કરી છે. પાકિસ્તાને આપેલા 160 રનના ટાર્ગેટ સામે ભારતે 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો. આજની મેચમાં વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા મેચના હિરો સાબિત થયા હતા. વિરાટ કોહલીએ 82 રનની શાનદાર ઈનિંગ રમીને રનની આતબાજી સમાન બેટિંગ કરીને અણનમ રહ્યો હતો. આ સાથે હાર્દિક પંડ્યાએ પણ 37 બોલમાં 40 રનનું યોગદાન આપ્યું હતું.
ભારતની નબળી શરૂઆત રહી હતીઃ
160 રનના ટાર્ગેટ સામે ભારત શરૂઆત નબળી રહી હતી. કેએલ. રાહુલ અને રોહિત શર્મા 4-4 રન બનાવીને આઉટ થયા હતા અને 10 રનમાં ભારતે બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી હતી જો કે, સૂર્યકુમાર 15 રન બનાવીને આઉટ થઈ હતો. ભારતનો સ્કોર 10 ઓવર બાદ 45 રન પર જ હતો ત્યારે વિરાટ કોહલી 12 રન અને હાર્દિક પંડ્યા 7 રન સાથે રમતમાં હતા. ત્યાર બાદ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ શાનદાર બેટિંગ કરતાં ભારતે અંતિમ ઓવરમાં 160 રન બનાવી લીધા હતા. આ દરમિયાન અક્ષર પટેલ 2 રન, દિનેશ કાર્તિક 1 રન બનાવી આઉટ થયા હતા. જ્યારે આર. અશ્વિન 1 રન બનાવી અણનમ રહ્યો હતો.
પાકિસ્તાનની થઈ હતી નબળી શરૂઆત
પાકિસ્તાનની શરૂઆત નબળી થઈ હતી. કેપ્ટન બાબર આઝમ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. રિઝવાન 4 રન બનાવી આઉટ થયો હતો. જે બાદ ઈફ્તિખાર અહેમદ અને મસૂદે ત્રીજી વિકેટ માટે 76 રનની પાર્ટનરશિપ કરી હતી. 14મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ એક જ ઓવરમાં બે વિકેટ લઈને પાકિસ્તાનને બેકફૂટ પર ધકેલી દીધું હતું.
પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા હતા. શાન મસૂદે સર્વાધિક 52 રન બનાવ્યા હતા. ઈફ્તિખાર અહેમદે 34 બોલમાં 51 રનની ઈનિંગ રમી હતી. શાહિન આફ્રિદીએ 7 બોલમાં 16 રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપે 32 રનમાં 3, હાર્દિક પંડ્યાએ 30 રનમાં 3 અને મોહમ્મદ શમીએ 25 રનમાં 1, ભુવનેશ્વર કુમારે વિકેટ લીધી હતી.